તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાજપને 6 બેઠક પર કપરાં ચઢાણ, 4 પર સ્થિતિ સુધરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 10 નબળી બેઠક પર ભાજપના આંતરિક સરવેનું તારણ

મૌલિક મહેતા,ગાંધીનગર: લોકસભામાં ઉમેદવારી નોંધાવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ભાજપ અને સરકારે કરાવેલા આંતરિક સર્વેમાં ભાજપ માટે 6 બેઠકો નબળી હોવાનું જણાતા એ બેઠકો પર હવે સ્થિતિ બદલવા પ્રદેશ નેતાઓઓ કમર કસી છે. સૌરાષ્ટ્રની બે, ઉત્તર ગુજરાતની બે અને મધ્ય ગુજરાતની બે બેઠકોમાં ભાજપને વિશેષ પડકાર છે. કુલ 10 જેટલી નબળી બેઠકો પૈકી 4 બેઠકોમાં હવે સ્થિતિ ભાજપની તરફેણમાં આવતી હોવાનું પણ સર્વેમાં જણાયું છે.

સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે દરેક ચૂંટણી વખતે બેઠકોની સ્થિતિ જાણવા ભાજપ અને સરકારે ગોઠવેલા મિકેનીઝમ પ્રમાણે લોકસભા ચૂંટણી માટે પણ કરાયેલા આંતરિક સર્વેમાં ભાજપને હજુ 6 બેઠકો પર ભારે પડકાર હોવાનું બહાર આવ્યું છે. આ રીપોર્ટના આધારે હવે ભાજપ નબળી બેઠકો જીતવાની રણનીતિ ઘડી રહી છે. રીપોર્ટ મુજબ અમરેલી, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, પાટણ, આણંદ અને છોટાઉદેપુર બેઠકો ભાજપના હાથમાંથી સરી શકે છે.

આ તમામ બેઠકો પર જ્ઞાતિ સમીકરણોના આધારે ચૂંટણી લડાઇ રહી છે તેમજ ગ્રામ્ય વિસ્તારો હોવાથી હાલની સ્થિતિએ કોંગ્રેસ મજબૂત છે. બીજી તરફ ભાજપ માટે કુલ 10 જેટલી બેઠકો નબળી હતી પરંતુ તે પૈકી જૂનાગઢ, મહેસાણા, પોરબંદર અને પંચમહાલમાં ભાજપે સ્થિતિ કંટ્રોલ કરી લીધી છે જેના કારણે પાર્ટીને વાંધો જણાતો નથી. બાકી રહેલી 6 બેઠક માટે વ્યૂહરચના ઘડાશે.

કઇ બેઠકમાં કેવો પડકાર
1. અમરેલી: વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં કોંગ્રેસને જનતાનું સમર્થન મળ્યું હતું. કોંગ્રેસને આ વિસ્તારની મહત્તમ બેઠકો અપાવવા બદલ પરેશ ધાનાણીને વિપક્ષના નેતાનું પદ અપાયું હતું, હવે ધાનાણી અહીંથી ચૂંટણી લડી રહ્યા છે. બીજીતરફ ભાજપમાં આંતરિક જૂથબંધી નડી રહી છે.

2. સુરેન્દ્રનગર: કોંગ્રેસના સિનિયર કોળી નેતા સોમા પટેલ સામે ભાજપે નવા ચહેરા તરીકે મહેન્દ્ર મુંજપરાને ટિકીટ આપી છે તેઓ પણ કોળી છે પરંતુ સોમા પટેલનું આ વિસ્તાર ઉપર પ્રભૂત્વ છે. અપક્ષ તરીકે કોંગ્રેસના લાલજી મેરે ફોર્મ ભર્યું છે છતાં ભાજપની સ્થિતિ હજુ મજબૂત કહી શકાય તેવી નથી.

3. બનાસકાંઠા: ભાજપમાં આંતરિક જૂથબંધીએ બેઠકની સ્થિતિ બગાડી નાંખી છે, પરબત પટેલને જીતાડવા નેતાઓ એક થયા છે પરંતુ તેની પાછળનું કારણ ખાલી પડનારી થરાદ બેઠક છે. કોંગ્રેસે સહકારી આગેવાન પરથી ભટોળને ટિકીટ આપી છે.

4. પાટણ: ઉમેદવારની પસંદગી વખતથી જ બેઠક નબળી કેટેગરીમાં હતી, કોંગ્રેસના જગદિશ ઠાકોરના આ વિસ્તાર અને ઠાકોર સમાજ પર પકડ છે સામે ભાજપના ભરતસિંહ ડાભી મહેસાણા વિસ્તારના છે. કોંગ્રેસને ઠાકોર સેનાનું પણ સમર્થન છે.

5. આણંદ: ભરતસિંહ સોલંકીના પરિવારની પરંપરાગત બેઠક પર ભાજપમાં ઉમેદવાર પસંદગી બાદ અસંતોષ વધ્યો છે. આ બેઠક ઉપર માત્ર પાટીદાર વોટથી જીતી શકાય તેમ નથી. ક્ષત્રિય અને ઠાકોર સમાજ પર સોલંકી- ચાવડા પરિવારનું પ્રભૂત્વ છે.

6. છોટાઉદેપુરઃ કોંગ્રેસના સિનિયર ધારાસભ્ય મોહનસિંહ રાઠવાના પુત્ર રણજિતસિંહ રાઠવાને ચૂંટણીની જાહેરાત અગાઉથી જ ઉમેદવાર જાહેર કર્યા હતા. મોહનસિંહનો અહીં પ્રભાવ છે. ભાજપમાં રામસિંહ રાઠવા સામે સંગઠનમાં અસંતોષ હોવાથી ભાજપે પંચાયત કક્ષાના મહિલા કાર્યકરને ટિકીટ આપી છે.