તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મતોનું વિભાજન દીદી માટે સ્પીડબ્રેકર બની શકે છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાગીરથીના કિનારે મુર્શિદાબાદનાં ગામોમાં પ્રવાસ નૌકાથી જ થાય છે - Divya Bhaskar
ભાગીરથીના કિનારે મુર્શિદાબાદનાં ગામોમાં પ્રવાસ નૌકાથી જ થાય છે
  • કોંગ્રેસ-ભાજપનો ડર : ઉમેદવારો અને મતદારોમાં તૃણમૂલનો ભય
  • તૃણમૂલની રણનીતિ : બીજા પક્ષોમાંથી નેતા તોડી તેમને પોતાના ઉમેદવાર બનાવ્યા

રાજેશ માલી, મુર્શિદાબાદ: અબુ તાહેર ખાન થોડાક મહિના પહેલાં સુધી કોંગ્રેસના ધારાસભ્ય હતા. હવે તે મુર્શિદાબાદથી તૃણમૂલના ઉમેદવાર છે. કોંગ્રેસ ધારાસભ્ય અપૂર્વ સરકારે બે વર્ષ પહેલાં વિધાનસભા ચૂંટણીમાં તૃણમૂલને બૂમો પાડીને ભાંડી હતી, હવે તે બહરામપુરમાંથી તૃણમૂલના ઉમેદવાર છે. આ બે હકીકતોથી મુખ્યમંત્રી મમતા બેનરજીની રણનીતિ સમજી શકાય છે.

ભાજપ અને અન્ય પક્ષોને અટકાવવા માટે મમતા કશું પણ કરવા તૈયાર છે. ભાજપ પણ તેમને તેમની જ શૈલીમાં જવાબ આપવાના પ્રયાસમાં છે. બંગાળમાં સૌથી વધુ 72% મુસ્લિમ મતદારવાળા મુર્શિદાબાદમાં ભાજપે જે હુમાયુ કબીરને ઉતાર્યા છે તે કોંગ્રેસના ધારાસભ્ય અને તૃણમૂલમાં રહી ચૂક્યા છે. જંગીપુરથી ભાજપના ઉમેદવાર માફૂઝા ખાતુન સીપીએમમાંથી બે વખત ધારાસભ્ય રહ્યાં, પરંતુ મમતા અને તેમની બ્રિગેડ સાથે મુકાબલો એટલો સરળ નથી.

કોંગ્રેસ, ભાજપ અને સીપીએમની પહેલી ચિંતા તો એ છે કે તેમના મતદારોને મત આપવાની તક મળી જાય અને મતદારોની ચિંતા છે કે બસ આ ચૂંટણી કોઈ ઝઘડા વિના પૂરી થઈ જાય. તેનું કારણ છે રાજ્યના અલગ અલગ ક્ષેત્રોમાંથી આવી રહેલી ચૂંટણીની હિંસાના સમાચાર. બહરામપુરથી કોંગ્રેસના અધીર રંજન અને જંગીપુરથી ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીના પુત્ર અભિજિત સાંસદ છે, જ્યારે મુર્શિદાબાદ સીપીએમ પાસે છે.

ચૌધરીને કોઈ તકલીફ નથી લાગતી પરંતુ જંગીપુર અને મુર્શિદાબાદમાં મુસ્લિમ મતોનું વિભાજન ફેક્ટર રહેશે. રાયગંજ, માલદા ઉત્તર અને માલદા દક્ષિણમાં પણ એવી જ સ્થિતિ છે. અહીં મોદી, રાહુલ કરતાં વધુ ચર્ચા ‘દીદી’ની છે અને તેમનો ડર પણ છે. મુર્શિદાબાદમાં ભાજપ ચૂંટણી કાર્યાલયમાં બેઠેલા મંડલ અધ્યક્ષ સોમેન્દ્ર મંડલ કહે છે, આતંક તો એટલો હતો કે પંચાયત ચૂંટણીમાં અમારા લોકો ઉમેદવારીપત્ર પણ ભરી શક્યા નહીં. ચૂંટણી લડવી તો દૂરની વાત છે.

