તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શું પ્રિયંકાની ક્ષમતા પર કોંગ્રેસને ભરોસો નથી?

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સુધીર ચૌધરીએ ઝી ન્યુઝના એડિટર ઈન ચીફ 

મોદી પછી સૌથી વધુ પૂછાતો પ્રશ્ન અે છે કે પ્રિયંકા ગાંધી વાડરાની એન્ટ્રીથી કોંગ્રેસને યુપીમાં કેટલો લાભ થશે? કોંગ્રેસે પ્રિયંકાને મહામંત્રી તો બનાવ્યાં પરંતુ જવાબદારી માત્ર અડધા ઉત્તરપ્રદેશની જ સોંપી છે. તેનાથી એ સાબિત થાય છે કે કોંગ્રેસ નેતૃત્વને જ પ્રિયંકા ગાંધી વાડરાની અખિલ ભારતીય ક્ષમતાઓ પર શંકા છે.

પ્રિયંકાનું પ્રથમ એસાઇનમેન્ટ મુશ્કેલ અને પડકારરૂપ છે. 7.5 ટકા મતહિસ્સાવાળી કોંગ્રેસ માટે યુપી ઉજ્જડ જમીનની જેમ છે. પ્રિયંકાની સામે ઉજ્જડ મતોના પાકને ફરી હરિયાળો કરવાનો પડકાર છે. યુપીમાં કોંગ્રેસની કોઇ કેડર બચી નથી અને રાહુલ ગાંધી પણ અસરકારક નથી રહ્યા. યુપીમાં ફેલ થઇ ગયેલા ગાંધી પરિવારના ભાથામાં છેલ્લું બાણ પ્રિયંકા ગાંધી જ છે. આ ચૂંટણી ‘કરો યા મરો’ની છે.

 પ્રિયંકાનું વ્યક્તિત્વ પ્રભાવશાળી છે. તેનામાં લોકો સાથે સીધા સંવાદની કળા પણ છે. તેમની સંવાદશૈલી દાદી ઇન્દિરા ગાંધી જેવી છે. રાષ્ટ્રીય રાજકારણમાં નરેન્દ્ર મોદી સિવાય અત્યારે એક પણ મોટું માથું નથી. ત્યારે પ્રિયંકાનો નવો ચહેરો મતદારો માટે ટીવીની નવી સીરિયલ જેવો છે. ગાંધી પરિવાર પ્રિયંકાને રાહુલ ગાંધીથી ચાર ડગલાં પાછળ પણ રાખવા માગે છે કારણ કે તેને કોંગ્રેસમાં સત્તાનાં બે કેન્દ્ર બનવાનો ડર છે. એ જ કારણે પ્રિયંકાની મોડેથી એન્ટ્રી થઇ. પ્રિયંકા પહેલાં આવ્યાં હોત તો સ્ટ્રાઇક રેટ કાંઇક સારો હોત.

ગુજરાત કોંગ્રેસની કારોબારીની બેઠકમાં પ્રિયંકાને ચોથી હરોળમાં બેસાડવામાં આવ્યાં હતાં. એ તસવીરમાં મોટો સંદેશ છુપાયેલો હતો. મારું માનવું છે કે પ્રિયંકાને યુપી જેવા મુશ્કેલ રાજ્યમાં વેડફવાને બદલે અખિલ ભારતીય ચહેરો બનાવવો જોઇતો હતો. તેમનાથી એવાં રાજ્યોમાં  પ્રચાર કરાવવો હતો, જ્યાં તેના જાદૂઇ વ્યક્તિત્વથી પક્ષને જોરદાર ફાયદો થઇ શકે. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં પ્રિયંકા કોંગ્રેસની બેઠકો વધારી શક્યાં હોત કારણ કે ત્યાંનો રાજકીય માહોલ તેમની સ્વીકાર્યતા વધારે છે.

