તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાજપના ‘વિજય’નું ઘર, કોંગ્રેસ માટે સંઘર્ષ જારી હૈ જેવી સ્થિતિ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અર્જુન ડાંગર,  રાજકોટ: મુખ્યમંત્રીનું આ શહેર ભાજપ માટે પહેલેથી ગઢ રહ્યો છે. ભાજપે મોહન કુંડારિયાને રિપીટ કર્યા છે. જ્યારે કોંગ્રેસે ટંકારાના વર્તમાન ધારાસભ્ય લલિત કગથરાને ટિકિટ આપી છે. બન્ને પાટીદાર છે. આ બેઠક પર નિર્ણાયક મતદારો પણ પાટીદાર છે. એ વિચારીને કોંગ્રેસે ભાજપના ગઢમાં ગાબડું પાડવા પાસા ફેંક્યા છે, પરંતુ ભાજપનું તગડું નેટવર્ક ભેદવું કોંંગ્રેસ માટે લોઢાના ચણા ચાવવા જેવું હોવાનું લોકો કહે  છે.

મવડી ચોકડીએ ચાર રસ્તાની દુકાન પર ચાની ચુસ્કી મારતા દિલીપભાઇ પટેલ કહે છે કે, અનામત આંદોલન વખતનો આક્રોશ હવે ઠંડો પડી ગયો છે. હાર્દિક કોંગ્રેસનો  નેતા બની ગયો છે. માટે હવે વિધાનસભા વખતની સ્થિતિ નથી. કુલ 18.83 લાથ મતદારોમાં સૌથી વધુ 5.50 લાખ પાટીદાર મત છે. આ ઉપરાંત 3 લાખ કોળી. 1.10 લાખ દલિત તથા 1 લાખ રાજપૂત મતદારો છે. આ ઉપરાંત બ્રાહ્મણ, લોહાણા, પ્રજાપતિ, મુસ્લિમ તથા આહીર મતદારોની સંખ્યા પણ નોંધપાત્ર છે. 

કોટેચા ચોકમાં કેટલાક વેપારીઓ અને ત્યાં ઊભેલા ધંધાર્થી હાર્દિક શાહ કહે છે કે, હજુ ચૂંટણીનો માહોલ જામ્યો નથી, પણ આ શહેરનો મિજાજ બધાને ખબર છે. અહીં 70 થી વધુ વેપારી એસોસિએશનમાંથી  મોટાભાગના ભાજપ સાથે સંકળાયેલા છે. આટલું મોટું નેટવર્ક કોંગ્રેસ પાસે આ શહેરમાં કયારેય નથી જોયું.

‘યુકે’ નામે ઓળખાતા ઉપલાકાંઠા વિસ્તારના યુવાન ભૂષણ દૂધાત્રા કહે છે કે, ભાજપના લોકોની આવન–જાવન વધુ છે. રાજકોટમાં સ્થાનિક સમસ્યાઓ કે અન્ય પરિબળો નહીંવત છે.  ભાજપ માટે પાક વીમા તથા સિંચાઈનો પ્રશ્ન પડકાર છે. ગત લોકસભા ચૂંટણીમાં ભાજપ અહીં 2.47 લાખની લીડ સાથે જીત્યો હતો. કોંગ્રેસ માટે ભાજપનું નેટવર્ક તથા આંતરિક અસંતોષ મોટો પડકાર છે.

જામનગર - શહેરી વિસ્તારમાં ભાજપની તો ગ્રામીણમાં કોંગ્રેસની પકડ: ઢળતી સંધ્યાએ લાખોટા તળાવ પાસે જ મળી ગયેલા નિલેશભાઈ વીંછી ચૂંટણીનો ચિતાર આપતા કહે છે કે અહીં ભાજપ-કોંગ્રેસ બન્ને એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. પરંતુ, શહેરી વિસ્તારમાં ભાજપની પકડ મજબૂત છે. જયારે ગ્રામ્ય વિસ્તારમાં કોંગ્રેસનું પલડું ભારે લાગે છે. અને પાટીદારો જે પક્ષ તરફ ઢળશે તેની જીત આસાન છે. ભાજપને તેના મજબૂત પ્લાનિંગનો ફાયદો મળી શકે.

