તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેડૂતોનો ગુસ્સો ભાજપને 2014નું પુનરાવર્તન નહીં કરવા દે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરી સામે કોંગ્રેસના ઉમેદવાર નાના પટોલે છે
  • ભંડારા-ગોંદિયા બેઠક પર 2014માં ભાજપના નાના પટોલેએ એનસીપી નેતા પ્રફૂલ્લ પટેલને હરાવ્યા હતા

સંજય આવટે, મહારાષ્ટ્ર: નાગપુરમાં સૂરજ આગ વરસાવી રહ્યો છે. રાજકારણ પણ ગરમ છે. ચૂંટણીના અખાડમાં નાગપુર હંમેશા મહત્ત્વનું રહ્યું છે. અટકળો છે કે, જો ભાજપને સ્પષ્ટ બહુમતી નહીં મળે તો મોદીની જગ્યાએ ગડકરીનું નામ આગળ આવી શકે છે. કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરી સામે કોંગ્રેસના ઉમેદવાર નાના પટોલે છે. દીક્ષાભૂમિ પાસે જ લીંબુ-શરબત પી રહેલા મનોજ રાઠોડ 60નો આંકડો પાર કરી ચૂક્યા છે. તેઓ મૂળ યવતમાલના છે અને રિક્ષા ચલાવે છે.

ખેતીમાંથી કમાણી થતી નહોતી એટલે 40 વર્ષથી નાગપુરમાં રહે છે. તેમણે કહ્યું કે, પટોલેને ઓછા ના આંકતા. તેઓ ગડકરીને પરસેવો પડાવી શકે છે. મનોજ રાઠોડના દાવાનો આધાર કુણબી અને મુસ્લિમ મતો છે. નાગપુર બેઠક કોંગ્રેસનો ગઢ રહી છે. છેલ્લી ચૂંટણીઓમાં નીતિન ગડકરીએ જીત હાંસલ કરી હતી. 2009માં આ બેઠક કોંગ્રેસ પાસે હતી.

આ વખતે કોંગ્રેસે ભાજપમાંથી આવેલા નાના પટોલેને મેદાનમાં  ઉતારીને કુણબી મત બેંક પર દાવ ખેલ્યો છે. અહીં મુસ્લિમ, દલિત, કુણબી અને હલબા સમાજમાં ભાજપ વિરુદ્ધ આક્રોશ શાંત કરવો એ જ ગડકરીની અસલી જીત છે. વર્ધામાં 2014માં ભાજપના રામદાસ તડસે કોંગ્રેસના સાગર મેઘેને બે લાખથી વધુ મતથી હરાવ્યા હતા. આ બેઠક કોંગ્રેસનો ગઢ હતી. આ વખતે રામદાસ તડસ અને કોંગ્રેસના મહિલા પ્રદેશાધ્યક્ષ પ્રભાવ રાવના પુત્રીચારુલતા ટોક્સ વચ્ચે મુકાબલો છે.

તેલી અને કુણબી જાતિના સમીકરણો મહત્ત્વના છે. વર્ધઆમાં કુણબી મત ચારુલતા ટોક્સ પાછળ છે. રામટેક અનામત બેઠક છે. 2014માં શિવસેનાના કૃપાલ તુમાનેએ કોંગ્રેસના મુકુલ વાસનિકને હરાવ્યા હતા. આ વખતે મુકાબલોત તુમાને અને કોંગ્રેસના કિશોર ગજભિયે વચ્ચે છે. સંસદીય ક્ષેત્રમાં હિંદુ અને દલિત-બૌદ્ધ સંઘર્ષ અસરકારક મુદ્દો હોય છે. કોંગ્રેસ માટે જીત અશક્ય નથી, પરંતુ ગઠબંધનો ચરમસીમાએ છે. ગજભિયે પક્ષમાં નવા છે. તુમાનેની સ્થિતિ મજબૂત નજર પડી રહી છે.

ભંડારા-ગોંદિયા બેઠક પર 2014માં ભાજપના નાના પટોલેએ એનસીપી નેતા પ્રફૂલ્લ પટેલને હરાવ્યા હતા. પટોલેએ ભાજપ છોડ્યો તો 2018માં પેટા ચૂંટણી થઈ. ત્યારે પેટા ચૂંટણીમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસના મધુકર કુકડેએ ભાજપના હેમંત પટલેને 48 હજાર મતથી હરાવ્યા હતા. આ ‌વખતે રાષ્ટ્રવાદી કોંગ્રેસે પૂર્વ ધારાસભ્ય નાના પંચબુદ્ધેને મેદાનમાં ઉતાર્યા છે, જેમનો મુકાબલો ભાજપના સુનીલ મેંઢે સાથે છે.

