મતની રમત / આ છે ગુજરાતની ચૂટણીની ચાણક્યનીતિ

પંચમહાલના ઉમેદવાર સામે મત માટે રૂપિયા વહેંચવાનો આક્ષેપ
પંચમહાલના ઉમેદવાર સામે મત માટે રૂપિયા વહેંચવાનો આક્ષેપ

  • ક્યાંક મત માટે ખેડૂતોને સમજાવટ અને પૈસાની લાલચ તો ક્યાંક ફોન પર ધમકી અને સેલિબ્રિટી પરિવારમાં ફાટફૂટ

Divyabhaskar.com

Apr 15, 2019, 01:13 AM IST

ઈલેક્શન ડેસ્ક: લોકસભા ચૂંટણી માટે મતદાનની તારીખ નજીક આવતી જાય છે એમ ઉમેદવારો ચાણક્યનીતિના ચાર સિદ્ધાંત સામ, દામ,દંડ અને ભેદનો સહારો લઈને વધુને વધુ મત ખેંચવા માટે મરણિયા પ્રયાસો કરી રહ્યા છે. રવિવારે બનેલી આ ચારેય ઘટનાઓ લોકસભાની ચૂંટણીને લઈને રાજ્યના રાજકારણનો ચિતાર આપે છે. એક તરફ ઉત્તર ભારતમાં મત માટે પશુપાલકોને કોંગ્રેસને ટેકો આપવા કહેવાયું છે તો બીજી તરફ પંચમહાલ લોકસભા બેઠકના ઉમેદવાર સામે મતદારોને રોકડ રૂપિયા વહેંચવાનો આક્ષેપ થયો છે. રાજકોટના ઉમેદવાર કુંડારિયાએ ફોન પર ધમકી હોવાની વાતો વહેતી થઈ છે તો જામનગરમાં ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના પરિવારમાં ભાજપ અને કોંગ્રેસ એવા બે ભાગ પડી ગયા છે.

સામ- દૂધસાગર ડેરીના વાઇસ ચેરમેને પશુપાલકોને કહ્યું, કોંગ્રેસને ટેકો આપો: ભાજપ સરકાર ફેડરેશન મારફતે મહેસાણા દૂધસાગર ડેરીને અન્યાય કરી રહ્યાની રાવ સાથે ડેરીના શાસકોએ પશુપાલકોની બેઠકનો દૌર શરૂ કરીને કોગ્રેસને ખુલ્લા સમર્થનનો હુંકાર કરાતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.રવિવારે મહેસાણાના અર્બુદા ભવનમાં ડેરીના વાઇસ ચેરમેન મોઘજીભાઇ ચૌધરીએ કોંગ્રેસને મત આપવા પશુપાલકોને અપીલ કરી હતી.

મોઘજીભાઇ ચૌધરીએ ભાજપના હોદ્દા પરથી રાજીનામુ ધરી દીધું હતું. રવિવારે કોંગ્રેસ આગેવાનો, ડેરીના ચેરમેન આશાબેન ઠાકોરની હાજરીમાં પશુપાલકોની બેઠક યોજાઇ હતી.જેમાં દૂધ ઉત્પાદકોને અન્યાસ સામે જનઆંદોલન ચલાવાશે તેવી પત્રિકાઓ વહેંચાઇ હતી. ડેરીના કુલ 6 લાખ દૂધ ઉત્પાદકના 30 લાખ સભ્યો છે. તેમણે 17મીએ પણ કેન્ડલ માર્ચનું આયોજન કર્યું છે.

દામ- પંચમહાલના ઉમેદવાર સામે મત માટે રૂપિયા વહેંચવાનો આક્ષેપ: પંચમહાલના કોંગ્રેસના ઉમેદવાર વેચાતભાઇ ખાંટનો જાહેર પ્રચાર સભામાં 500ની નોટોનું બંડલ હાથમાં રાખીને ઉભા હોવાનો ફોટો વાયરલ થતાં વિવાદ સર્જાયો છે. ફોટો ક્યારનો છે એ અંગે કોઈ ખુલાસો કરાયો નથી. ચર્ચાઓ મુજબ 9 એપ્રિલના રોજ શહેરાના બોરીયા ગામની ચૂંટણી સભામાં હોવાનું કહેવાઇ રહ્યું છે. ખાંટનો દાવો હતો કે ગામના ઝાંપે તિલક કર્યું હોવાથી હિંદુ રિવાજ પ્રમાણે ફૂલ નહીં તો ફૂલની પાંખડી સ્વરૂપે રૂપિયાનું બંડલ કાઢ્યું હતું.

દંડ- ભાજપ ઉમેદવાર મોહન કુંડારિયાની ધમકી, વોટ નહીં તો મંડળી રદ થશે: રાજકોટ જિલ્લા પંચાયતના કોંગ્રેસ સભ્ય નાનજી ડોડિયાએ શનિવારે રાત્રે મોહન કુંડારિયા સાથે ફોન પર થયેલ વાતચીતની ઓડિયો ક્લીપ જાહેર કરી છે. જેમાં કુંડારીયાએ તેમના ગામમાંથી મત નહિ મળે તો મંડળીમાંથી હટાવી દેવાશેની ધમકી આપી હતી. જેના કારણે ડોડીયા ઉશ્કેરાયા હતા અને ધમકી ન દેવાનું કહેતા ફોન કટ થઇ ગયો હતો.

નાનજી ડોડીયાએ જણાવ્યુ હતુ કે તેઓ કોઠારીયા મંડળીના 30 વર્ષથી પ્રમુખ છે. આ ધમકી મામલે ગ્રામજનો અને સમાજ સાથે ચર્ચા કરીને ધમકી મામલે શું પગલા લેવા તે નક્કી કરશે તેમ જણાવ્યુ હતું. આ ઑડિયો ક્લિપમાં મોહન કુંડારિયા કથિતપણે એવું કહેતા સંભળાય છે કે મંડળીના 70-75 ટકા વોટ ભાજપને નહીં મળે તો મંડળી રદ થઈ જશે. જવાબમાં ડોડિયા ધમકી નહીં આપવા કહે છે.

ભેદ- ક્રિકેટર જાડેજાની પત્ની ભાજપમાં, અને હવે બહેન કોંગ્રેસમાં જોડાઈ: ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના પત્ની ભાજપમાં જોડાયા બાદ તેના મોટા બહેન નયનાબા અને તેમના પિતાએ સોમવારે કોંગ્રેસમાં જોડાવાની જાહેરાત કરી છે. જાડેજા પરિવારમાં અંદરખાને મતભેદો સર્જાયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

નયનાબાએ કહ્યું હતું કે રીવાબાના અને મારા વિચારો અલગ અલગ છે, માટે તેઓ ભાજપમાં જોડાયા છે અને હું તેમજ મારા પિતા અનિરુધ્ધસિંહ સહિત 6 આગેવાનો કોંગ્રેસમાં જોડાયા છીએ અને સોમવારથી જ કોંગ્રેસનો પ્રચાર શરૂ કરી દીધો છે. નયનાબાએ રિવાબા સાથે ખટરાગનો ઈનકાર કર્યો હતો. ભાભીને આશીર્વાદ આપશો? જવાબમાં નયનાબાએ કહ્યં હતું કે નણંદના આશીર્વાદ ભાભીની સાથે જ હોય છે.

X
પંચમહાલના ઉમેદવાર સામે મત માટે રૂપિયા વહેંચવાનો આક્ષેપપંચમહાલના ઉમેદવાર સામે મત માટે રૂપિયા વહેંચવાનો આક્ષેપ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી