તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સત્તાની સાડાબારી ન રાખતું ખેડા ઉમેદવારની યોગ્યતાને જ પોંખે છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અનિરુદ્ધસિંહ મકવાણા, અમદાવાદઃ સરદાર પટેલની જન્મભૂમિ અને તમાકુની ખેતી માટે દેશભરમાં મોખરાનું સ્થાન ધરાવતા ખેડા જિલ્લો ચરોતરનું પ્રવેશદ્વાર છે. ક્ષત્રિય, પાટીદાર અને ઓબીસી સમાજની મોટી સંખ્યા ધરાવતા આ મતવિસ્તારમાં એક તબક્કે કોંગ્રેસનો દબદબો હતો, પરંતુ બે દાયકાથી ભાજપે તેમાં સફળતાપૂર્વક ફાચર મારી દીધી છે. જોકે કોઈ એક પક્ષની તરફેણમાં રહેવા માટે આ વિસ્તાર ખાસ જાણીતો નથી. અહીં દરેક પક્ષના ઉમેદવારને લાયકાતના ધોરણે તક મળતી રહી છે. 1957માં કોંગ્રેસનો સુરજ મધ્યાહ્ને તપતો હોવા છતાં અહીં અપક્ષ ઉમેદવાર પણ જીત્યા હતા અને 1971માં ઈન્દિરા કોંગ્રેસનું વ્યાપક પ્રદર્શન છતાં અહીં સંસ્થા કોંગ્રેસને વિજય મળ્યો હતો. આમ, આ મતવિસ્તાર પક્ષને કે સત્તાધારીને જ પસંદ કરે એવું નિશ્ચિત ગણિત કદી રહ્યું નથી. એ જ ચરોતરના મિજાજની વિશેષતા છે. 

2014:
ભાજપના દેવુસિંહ ચૌહાણનો 2,32,901 મતોની લીડથી વિજય થયો હતો. ગત પાંચ ટર્મથી સીટ પર સતત જીતતા આવતા કોંગ્રેસના દિનશા પટેલને 3,35,334 મત મળ્યા હતા. જયારે ભાજપના દેવુસિંહ ચૌહાણને 5,68,235 મતમળ્યા હતા.

2017:
ખેડા લોકસભા વિસ્તારમાં પાંચ વિધાનસભા મત વિસ્તાર આવે છે જેમાં માતર, નડિયાદ, મહેમદાવાદ વિધાનસભા બેઠક પર ભાજપનો વિજય થયો હતો. જ્યારે મહુધા અને કપડવંજ બેઠક પર કોંગ્રેસનો વિજય થયો હતો.

મુખ્ય મુદ્દાઓઃ
* ખેડામાં જિલ્લામાં બેકારીનો પ્રશ્ન વધારે છે. સાબરમતીમાં ઠલવાતા ઝેરી પાણીથી ખેતી બગડી જાય છે. શિક્ષણ, વધારે પડતું ખાનગીકારણ થવાના લીધે સમાજનું વિભાજન થયું છે. જીઆઈડીસી નથી મોટા ઉદ્યોગ ન હોવાના લીધે રોજગારીનો મોટો સ્ત્રોત ન હોવાથી ગામડાંઓ ભાંગતાં જાય છે. 

કાસ્ટ ફેક્ટરઃ
ખેડા લોકસભા બેઠક પર 3.25 લાખ જેટલાં ક્ષત્રિય મતદારો નિર્ણાયક પરિબળ છે. પછીના ક્રમે અઢી લાખ પાટીદારો બીજું નિર્ણાયક પરિબળ છે. ગત ટર્મમાં દેવુસિંહ ચૌહાણને ભાજપે ઉતારતા તેમણે પાંચ ટર્મથી જીતતા કોંગ્રેસના દિગ્ગજ નેતા દિનશા પટેલને હરાવ્યા હતા. મુસ્લિમ અને દલિતના મતો પણ નોંધપાત્ર છે. 

વર્તમાન સાંસદનું રેટિંગઃ  
દેવુસિંહ ચૌહાણનું તેમના મત વિસ્તારમાં કામ મોટાભાગે સારું ગણાય છે. વિકાસકાર્યોમાં ગ્રાન્ટનો વપરાશ હોય કે જનસંપર્ક હોય, દેવુસિંહ સામે ફરિયાદના સૂર ભાગ્યે જ સંભળાય છે. મિતભાષી અને મૃદુભાષી દેવુસિંહ ભાજપના પ્રદેશ નેતૃત્વમાં પણ નોંધપાત્ર ગણાઈ રહ્યા છે. 

ઉમેદવારઃ 
દેવુસિંહને પુનઃ તક આપીને ભાજપે ફરી એકવાર આ બેઠક જાળવી રાખવાનો મનસૂબો વ્યક્ત કરી દીધો છે. 
કોંગ્રેસે ધારાસભ્ય કાળુસિંહ ડાભીને બદલે ભાજપમાંથી પક્ષપલટો કરીને આવેલા બિમલ શાહને મેદાનમાં ઉતાર્યા છે. કાસ્ટ ફેક્ટર અનુકૂળ ન હોવા છતાં બિમલ શાહ આ વિસ્તારમાં સારો એવો પ્રભાવ ધરાવે છે. કોંગ્રેસ જો મુસ્લિમ-દલિત વોટબેન્ક અંકે કરી શકે તો સ્થિતિ ઉજળી બને એવું કાગળ પર ચોક્કસ જણાય છે. પરંતુ વાસ્તવિક ચિત્રમાં એવું જોવા મળતું નથી. 

તારણઃ 
દેવુસિંહની અંગત લોકપ્રિયતા અને મોદીમેજિક જોતાં આ બેઠક પર કોંગ્રેસને ખાસ આશા રાખવા જેવું નથી. કાળુસિંહ ડાભીએ રાજીનામું આપ્યા પછી ક્ષત્રિય મતોમાં ફાચર પડે એવી શક્યતા પણ નકારી શકાય નહિ.