તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

2014માં વડોદરા બેઠક પર 50 લાખ ખર્ચનાર મોદીને 1 મત રૂ. 5.91માં પડ્યો હતો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • ભરૂચના ઉમેદવારોએ સૌથી વધુ રૂા.1.51 કરોડનો ખર્ચ કર્યો હતો 
  • એક મતનો સૌથી ઓછો રૂા.3.53 પૈસા ખર્ચ સુરતના દર્શના જરદોશને થયો હતો

વડોદરા: લોકસભાની વર્ષ-2014 ની ચૂંટણી ગુજરાતમાં ઉમેદવારોએ કરેલા ખર્ચની દ્રષ્ટિએ મતદારોને હંમેશા યાદ રહેશે. 2014 ની ચૂંટણીમાં રાજ્યની 26 બેઠકો પૈકી ભરૂચ બેઠક પર 14 ઉમેદવારોએ સૌથી વધુ રૂા.1.51 કરોડનો ખર્ચ કર્યો હતો. જ્યારે રાજ્યમાં સૌથી વધુ રૂા.67.31 લાખનો ખર્ચ પણ ભરૂચ બેઠકના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ કર્યો હતો. પરંતુ પોરબંદર બેઠક પર રૂા.24.50 નો સૌથી મોંઘો એક મત એન.સી.પી.ના ઉમેદવાર કાંધલ જાડેજાને પડ્યો હતો. જ્યારે એક મત મેળવવામાં સૌથી ઓછો રૂા.3.53 નો ખર્ચ સુરતના ભાજપના ઉમેદવાર દર્શના જરદોશને થયો હતો. 

9 બેઠક પર રૂા.1 કરોડથી વધુ ખર્ચ થયો હતો
ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો પર 2014 ની ચૂંટણીમાં ઉમેદવારોએ કરેલા ખર્ચની વિગતો જોતાં 9 બેઠક પર રૂા.1 કરોડથી વધુ ખર્ચ થયો હતો. જેમાં સૌથી વધુ રૂા.1,51,64,212 નો ખર્ચ ભરૂચ બેઠકના 14 ઉમેદવારોએ કર્યો હતો. જ્યારે સૌથી ઓછો રૂા.59,51,276 નો ખર્ચ અમદાવાદ-પશ્ચિમ બેઠક પર 11 ઉમેદવારોએ કર્યો હતો. ઉમેદવારોએ કરેલા ખર્ચને તેમને મળેલા કુલ મતો મુજબ વિશ્લેષણ કરતાં એક મત મેળવવા થયેલા વ્યક્તિગત ખર્ચનો હિસાબ મળ્યો છે. જે મુજબ એક મતની સૌથી ઊંચી રૂા.24.50 પૈસાની કિંમત પોરબંદર બેઠકના એન.સી.પી.ના ઉમેદવાર કાંધલ જાડેજાએ ચૂકવી હતી. જ્યારે રાજ્યમાં સૌથી વધુ રૂા.67,31,280 નો ખર્ચ કરનાર ભરૂચ બેઠકના ભાજપના મનસુખ વસાવાને એક મત રૂા.12.26 પૈસામાં પડ્યો હતો. 

અડવાણીએ ગાંધીનગર બેઠક પર રૂા.34.13 લાખનો ખર્ચ કર્યો હતો
બીજી તરફ વડોદરા બેઠક પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રૂા.50,03,598 ખર્ચ થયો હતો. જેની સામે મોદીને 8,45,464 મત મળતાં એક મત મેળવવા તેમણે રૂા.5.91 ખર્ચવા પડ્યા હતા. જ્યારે નરેન્દ્ર મોદીના રાજકીય ગુરુ એલ.કે.અડવાણીએ ગાંધીનગર બેઠક પર રૂા.34.13 લાખનો ખર્ચ કર્યો હતો. અડવાણીને એક મત રૂા.4.41 માં પડ્યો હતો. જે મોદી કરતાં સસ્તો હતો. આ ઉપરાંત સાબરકાંઠા, ગાંધીનગર, આણંદ, પોરબંદર,મહેસાણા અને વલસાડ બેઠકના પરાજિત કોંગ્રેસી ઉમેદવારોએ તેમની બેઠક પરના વિજેતા થયેલા ભાજપના ઉમેદવારોની સરખામણીમાં વધારે ખર્ચ કર્યો હોવાનું પણ જોવા મળ્યું છે. તેમ છતાં આ બેઠકના કોંગી ઉમેદવારો જીતી શક્યા નહોતા. 

મોદી કરતાં વધારે ખર્ચ શંકરસિંહ વાઘેલાને થયો છતાં હારી ગયા હતા 
ભાજપમાં એક વખતના સમોવડિયા ગણાતા નરેન્દ્ર મોદી અને શંકરસિંહ વાઘેલા બંને 2014 ની લોકસભાની ચૂંટણીના ઉમેદવાર હતા. પરંતુ બંનેએ અલગ પક્ષમાંથી ચૂંટણીમાં જંપલાવ્યું હતું. સાબરકાંઠા બેઠક પરથી શંકરસિંહ વાઘેલાએ કુલ રૂા.65,59,843 ખર્ચ કર્યો હતો અને તેમણે એક મત રૂા.14.62 માં પડ્યો હતો. જ્યારે નરેન્દ્ર મોદીએ વડોદરા બેઠક પરથી કુલ રૂા.50,03,598 નો ખર્ચ કર્યો હતો. મોદીને એક મત રૂા.5.91 માં પડ્યો હતો. 

1 કરોડથી વધુ ખર્ચ કઇ બેઠક પર થયો 

બેઠક-  ઉમેદવાર-  કુલ ખર્ચ 
ભરૂચ  14       1,51,64,212 
સાબરકાંઠા 10    1,36,05,414 
અમરેલી 14      1,17,41,715 
પોરબંદર 14     1,15,96,258 
ગાંધીનગર 18   1,14,77,826 
આણંદ 11        1,11,49,224 
પાટણ 14        1,08,12,376 
ખેડા 15          1,01,37,103 
વડોદરા 8       1,00,17,205 
 

અન્ય સમાચારો પણ છે...