તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુરેન્દ્રનગર : ભાજપના નવોદિત સામે કોંગ્રેસના જૂના જોગીનો જંગ તીવ્ર બનશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઈલેક્શન ડેસ્કઃ સૌરાષ્ટ્રનું પ્રવેશદ્વાર ગણાતો સુરેન્દ્રનગર જિલ્લો ભૌગોલિક સ્થાનની માફક મિજાજ પણ સૌરાષ્ટ્ર અને ગુજરાતની વચ્ચેનો રાખે છે. રોજગારીની સમસ્યા, ઊંડા ઉતરી ગયેલા ભૂગર્ભજળને લીધે વરસાદ આધારિત ખેતી ધરાવતા આ વિસ્તારમાં પાણીની સમસ્યા વિકરાળ છે. સ્થાનિક સ્તરે રોજગારીનો પ્રશ્ન પણ કદી ઉકેલાયો નથી. મોટા ઉદ્યોગો નથી. જાહેર આરોગ્ય સેવાઓ પણ સક્ષમ નથી. તરણેતરની ભાતીગળ સંસ્કૃતિ ધરાવતા સુરેન્દ્રનગર જિલ્લામાં પક્ષ કરતાં ય ઉમેદવારનું મહત્વ સવિશેષ રહ્યું છે. એક સમયે રાજવી પરિવારનો દબદબો ધરાવતી આ બેઠક પર હવે મુખ્યત્વે કોળી સમાજનું પ્રભુત્વ સર્વસ્વીકૃત બની ચૂક્યું છે. અહીં ધ્રાંગધ્રા-હળવદ વિધાનસભા બેઠકના ધારાસભ્ય પરસોતમ સાબરિયાએ પક્ષપલટો કરવાથી પેટાચૂંટણી યોજાઈ રહી છે. આ જંગ પણ રસપ્રદ બનવાનો છે. 
2014:
ભાજપના દેવજી ફતેપરા 2,02,907 મતોથી વિજયી બન્યા હતા.
2017:
વિધાનસભાની ચૂંટણીમાં જિલ્લાની વઢવાણ બેઠક બાદ કરતાં તમામ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારો વિજયી બન્યા હતા.
મુખ્ય મુદ્દાઓઃ
  • રોડ રસ્તા અને પાણી સુરેન્દ્રનગર કાયમી સમસ્યા છે. પીવાલાયક અને ખેતી પાણીની સમસ્યા, ઉપરાંત જિલ્લામાં વિકાસ ન થવાને લીધે આ વિસ્તારમાં ઠેરઠેર વિરોધ થયો છે.
  • રોજગારીની સમસ્યા પણ અહીં પ્રાણપ્રશ્ન ગણાય છે. સુરેન્દ્રનગર જિલ્લામાં વિકાસના કોઈ જ કાર્યો સમય પર નથી થયા જેથી લોકોમાં ઘણો રોષ છે.
કાસ્ટ ફેક્ટરઃ
ચોટીલા, દસાડા, ધંધુકા વિસ્તારમાં કોળી સમાજનું પ્રભુત્વ છે. વિરમગામમાં ઠાકોર અને પાટીદારના મતો વધુ છે.જોકે લોકસભામાં મોટાભાગે કોળી ઉમેદવાર જ અહીંથી જીતતા રહ્યા છે.
વર્તમાન સાંસદનું રેટકાર્ડઃ 
દેવજી ફતેપરાની સામે થયેલા કેસોના કારણે ભાજપની છબી ખરડાઈ છે. વિધાનસભાની ચૂંટણીમાં પણ પ્રચાર અભિયાનમાં પણ તેમની ગેરહાજરી વર્તાતી હતી. જોકે ફતેપરાનો લોકસંપર્ક જીવંત છે, પરંતુ ભાજપના સંગઠન સાથે પણ તેમણે ખાસ તાલમેલ જાળવ્યો ન હતો. 
ઉમેદવારઃ 
અપેક્ષા મુજબ ભાજપે અહીં દેવજી ફતેપરાનું પત્તું કાપીને નવોદિત ડો. મહેન્દ્ર મુંજપરાને મેદાનમાં ઉતાર્યા છે. રા.સ્વ.સંઘ સાથે સંકળાયેલા ડો. મુંજપરા તબીબ તરીકે આ વિસ્તારમાં ખાસ્સા લોકપ્રિય છે. કોંગ્રેસના નારાજ નેતા લાલજી મેરે આ બેઠક પરથી અપક્ષ ઉમેદવારી કરી છે. જો કોંગ્રેસ નેતૃત્વ તેમને મનાવવામાં સફળ ન થાય તો તેઓ કોંગ્રેસના મત તોડી શકે છે. 
તારણઃ 
એકંદરે આ બેઠક માટે કોંગ્રેસ આશાવાદી રહી શકે તેવા તમામ સંજોગો ઉજળા છે. 
અન્ય સમાચારો પણ છે...