તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાજપનો દાવો- ફરી 25, આખી કોંગ્રેસ દાવ પર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વસુંધરા રાજેની ફાઈલ તસવીર - Divya Bhaskar
વસુંધરા રાજેની ફાઈલ તસવીર
  • પરીક્ષા: કિરોડી બૈંસલા અને વસુંધરાના વિરોધી હનુમાન બેનીવાલ હવે ભાજપ સાથે

લક્ષ્મીપ્રસાદ પંત, રાજસ્થાન: રાજસ્થાન દરેક ચૂંટણીમાં રાજકારણનાં નવાં સમીકરણો સર્જે છે અને જૂનાં તોડી નાંખે છે. આ વખતે શું થશે? તેનો જવાબ રાજકારણીઓથી વધુ સારો કોણ આપી શકે? આ જવાબ જાણવા મેં પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ સચિન પાઈલટને ફોન લગાવ્યો. તેમનો ડાયલ ટોન સાંભળીને હું ચોંકી ગયો.

હનુમાન કોંગ્રેસના સંકટમોચક છે?:‘જય હનુમાન જ્ઞાન ગુણ સાગર...’ એક-બે ચોપાઈ પછી તેમણે ફોન રિસીવ કર્યો. તેમની સાથે શું વાત થઈ, એ હું તમને પછી કહું પરંતુ તેમનો ડાયલ ટોન મને રસપ્રદ લાગ્યો.  ભાજપના ચૂંટણીકાર્ડ ગણાતા ભગવાન રામના જવાબમાં શું સચિન પાઈલટ હનુમાન ચાલીસાથી રાજકીય સંતુલન સાધી રહ્યા છે? શું હનુમાન કોંગ્રેસના સંકટમોચક છે? શું ભાજપના રાષ્ટ્રવાદનો આ કોંગ્રેસી જવાબ છે?

રાજકારણમાં કંઈ પણ, ક્યારેય પણ સ્થાયી નથી:હકીકતમાં રાજકારણમાં કંઈ પણ, ક્યારેય પણ સ્થાયી નથી હોતું. એક જ સત્ય હોય છે. તમારા રાજકારણમાંથી શું સંદેશ જઈ રહ્યો છે? રાજસ્થાનમાં 29 એપ્રિલે 13 બેઠકની ચૂંટણી થશે. તેમાં સૌથી રસપ્રદ અને ગળાકાપ હરીફાઈ ધરાવતી બેઠક છે- જોધપુર, નાગૌર અને બારાં-ઝાલાવાડ. જોધપુર બેઠક પર સૌની નજર છે. અહીંના કોંગ્રેસ ઉમેદવાર વૈભવ ગેહલોત રાજ્યના મુખ્યમંત્રી અશોક ગેહલોતના પુત્ર છે. આ તેમની પહેલી ચૂંટણી છે,

અશોક ગેહલોતનો ગઢ : પરંતુ અસલી પરીક્ષા અશોક ગેહલોતના જાદુની છે. વૈભવ ગેહલોત સામે ભાજપના ઉમેદવાર ગજેન્દ્ર સિંહ શેખાવત છે, જે મોદી સરકારમાં કૃષિ રાજ્યમંત્રી છે. શેખાવત જોધપુરના યુવાનોમાં લોકપ્રિય છે. તેમના માટે 22 એપ્રિલે મોદી રેલી કરવાના છે. જોધપુરના નિવૃત્ત સૈનિક દયારામ કહે છે કે, અમારો મત મોદી માટે છે, જ્યારે સરદારપુરાના નરેશ સાંખલા કહે છે કે આ બેઠક અશોક ગેહલોતનો ગઢ છે અને આ વખતે પણ રહેશે. ગેહલોત જોધપુરથી પાંચ વાર સાંસદ રહી ચૂક્યા છે.

બારાં-ઝાલાવાડથી વસુંધરા રાજેના પુત્ર દુષ્યંતસિંહ મેદાનમાં: બીજી મહત્ત્વપૂર્ણ બેઠક બારાં-ઝાલાવાડ છે. અહીં પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેના પુત્ર દુષ્યંતસિંહ મેદાનમાં છે. તેમની સામે કોંગ્રેસના ઉમેદવાર પ્રમોદ શર્મા છે, જે પહેલા ભાજપ યુથ બ્રિગેડમાં હતા. અહીં દુષ્યંતસિંહ સામે મોટો પડકાર નથી. આ બેઠક પર વસુંધરા રાજે સતત પાંચ વાર સાંસદ રહ્યાં છે. તેમના પછી દુષ્યંતસિંહ ત્રણ વાર સાંસદ રહ્યા હતા.
જોધપુર અને બારાં-ઝાલાવાડ બેઠક અનેક રીતે એક જેવી છે, પરંતુ પરિણામોની દૃષ્ટિએ ઘણું અંતર છે.

CM- પૂર્વ CMના સંતાનો ચૂંટણી મેદાને: સમાનતા એ છે કે અહીં મુખ્યમંત્રી અને પૂર્વ મુખ્યમંત્રીનાં સંતાનો મેદાનમાં છે. બંને માટે ચૂંટણી પ્રતિષ્ઠાનો સવાલ છે. ગેહલોત સભાઓમાં કહી રહ્યા છે કે, મારો પુત્ર નહીં પણ કોંગ્રેસનો એક કાર્યકર મેદાનમાં છે. તેમની આ પ્રકારની ભાવનાત્મક અપીલ જ વૈભવ ગેહલોતની જીતનું કારણ બની શકે છે.  