જંગીપુરમાં પ્રણવ મુખરજીના પુત્ર અભિજિતે 2012ની પેટાચૂંટણીમાં વિજય નોંધાવીને તેમની રાજકીય વિરાસત સંભાળી. આ વખતે સીપીએમની સાથે જ કોંગ્રેસ અને ભાજપની ઘેરાબંધીનો પણ સામનો કરવો પડી રહ્યો છે. અહીં ભાજપે મોટો દાવ રમ્યો છે. સીપીએમના ભૂતપૂર્વ ધારાસભ્ય માફૂઝા ખાતુન અંગે દાવો છે કે તે ભાજપની દેશમાં એકમાત્ર મુસ્લિમ મહિલા ઉમેદવાર છે.

બહરામપુરમાં 20 વર્ષથી કોંગ્રેસના અધીર રંજન ચૌધરી સાંસદ છે. આ વખતે તેમણે તૃણમૂલ કોંગ્રેસે ધારાસભ્ય અપૂર્વ સરકાર મારફત ટક્કર આપવાનો પ્રયાસ કર્યો છે. ડાબેરીએ કોંગ્રેસને સમર્થન આપ્યું છે, તેથી ચૌધરી માટે કોઈ પ્રકારની તકલીફ નથી. માલદા ઉત્તરમાં 2014માં કોંગ્રેસમાંથી જીતેલાં વર્તમાન સાંસદ મૌસમ નૂર હવે તૃણમૂલના ઉમેદવાર છે. ટક્કર ભાજપના ઉમેદવાર અને સીપીએમના ધારાસભ્ય ખગેન મુર્મુ તથા કોંગ્રેસનાં ઈશા ખાન ચૌધરી વચ્ચે છે. ચૌધરી પણ ધારાસભ્ય છે.

મૌસમ નૂરે પક્ષ બદલતા લોકોની પ્રતિક્રિયા તેમના વિરુદ્ધ આવી હતી. અહીં વાતાવરણ એટલું તણાવપૂર્ણ છે કે તૃણમૂલ કાર્યકરો અને સરકાર પર ડરાવવાનો આરોપ મૂકતા કોંગ્રેસ ઉમેદવારે પ્રચાર નહીં કરવાની જાહેરાત કરી દીધી. આ ‘ભય’ હવે અહીં મુદ્દો છે. મુસ્લિમ મત (અંદાજે 49 ટકા)નું વિભાજન કોંગ્રેસ અને તૃણમૂલનું ગણિત બગડી શકે છે.

માલદા દક્ષિણમાં મુકાબલો વર્તમાન સાંસદ અને કોંગ્રેસના અબુ હસન ખાન ચૌધરી, તૃણમૂલના મોઅજ્જમ હુસેન અને ભાજપની શ્રીરૂપા મિત્રા વચ્ચે છે. અંદાજે 65 ટકા મુસ્લિમ મતદારોવાળી આ બેઠક પર 2014માં ભાજપના વિષ્ણુ રાય બીજા નંબર પર રહ્યા હતા પરંતુ બહારના હોવાના લેબલના કારણે શ્રીરૂપાને નુકસાન થઈ શકે છે. રાયગંજમાં સીપીએમના વર્તમાન સાંસદ મોહમ્મદ સલીમને તૃણમૂલ તરફથી પડકાર મળી રહ્યો છે.

કોંગ્રેસના દિવંગત નેતા પ્રિયરંજન દાસમુન્શીનાં પત્ની દીપા દાસમુન્શી, ભાજપના પ્રદેશ મહાસચિવ દેવશ્રી ચૌધરી તથા તૃણમૂલના ધારાસભ્ય કન્હૈયાલાલ અગ્રવાલ મેદાનમાં છે. 2014માં સલીમ માત્ર 1634 મતથી જીતી શક્યા હતા. દીપાના દિયર પવિત્ર રંજન તૃણમૂલમાંથી ઉમેદવાર હતા. દિયર-ભાભીના ઝઘડામાં સીપીએમને લાભ થઈ ગયો હતો. ભાજપ અહીં ત્રીજા નંબર પર હતો. અહીં 53% મુસ્લિમ મતદાર છે. અહીં મતોનું ધ્રુવીકરણ મહત્વપૂર્ણ ફેક્ટર રહેશે, જે ભાજપની તરફેણમાં જઈ શકે છે.