જો કે લઘુતમ મતોની સંખ્યા પણ નિર્ણાયક ભૂમિકા ભજવે તો નવાઈ નહીં. ભાજપે જામનગર બેઠક પર પૂનમબેન માડમને રિપીટ કર્યા છે. જયારે કોંગ્રેસે મૂળુભાઈ કંડોરિયાને ઉતાર્યા છે. આ વખતે પણ બન્ને મુખ્ય  રાજકીય પક્ષોએ આહીર ઉમેદવારને ટિકિટ આપી છે. અહીં પણ સ્થાનિક મુદ્ાની કોઈ ચર્ચા નથી કરી રહ્યું. ચાર રસ્તા પર મળી ગયેલા માજી સૈનિક ભરતસિંહ જાડેજા કહે, સ્થાનિક સમસ્યા વિશે લોકો શું વિચારે છે એ ખબર નથી. અહીં અઢી લાખ પાટીદાર વોટ છે. જ્યારે 2.25 લાખ મુસ્લિમ, 1.90 લાખ ક્ષત્રિય અને 1.75 લાખ આહીર મતદારો છે. 

ભાવનગર- આ બેઠક પર લીડમાં વધ-ઘટ પણ પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની શકે છે: આ બેઠક ત્રણ દાયકાથી ભાજપનો ગઢ છે. ભાજપ માટે આ સીટ જીત નહીં પણ લીડની વધ-ઘટ પ્રશ્ને પણ આ બેઠક પ્રતિષ્ઠાનો જંગ બની છે. 2014માં વર્તમાન સાંસદ ડૉ.ભારતીબેન શિયાળ 2.95 લાખની લીડ સાથે જીત્યાં હતાં.અહીં 5.25 લાખ કોળી મતદારો છે. આજ સમાજના ભારતીબેનને રિપિટ કરવા પાછળનું આ મોટું કારણ છે. જ્યારે અઢી લાખ વોટ પાટીદારોના તથા 2.75 લાખ વોટ દલિત સમુદાયના છે.

કોંગ્રેસે મૂળ ભાવનગરના પણ લાંબા સમયથી ભાવનગરની જનતાથી દુર રહેલા પાટીદાર મનહર પટેલને ઉતાર્યા છે. અહીં 2.50 લાખ પાટીદાર મતદારો છે. ઘોઘાગેટ ચોકમાં ચાની લારીએ  ચૂસ્કી લેતા કોંગ્રેસના જયદીપભાઇને ખાતરી છે કે તેમની પાર્ટી 55 હજાર મતની લીડથી જીતશે. તો ઘોઘા સર્કલ લચ્છુની દુકાને પાવ-ગાંઠીયા ખાતા ભાજપના મનહરભાઇએ કોંગ્રેસના લીડના દાવા પાછળ મીંડુંુ ઉમેરી પાંચ લાખથી સાડા પાંચ લાખ મતની સરસાઇથી ભાજપ જીતશે તેવો દાવો કર્યો છે. 

કચ્છ- ભાજપની લીડમાં ગાબડું નક્કી પણ કોંગ્રેસ માટે જીત સહેલી નથી: કચ્છ બેઠક ભાજપનો મજબૂત ગઢ છે. અલબત, અહીં જ્ઞાતિનું ગણિત કોંગ્રેસ તરફી છે. જોકે ભાજપને ગત વખત જેટલી  જંગી સરસાઇ મળશે કે કેમ એ પ્રશ્ન છે.  અનુસૂચિત જાતિ માટે અનામત અેવી અા બેઠક પર અા ચૂંટણીમાં કોઇ મુદ્દો નથી, કોઇ ચહેરો નથી કે કોઇ મોટી સમસ્યા નથી કે જે મતદારો પર હાવી થઇ શકે. ભાજપે ગત ચૂંટણીમાં અઢી લાખની લીડથી જીતેલા વિનોદ ચાવડાને રિપીટ કર્યા છે.

સામે કોંગ્રેસે નરેશ મહેશ્વરીને ટિકીટ અાપી છે. પીઢ પત્રકાર ધરમશી મહેશ્વરીના કહેવા મુજબ વોટબેંકનું ગણિત તો કોંગ્રેસની તરફેણમાં છે. પણ ભાજપનું નેટવર્ક શક્તિશાળી છે. 
અંજાર કોમર્સ એન્ડ ડેવલોપમેન્ટ કાઉન્સિલના પ્રમુખ શીરીષ હરિયા વર્તમાન સાંસદે  અંજારની અવગણના કરી રહ્યાનું કહે છે. જોકે, અંજાર શહેરનો ઇતિહાસ ભાજપ તરફી રહ્યો છે. અહીં સૌથી વધુ 3.05 લાખ મુસ્લિમ મત છે. આ સાથે 2.08 લાખ પટેલ, 2 લાખ દલિત તથા 1.27 લાખ આહીર મત છે. 

અન્ય સમાચારો પણ છે...