હવે નાગૌરની વાત. અહીંનો મુકાબલો રસપ્રદ છે. ભાજપે અહીં મંત્રી સી.આર. ચૌધરીની ટિકિટ કાપીને હનુમાન  બેનીવાલને મેદાનમાં ઉતાર્યા છે. બેનીવાલનો વસુંધરા રાજે સાથે હંમેશા છત્રીસનો આંકડો રહ્યો છે. આમ છતાં, હાઈકમાન્ડે આ નિર્ણય લીધો છે. અહીં કોંગ્રેસના દિગ્ગજ  જાટ નેતા નાથુરામ મીર્ધાના પૌત્રી જ્યોતિ મીર્ધા મેદાનમાં છે. બેનીવાલ અને જ્યોતિ મીર્ધા વચ્ચે જોરદાર મુકાબલો છે.  રાજસ્થાનમાં મતદાનની ટકાવારી હાર-જીતનું મોટું ફેક્ટર હોય છે. જો શહેરી વિસ્તારમાં મતદાન 45%થી ઓછું થાય તો કોંગ્રેસને ફાયદો થશે. જો 60%થી વધુ થશે તો ભાજપ આગળ રહેશે. આ પાયાનાં સમીકરણો છે, જે ગઈ ચૂંટણીમાં સાચાં પડ્યાં હતાં.

ગ્રામ્ય વિસ્તારમાં વોટ માટે જાતિ મહત્વની: ગ્રામીણ વિસ્તારોમાં જાતિ મહત્ત્વનું પરિબળ છે. 29 એપ્રિલે પહેલા તબક્કાનું મતદાન ટોંક-સવાઈમાધોપુર બેઠક પર પણ છે, જ્યાં કોંગ્રેસના ઉમેદવાર નમોનારાયણને જીતનો વિશ્વાસ છે કારણ કે, તેઓ જાણે છે કે એ વિસ્તારમાં તેમની જાતિના મત સૌથી વધુ છે. એવો જ વિશ્વાસ ભાજપના સુખબીર સિંહ જૌનપુરિયાને પણ છે.  હવે અંદરોદર ભડકી રહેલા રાજકારણની વાત. ચર્ચા છે કે મુખ્યમંત્રી ગેહલોત તેમજ પ્રદેશ અધ્યક્ષ અને ઉપમુખ્યમંત્રી સચિન પાઈલટ વચ્ચે તણાવ છે.

પાઈલટ અને લેહલોત વચ્ચે તણવાની અફવા: જોકે, બંને આ વાતને અફવા ગણાવે છે. પાઈલટ કહે છે કે, આ મોદી કેમ્પે ફેલાવેલી અફવા છે. હું તો પોતે વૈભવ ગેહલોતની મદદ માટે જોધપુર ગયો હતો. એવું પણ કહેવાય છે કે વૈભવ ગેહલોતને ટિકિટ અપાવવામાં સચિન પાઈલટ સક્રિય હતા. ગેહલોત પણ કહે છે કે, અમારી ટક્કર ફક્ત ભાજપ સામે છે. આ રીતે બંને નેતા સતત ‘ઑલ ઈઝ વેલ’નો સંદેશ આપતા રહે છે.

બેનીવાલ થી વસુંધરા નારાજ: બીજી તરફ, નાગૌર બેઠક બેનીવાલને આપવાથી પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે નારાજ છે. બેનીવાલના ભાજપમાં સામેલ થવાની જાહેરાત કરવા આવેલા પ્રકાશ જાવડેકરની પ્રેસ કોન્ફરન્સમાં વસુંધરા રાજે ગેરહાજર હતાં. આ ઉપરાંત રાજસ્થાનનો બ્રાહ્મણ ચહેરો ઘનશ્યામ તિવારી હવે કોંગ્રેસી થઈ ગયા છે, જ્યારે ગુર્જર આંદોલનના સર્વેસર્વા રહેલા કર્નલ કિરોડી બૈંસલા ભાજપમાં સામેલ થયા તેના પણ રાજકીય કારણો છે.

ચૂંટણી માહોલ નથી જામ્યો: હવે જોવાનું રહેશે કે કોનું આવવું અને જવું ચૂંટણીમાં કેટલો ફાયદો કરાવશે.  જે 13 બેઠક પર 29 એપ્રિલે ચૂંટણી છે, ત્યાં હજુ સુધી ચૂંટણીનો માહોલ નથી. અહીં સરકાર હોવા છતાં કોંગ્રેસનો પ્રચાર અસરકારક નથી દેખાતો. મુખ્યમંત્રી ગેહલોત જૂના જાદુગર છે. હવે જોવાનું રહેશે કે, પોતાની રાજકીય ટોપીમાંથી છુમંતર બોલીને તેઓ જીતનું સસલું  બહાર કાઢે છે કે નહીં?

ભાજપ-કોંગ્રેસ માટે નવો માથાનો દુ:ખાવો: દક્ષિણ રાજસ્થાનના આદિવાસી વિસ્તારની બે બેઠક ઉદયપુર અને ડુંગરપુર-બાંસવાડા પર ભારતીય ટ્રાઈબલ પાર્ટીએ અલગ સમીકરણો સર્જી દીધાં છે. આદિવાસીઓના અધિકારો માટે બનેલો આ પક્ષ કોંગ્રેસ-ભાજપ બંને માટે માથાનો દુ:ખાવો છે. 3 મહિના પહેલા થયેલી વિધાનસભા ચૂંટણીમાં બીટીપીએ બે બેઠક જીતીને સંકેત આપ્યા હતા કે, લોકસભાનો રસ્તો બંને મોટા પક્ષ માટે સરળ નહીં હોય.

અન્ય સમાચારો પણ છે...