સુરેન્દ્રનગરમાં લાલજી મેરે અપક્ષમાંથી ફોર્મ ભરતાં 3 કોળી ઉમેદવારો સામસામે ટકરાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સુરેન્દ્રનગર લોકસભા બેઠકમાં તળપદા કોળી અને ચૂંવાળિયા કોળી બંનેના 5 લાખથી વધુ મતદારો 
  • ત્રિકોણીય જંગઃ સૌથી વધુ સેન્સ મળી હોવા છતાં કોંગ્રેસે ટિકિટ ન ફાળવી અન્યાય કર્યો હોવાનો આક્ષેપ

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર લોકસભા માટે ભાજપ અને કૉંગ્રેસે પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા બાદ કૉંગ્રેસમાં અસંતોષનો ઉકળતો ચરૂ બહાર આવ્યો છે. જેમાં ભાજપ સાથે છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયેલા ધંધુકાના પૂર્વ ધારાસભ્ય લાલજીભાઇ મેરને કોંગ્રેસે ટિકિટ ન આપતા નારાજ લાલજીભાઇએ ઉમેદવારી નોંધાવાના આખરી દિવસે એટલે કે ગુરુવારે અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભરતા જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. સેન્સ પ્રક્રિયાને લઇને કોંગી આગેવાનો પર અને સોમાભાઇ પર તેમણે આક્ષેપો કર્યા હતા.

2019 લોકસભા ચૂંટણીમાં ભાજપે કોળી જ્ઞાતીના જ ડૉ.મહેન્દ્રભાઇને ઉતાર્યા

સુરેન્દ્રનગર લોકસભા સીટ પર કોળી મતદારોનું પ્રભુત્વ રહેલું છે અને તળપદા કોળી અને ચૂંવાળીયા કોળી બંનેના મળી કુલ 5 લાખથી વધુ મતદારો છે એટલે જ વર્ષોથી બંને મુખ્ય પક્ષો દર ચૂંટણીમાં કોળી ઉમેદવારોની પસંદગી કરે છે. ત્યારે 2019 ની લોકસભા ચૂંટણીમાં ભાજપે કોળી જ્ઞાતીના જ ડૉ.મહેન્દ્રભાઇ મુંજપરાને અને કોંગ્રેસે સોમાભાઇ પટેલને પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. વર્ષ 2012થી 2017 માં ધંધુકા વિધાનસભાના ભાજપના ધારાસભ્ય રહી ચૂકેલા લાલજીભાઇ મેરે લોકસભા ચૂંટણી લડવા માટે ભાજપ સાથે છેડો ફાડી કોંગ્રેસનો પંજો પકડ્યો હતો.

કોંગ્રેસમાં લોકસભા ટિકિટ મેળવવાના 3 પ્રબળ દાવેદારોમાં તેમનું નામ પણ આગળ હતું પરંતુ કોંગી મોવડી મંડળે આખરે સોમાભાઇને ટિકિટ ફાળવતા લાલજીભાઇ મેરનો અસંતોષ બહાર આવ્યો હતો. અને ઉમેદવારી નોંધાવાના આખરી દિવસે પોતાના ટેકેદારો સાથે તેમણે અપક્ષ દાવેદારી નોંધાવી હતી. ભાજપ અને કોંગ્રેસે કોળી ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા બાદ કોળી જ્ઞાતીના જ નેતા એવા લાલજીભાઇ મેરે અપક્ષ ઉમેદાવર તરીકે લોકસભા ચૂંટણી જંગમાં ઝંપલાવતા 3 કોળી ઉમેદવારો વચ્ચે સીધો ત્રિપાંખીયો જંગ સર્જાય તેવી શક્યતા છે.