દક્ષિણ ભારતમાં પણ પ્રિયંકા રાહુલની તુલનાએ વધુ ભીડ ભેગી કરી શકે છે. પરંતુ કોંગ્રેસે યુપીની 41 બેઠકોમાં પ્રિયંકાને ફસાવી દીધાં. છેલ્લાં 15 વર્ષથી પ્રિયંકા અમેઠી અને રાયબરેલીમાં રાહુલ અને સોનિયા ગાંધી માટે પ્રચાર કરી રહ્યાં છે પરંતુ તેમના કારણે મતોમાં વધારો થયો નથી. ગત વખતે રાહુલ ગાંધીની જીતનું અંતર માત્ર 1.7 લાખ મતોનું હતું. રાયબરેલીમાં સોનિયા ગાંધીની મત ટકાવારી 72.23 ટકાને બદલે 2014માં ઘટીને 63.79 ટકા રહી હતી. એ પ્રિયંકાના ચૂંટણીપ્રચાર પછી થયું.

આ વખતે પણ તેમની પાસે મોટા ચમત્કારની આશા રાખી શકાય નહીં. હા, તેમની હાજરીથી કોંગ્રેસને મીડિયામાં મોટી જગ્યા મળી રહી છે. એટલે જે કોંગ્રેસની વાત થતી ન હતી, તે સમાચારોમાં આવી ગઇ છે. પ્રિયંકાની સામે વધુ બે મોટા પડકાર છે. પહેલો અખિલેશ-માયાવતીએ કોંગ્રેસને સપા-બસપા ગઠબંધનમાં સ્થાન આપ્યું નથી. આ ગઠબંધન અને ભાજપ સામે એકલા હાથે લડવું કોંગ્રેસના ગજા બહારની વાત છે. બીજી સમસ્યા તેમના રાજકારણના પ્રવેશની સાથે જ પુલવામા અને બાલાકોટ થઇ ગયું. જેના કારણે તેમનું યોગ્ય રીતે પ્રક્ષેપણ થઇ શક્યું નથી.

હાલમાં કોંગ્રેસે પ્રિયંકાને યુપીના મુશ્કેલ જંગમાં ઉતારી તો દીધાં છે, પરંતુ શસ્ત્રોનો સપ્લાય નથી કર્યો. રાહુલની રેલી-પ્રવાસોમાં પાર્ટીની સંપૂર્ણ મશીનરી પૂરી તાકાત લગાવે છે પરંતુ પ્રિયંકાના પ્રવાસમાં પાર્ટી સંપૂર્ણ તાકાત લગાડતી નથી. મીડિયા કે સોશિયલ મીડિયા પર પણ તેમનો પ્રચાર થતો નથી. પ્રિયંકા અત્યાર સુધી અલગ ટીમ બનાવી શક્યાં નથી. તેનાથી તેમને નુકસાન થઇ રહ્યું છે. પ્રિયંકાના લોન્ચિંગના દિવસે રાહુલ ગાંધીએ સંકેત આપ્યો હતો કે તેમને યુપીના ભાવિ મુખ્યમંત્રી તરીકે જોવાય છે. એનો મતલબ પાર્ટી તેમને લોકસભાની સાથે 2022ની ઉત્તરપ્રદેશની વિધાનસભા ચૂંટણીઓનું હોમવર્ક કરવા માટે યુપી સુધી જ સીમિત રાખવા માગે છે. 

આ એક પ્રકારે રાજકારણની વીડિયો ગેમ છે, જેમાં અલગ-અલગ એનિમેશન રાઉન્ડ છે અને છેલ્લા રાઉન્ડની જીત પછી મુખ્યમંત્રીની ખુરશી છે. શું પ્રિયંકા આ રાઉન્ડ પાર કરી શકશે? પ્રિયંકા ગાંધી વાડરાની પાસે બીજો એક વિકલ્પ પણ છે, અને તે વારાણસીમાં નરેન્દ્ર મોદી સામે ચૂંટણી લડવી. તેઓ ભલે જીતી ન શકે પરંતુ મોદીને સ્પર્ધામાં ફસાવી જરૂર શકે છે. આ ટક્કરને રાજકારણની સૌથી મોટી ટક્કર બનાવી પણ શકે છે. રાહુલ ગાંધી એ કરી શક્યા નથી.

અન્ય સમાચારો પણ છે...