ચંદ્રપુર બેઠક 2014માં ભાજપના કેન્દ્રિય ગૃહ રાજ્યમંત્રી હંસરાજ આહિરે કોંગ્રેસના સંજય દેવતલેને બે લાખ, 36 હજાર મતથી હરાવીને જીતી હતી. ત્રિકોણીય મુકાબલામાં આમ આદમી પાર્ટીના પૂર્વ ધારાસભ્ય વામનરાવ ચટપે બે લાખથી વધુ મત હાંસલ કર્યા હતા. હવે મુખ્ય મુકાબલો ભાજપના હંસરાજ આહિર અને શિવસેનામાંથી કોંગ્રેસમાં આવેલા પૂર્વ ધારાસભ્ય બાલુ ધાનોરકર વચ્ચે છે. વંચિત બહુજન આઘાડીના રાજેન્દ્ર મહાડોલે કોના મત કાપશે, તેના પર આ હાર-જીત નિર્ભર રહેશે. 

નક્સલવાદથી પ્રભાવિત આદિવાસી બહુમતી ગઢચિરોલી બેઠક પર ગઈ ચૂંટણીમાં ભાજપના અશોક નેતેએ કોંગ્રેસના ડૉ. નામદેવ ઉસેંડીને બે લાખ, 44 હજાર મતથી હરાવ્યા હતા. ભાજપના હાલના સાંસદ અશોક નેતે અને કોંગ્રેસના ડૉ. નામદેવ ઉસેંડી વચ્ચે આ વખતે પણ મુકાબલો છે. વંચિત બહુજન આઘાડીના ઉમેદવાર ડૉ. રમેશ જગબેને મળનારા મત નિર્ણાયક રહેશે. યવતમાલ-વાશિમ બેઠક પર 2014માં શિવસેના-ભાજપ ગઠબંધનના ભાવના ગવળીએ કોંગ્રેસના શિવાજીરાવ મોઘેને 92 હજાર મતથી હરાવ્યા હતા.

2009માં ગવળીએ જ કોંગ્રેસના હરિસિંહ રાઠોડને 55 હજાર મતથી હરાવ્યા હતા. આ બેઠક શિવસેનાનો ગઢ છે. આ વખતે ભાવના ગવળીનો મુકાબલો કોંગ્રેસના પૂર્વ પ્રદેશાધ્યક્ષ અને પૂર્વ મંત્રી માણિકરાવ ઠાકરે સામે છે. બંજારા સમાજના નેતા પીબી આડેએ ભાજપ વિરુદ્ધ બળવો કર્યો છે. આ ક્ષેત્રમાં સાડા ત્રણ લાખ બંજારા મત છે. મતો વહેંચાઈ જવાનો ફાયદો માણિકરાવ ઠાકરને થઈ શકે છે. અકોલામાં ભાજપનો કિલ્લો ભેદવો કોંગ્રેસ માટે અશક્ય દેખાઈ રહ્યો છે.

વંચિત બહુજન આઘાડીના પ્રકાશ આંબેડકર અને કોંગ્રેસના હિદાયતુલ્લાહ પટેલ વિરુદ્ધમાં હોવા છતાં ભાજપના સંજય ધોત્રે ફરી બાજી મારી શકે છે. આવી શક્યતા દેખાઈ રહી છે. અમરાવતીમાં રાકાંપાથી લડી રહેલી નવનીત રાણા શિવસેનાના આનંદરાવ અડસૂલને પડકારી રહ્યા છે. બુલઢાણામાં શિવસેનાના પ્રતારરાવ જાધવ સામે રાષ્ટ્રવાદી કોંગ્રેસના ડૉ. રાજેન્દ્ર શિંગણેનો મુકાબલો છે. કોંગ્રેસ અને સ્વાભિમાની શેતકરી સંગઠન શિંગણે માટે કામ કરી રહ્યા છે. તેની સામે ભાજપ-શિવસેના એક નથી દેખાઈ રહ્યા.

દસેય બેઠક ભાજપે જીતી હતી: વિદર્ભની બધી જ બેઠક ગઈ ચૂંટણીમાં ભાજપ-શિવસેના ગઠબંધને જીતી હતી. પૂર્વ અને મધ્ય વિદર્ભમાં ખેડૂતોનો ગુસ્સો અને અલગ વિદર્ભની માંગની અવવગણના- આ બે મુદ્દા સત્તાધારી ગઠબંધન માટે પરેશાની સર્જી શકે છે. પહેલા તબક્કામાં વિદર્ભની નાગપુર, વર્ધા, રામટેક, ચંદ્રપુર, ગઢચિરોલી, ભંડારા-ગોદિયા અને યવતમાલ-વાશિમ બેઠક પર મતદાન છે. બીજા તબક્કામાં બાકીની ત્રણ અકોલા, બુલઢાણા અને અમરાવતી પર મતદાન છે.