કારણ કે જિલ્લામાં તળપદા કોળી જ્ઞાતીના 2,82,560 મતદારો છે અને સોમાભાઇ અને લાલજીભાઇ બંને તળપદા કોળી જ્ઞાતીમાંથી આવે છે અને બંને નેતાઓ સમાજ પર પ્રભુત્વ ધરાવે છે જ્યારે ચૂંવાળીયા કોળીના 2,50,700 મતદારો જિલ્લામાં નોંધાયેલા છે અને ભાજપના ઉમેદવાર મહેન્દ્રભાઇ મુંજપરા ચૂંવાળીયા કોળી જ્ઞાતીમાંથી આવે છે ત્યારે કોળી જ્ઞાતિના જ મતોનું આ ત્રણેય ઉમેદવારો વચ્ચે વિભાજન થાય તેની ચૂંટણીના પરીણામ પર મોટી અસર થવાની શક્યતા રહે તેવું દેખાઇ રહ્યું છે.

સોમાભાઇના નામનો ગામમાં 1 બાકડો પણ હશે તો જાહેર જીવન છોડી દઇશ

વારંવાર પક્ષ બદલી લોકસભા અને વિધાનસભા લડી ચૂકેલા સોમાભાઇ સાંસદ તરીકે નિષ્ફળ ગયા હોવાનો લાલજીભાઇએ આક્ષેપ કર્યો હતો. અને સુરેન્દ્રનગર લોકસભા સીટના એક પણ ગામમાં કે એક પણ બસ સ્ટેશનમાં તેમના નામનો એક બાકડો પણ હોય તો જાહેર જીવન છોડી દેવાનો દાવો કર્યો હતો. અને સોમાભાઇએ પુરતી ગ્રાન્ટ ન વાપરી હોવાનો તેમજ જે ગ્રાન્ટ વાપરી તે પણ કેવી રીતે વાપરી છે તે બધા જાણતા હોવાનું જણાવ્યું હતું. તેમજ કોંગ્રેસ દ્વારા ચૂંટણી અગાઉ લેવામાં આવેલી સેન્સ પ્રક્રિયામાં પણ તેમના તરફી 72 ટકાથી વધુ સેન્સ મળી હોવા છતાં પક્ષે ટિકિટ ન આપી અન્યાય કર્યો હોવાનું જણાવ્યું હતું.   લાલજીભાઇ મેર, પૂર્વ ધારાસભ્ય ધંધુકા

લાલજીભાઇ મેર 4 વાર વિધાનસભા, 1 વાર લોકસભા ચૂંટણી લડી ચૂક્યા છે

લાલજીભાઇ મેર 1995માં લીંબડી વિધાનસભામાંથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી 7394 મતોથી ભાજપના કિરીટસિંહ રાણા સામે હાર્યા હતા. 1998માં લીંબડી બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે લડ્યા પરંતુ તેમાં પણ ભાજપના કિરીટસિંહ રાણા સામે 7283 મતોથી હારી ગયા હતા. જ્યારે 2002ની વિધાનસભામાં કોંગ્રેસમાંથી ચોટીલા વિધાનસભાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર પોપટભાઇ ઝીંઝરીયા સામે 8418 મતોથી માત મેળવી હતી. 2009ની સુરેન્દ્રનગર લોકસભામાં ભાજપમાંથી ઉમેદવારી કરી કોંગ્રેસના સોમાભાઇ પટેલ સામે 4500થી વધુ મતોથી હાર્યા હતા. ભાજપે 2012માં ધંધુકા વિધાનસભા માટે ટિકિટ આપી હતી જેમાં તેમનો વિજય થતા ધારાસભ્ય બન્યા હતા.

કોળી મતદારોનું વિભાજન ભાજપને ફાયદો અને કોંગ્રેસને નુકશાન કરે તેવી શક્યતા

લાલજીભાઇ મેરે અપક્ષ દાવેદારી કરતા જિલ્લાના કોળી સમાજના મતોનું વિભાજન થાય તેવી પ્રબળ શક્યતા છે. ત્યારે આ વિભાજનમાં લાલજીભાઇને ધંધુકા અને લીંબડી પંથકમાંથી કોળી સમાજના મતો મળે તેવી શક્યતા છે ત્યારે આ બંને વિધાનસભાની સીટ હાલ કોંગ્રેસ પાસે છે અને આ બંને સીટના કોળી જ્ઞાતીના મતો લાલજીભાઇ ખેંચી જાય તો તેનું નુકસાન કોંગ્રેસને આવે અને તેનો સીધો ફાયદો ભાજપને થાય તેવા સમીકરણો હાલ દેખાઇ રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...