તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગાંધીનગરઃ 'PM ઈન વેઈટિંગ'ની બેઠક પર ઉમેદવારી કરીને અમિતભાઈ પણ 'PM ઈન વેઈટિંગ' બનશે?

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઈલેક્શન ડેસ્કઃ રાજ્યનું પાટનગર હોવાના નાતે રાજકીય ગતિવિધિઓના કેન્દ્ર ગણાતું ગાંધીનગર ભાજપના રાષ્ટ્રીય નેતાઓની બેઠક તરીકેની પ્રતિષ્ઠા પણ ધરાવે છે. 1989માં શંકરસિંહ વાઘેલા અહીંથી જીત્યા એ પછી કોંગ્રેસનો અહીં ગજ વાગ્યો નથી. મુખ્યત્વે સરકારી કર્મચારીઓ અને આસપાસના વિસ્તારમાં ઠાકોર, પાટીદાર અને દલિત સમાજનું પ્રભુત્વ ધરાવતો વિસ્તાર ભાજપનો ગઢ ગણાય છે. ભાજપના ભીષ્મ પિતામહ ગણાતાં એલ.કે.અડવાણી અહીંથી છ વખત ચૂંટાયા છે. જોકે આ વખતે ભાજપે ભીષ્મ પિતામહને બાણશૈય્યા પર સૂવડાવીને પણ રાષ્ટ્રીય નેતાઓની બેઠક તરીકેને ગાંધીનગરનો દરજ્જો જાળવ્યો છે. હવે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અહીંથી મેદાનમાં ઉતર્યા છે. સામા પક્ષે કોંગ્રેસે ભાજપના ગઢના કાંગરા ખેરવવા રણનીતિ સુદ્ધાં ઘડી ન હોય એવું ચિત્ર ઉપસે છે. 

2014: 
મોદીમેજિક હેઠળ યોજાયેલી ચૂંટણીમાં મોદીને વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે નાપસંદ કરનાર અડવાણી અહીંથી 4,83,121 મતની જંગી બહુમતિથી જીત્યા હતા. 

2017: 
વિધાનસભાની ચૂંટણીમાં ગાંધીનગરની બેઠક પર કોંગ્રેસનો વિજય થયો હતો. 

મુખ્ય મુદ્દાઓઃ 
રાષ્ટ્રીય નેતાની બેઠક હોવાને લીધે સાંસદ પોતે અહીં ભાગ્યે જ સીધા જનસંપર્કમાં રહે છે. રાજ્યનું પાટનગર હોવાથી પ્રાથમિક સુવિધાઓનો મુદ્દો અહીં ઉપસ્થિત થતો નથી. પરંતુ આસપાસના વિસ્તારોમાં સિંચાઈ, પીવાલાયક પાણીના પ્રશ્નો છે. જીએસટીના મુદ્દે પણ નારાજગી જોવા મળે છે. 

સાંસદનું રેટિંગઃ 
લાલકૃષ્ણ અડવાણી વતી ભાજપનું સંગઠન આ વિસ્તારની સમસ્યાઓથી વાકેફ રહે છે. પોતાની ગ્રાન્ટ નિયમિત રીતે વાપરતાં રહેલાં અડવાણીએ છેલ્લી ટર્મમાં ગ્રાન્ટનો ઉપયોગ કરવામાં કે સંસદમાં હાજરી આપવામાં ભારે ઉદાસિનતા દાખવી હતી. 

ઉમેદવારોઃ 
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ચૂંટણી ચાણક્ય અમિત શાહ ઉમેદવારી કરી રહ્યા છે. કોંગ્રેસે અમિત શાહને ટક્કર આપવા સ્થાનિક ધારાસભ્ય ડો. સી.જે.ચાવડાને ઉતાર્યા છે. 

તારણઃ 
કોંગ્રેસ અમિત શાહની લીડ પર કેટલો કાપ મૂકી શકે છે એ જ જોવાનું રહ્યું.