દાર્જિલિંગમાં ભાજપે ગોરખા જનમુક્તિ મોરચાના સમર્થનથી જ છેલ્લી બે ચૂંટણી જીતી હતી. આ વખતે સ્થિતિ અલગ છે. જીજેએમના એક જૂથને તૃણમૂલે પોતાની સાથે કરી જીજેએમના દાર્જિલિંગથી ધારાસભ્ય અમરસિંહ રાઈ પર દાવ રમ્યો છે.તેમની સાથે જેજીએમના વિનય તામંગ જૂથ છે. ભાજપે અહીં જોખમ નથી લીધું અને વર્તમાન સાંસદ અને કેન્દ્રીય મંત્રી એસ.એસ. અહલુવાલિયાને દુર્ગાપુર શિફ્ટ કરી રાજુ સિંહ બિષ્ટને ઉતાર્યા છે. 

જલપાઈગુડીમાં પણ મુદ્દો વિકાસ જ છે. અહીં શરૂ થયેલી કલકત્તા હાઈકોર્ટની સર્કિટ બેન્ચનું શ્રેય તૃણમૂલ અને ભાજપ લેવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ લોકો માને છે કે મમતા બેનરજી તેના માટે સંઘર્ષ કરી રહ્યાં હતાં. સાંસદ અને તૃણમૂલ ઉમેદવાર વિજય ચંદ્ર બર્મનનો મુકાબલો ભાજપના ડો. જયંત રાય સામે છે. પક્ષના નેટવર્કના કારણે બર્મન મજબૂત સ્થિતિમાં છે. બર્મન મારફત જ તૃણમૂલે 2014માં અહીં વિજય મેળવ્યો હતો.

અહીં મોદી અને દીદી ફેક્ટરનો પ્રભાવ:  ચૂંટણી ‘મોદીની સરકાર’ અને ‘દીદીની સરકાર’ પર જ કેન્દ્રીત છે. તેમાં પણ દીદી એટલે કે મમતા બેનરજી જ વધુ ચર્ચામાં છે. ભાજપ મોદીના નામ પર મત માગી રહ્યો છે, બીજી બાજુ મમતાને વિકાસના માર્ગમાં સ્પીડબ્રેકર જણાવી રહી છે. આ બાજુ મમતા ભાજપને રાજ્ય માટે ‘ખતરનાક’ ગણાવે છે.

કોંગ્રેસ અને ડાબેરીની પહેલી લડાઈ મમતા સામે છે, કારણ કે ભાજપ સાથે સીધી લડાઈ માટે ચૂંટણી પહેલા મમતાએ કોંગ્રેસ અને ડાબેરીને તૃણમૂલમાં ‘વિલય’નું અભિયાન શરૂ કર્યું હતું. જે એકમોમાં કોંગ્રેસ અને ડાબેરી બહુમતીમાં હતા, તે ચૂંટણી વિના તૃણમૂલના થઈ ગયા. મુર્શિદાબાદ અને જંગીપુરની મ્યુનિસિપાલિટીમાં એવું જ થયું.

ગઠબંધન: તૃણમૂલ, ભાજપ અને કોંગ્રેસના કોઈ ગઠબંધન સાથે નહીં. સીપીએમે બહેરામપુર અને માલદા દક્ષિણમાં કોંગ્રેસનું સમર્થન કર્યું છે.

2014ની સ્થિતિ

મુર્શિદાબાદ-     CPI(M)
બહરામપુર-     કોંગ્રેસ
જંગીપુર-        કોંગ્રેસ
બાલુરઘાટ-     તૃણમૂલ
માલદા ઉત્તર-    કોંગ્રેસ
માલદા દક્ષિણ-     કોંગ્રેસ
જલપાઈગુડી -    તૃણમૂલ
દાર્જિલિંગ-     ભાજપ
રાયગંજ -    CPI(M)

અન્ય સમાચારો પણ છે...