• Gujarati News
  • National
  • Loksabha Election 2019: Congress Strategy In South Gujarat To Bring Back Lost Votebank

દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસે બેઠક ન જીતાય તો પણ ગુમાવેલી વોટબેન્ક પરત મેળવવાનો વ્યૂહ અપનાવ્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સુરતમાં કાઠિયાવાડી ઉમેદવારની માંગ ભાજપમાં થઈ અને પુરી કોંગ્રેસે કરી
  • નવસારીમાં સ્થાનિક કોળી ઉમેદવારને ટીકિટ આપી કોંગ્રેસે લાંબા ગાળાનો ખેલ પાડ્યો
  • વલસાડમાં જીતુ ચૌધરી પર દાવ ખેલીને આદિવાસી મતોમાં ગાબડું અટકાવવા પ્રયાસ

પંકજ રામાણી, સુરતઃ 17મી લોકસભાની ચૂંટણી માટે દક્ષિણ ગુજરાત અંતર્ગત ચારેય બેઠક પર ભાજપે ઉમેદવારો રિપિટ કર્યા છે. તેની સામે કોંગ્રેસે આ વખતે ધીમા પણ લાંબા ગાળાનું આયોજન કરતાં પગલાં ભર્યાં હોય તેવું જણાઈ રહ્યું છે. ભાજપનો મજબૂત ગઢ ગણાતી આ ચારેય બેઠકો પર કોંગ્રેસે જીત ન મળે તો પણ કમ સે કમ ભાજપની લીડ ઘટે અને પોતાની વોટબેન્ક ઊભી થાય એવી લાંબા ગાળાની ગણતરી સાથે ઉમેદવારો પસંદ કર્યા છે. એ માટે જ્ઞાતી સમીકરણો ઉપરાંત સ્થાનિક સ્તરે ઉમેદવારની પ્રતિષ્ઠા, સ્વચ્છ અને કાર્યક્ષમ છબીને પણ પ્રાધાન્ય આપ્યું છે. 

પાટીદારોને કોંગ્રેસમાં લાવવા અશોક અધેવાડને ટીકિટ

સુરત લોકસભાની બેઠક માટે ભાજપમાંથી કાઠિયાવાડી પાટીદારને ટીકિટ આપવાની માંગ ઊઠી હતી. સામે જ સ્થાનિક તળ સુરતીને ટીકિટ આપવા માટે જોરદાર લોબિંગ થયું હતું. પરંતુ આખરે ભાજપે દર્શના જરદોષને રિપીટ કરીને વિવાદને શાંત કર્યો હતો. પરંતુ કોંગ્રેસે ભાજપમાં થયેલી માંગને પુરી કરી હતી. કોંગ્રેસે કાઠિયાવાડી પાટીદાર અશોક અધેવાડને ટીકિટ આપીને દીર્ઘદૃષ્ટિ દર્શાવી છે. પાટીદારો ઘણા સમયથી ભાજપથી નારાજ છે. ત્યારે અશોકને ટીકિટ આપીને કોંગ્રેસે સુરતની સાથે બારડોલી બેઠક અંતર્ગત આવતા પાટીદારોને મનાવવા પ્રયાસ કર્યો છે. સુરત બેઠક પરથી ગત લોકસભા ચૂંટણીમાં ભાજપે દેશમાં સૌથી વધુ બીજા નંબરની લીડ હાંસલ કરી હતી. આ વખતે પણ કોંગ્રેસ માટે આ બેઠક જીતવી અઘરી તો છે પરંતુ આ વખતે લીડ ઓછી થશે તેવું માનવામાં આવી રહ્યું છે. સાથે જ બારડોલી લોકસભા બેઠકમાં આવતા સુરતના વિસ્તારમાંથી પણ ઉમેદવારની પસંદગીથી કોંગ્રેસને ફાયદો થાય તેવી શક્યતા સેવવામાં આવી રહી છે. જે કદાચ તળ સુરતી ઉમેદવારને ટીકિટ આપવાથી આ ફાયદો કદાચ કોંગ્રેસને ન મળી શક્યો હોત.

નવસારીમાં સ્થાનિક ઉમેદવાર પર કોંગ્રેસે કળશ ઢોળ્યો

નવસારીમાં બેઠકમાં પણ સુરતની જેમ સ્થાનિક કોળી પટેલોએ ઉમેદવારની માંગ ભાજપમાં કરી હતી પરંતુ ભાજપે સી.આર.પાટીલને ટીકિટ આપી હતી. જેથી કોળી પટ્ટામાં રોષ જોવા મળતો હતો. પરંતુ કોંગ્રેસે નારાજ કોળી પટેલોને પોતાની તરફ ખેંચવા માટે સ્થાનિક ધર્મેશ પટેલને ટીકિટ આપી છે. યુવા નેતા ધર્મેશ પટેલ કોળી પટેલોમાં વર્ચસ્વ ધરાવે છે. જેથી ગત વખતની જેમ સી.આર.પાટીલને મળેલી જંગી લીડ કદાચ આ વખતે ઓછી થાય તેની સાથે સાથે કોળી પટેલ મતદારો ફરી કોંગ્રેસનો હાથ પકડે તો અન્ય ચૂંટણીઓમાં કોંગ્રેસને નવજીવન મળે તેવી શક્યતાને નકારી શકાય નહીં.

વલસાડમાં જીતુ ચૌધરી મેદાન મારવા સજ્જ

વલસાડમાં ડો.કે.સી.પટેલને ટીકિટ આપવાની સાથે જ ભાજપમાં રહેલા તેના ભાઈ ડો.ડી.સી.પટેલ નારાજ થયા છે. તેની નારાજગી  જીતુ ચૌધરી માટે આર્શિવાદ રૂપ સાબિત થઈ શકે તેમ છે. વળી, જીતુ ચૌધરી છેલ્લી ચાર ટર્મથી વિધાનસભાના સભ્ય રહી ચુક્યા છે. આદિવાસી મતદારોમાં કોંગ્રેસને મોટું ગાબડું પડી ચુક્યું છે. તેમ છતાં ગત વિધાનસભાની ચૂંટણીમાં 170 મતની અતિ પાતળી સરસાઈથી જીતુ ચૌધરીએ કપરાડાની બેઠક કોંગ્રેસમાં જાળવી રાખી હતી. હવે આદિવાસી અને પરંપરાગત મતદારોમાં વધુ ભંગાણ થતું અટકાવવા કોંગ્રેસે ઉતારેલા જીતુ ચૌધરી જીતવા માટે સજ્જ થયા છે. આ બેઠક પર કોંગ્રેસે આદિવાસી વોટબેન્ક ફરીથી અંકે કરવાની નેમ રાખી છે.