તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સરવેનું રિઝલ્ટ સાચું ઠરે તો રાજ્યમાં મોટાપાયે રાજકીય ઊથલપાથલ થશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિજય રૂપાણી અને પરેશ ધાનાણીની ફાઈલ તસવીર - Divya Bhaskar
વિજય રૂપાણી અને પરેશ ધાનાણીની ફાઈલ તસવીર
  • 26 બેઠકો વિજય, અમિત અને પરેશનું ભાવિ નક્કી કરશે 

ગાંધીનગર: કોંગ્રેસના ગુજરાત પ્રભારી રાજીવ સાતવે કહ્યું કે બે મહિના બાદ રૂપાણી મુખ્યમંત્રી નહીં હોય, જો કે તેમના આ નિવેદનમાં આક્ષેપબાજી વધુ હતી, પરંતુ ગુજરાતમાં વિવિધ સરકારી એજન્સીઓના સર્વેક્ષણના પરિણામો ભાજપ સરકાર માટે ચિંતાનો વિષય છે. એક પણ એજન્સી ગુજરાતમાં ભાજપને એકવીસથી વધુ એક પણ બેઠક મળે તેવું જોતી નથી. આ સર્વે સાચાં પડે તો રાજ્યમાં વર્તમાન  રૂપાણી સરકાર સામે પ્રશ્નાર્થ ઊભા થાય.

સરકારે પોતાના અધિકારીઓ પાસેથી મેળવેલા તારણોની ફલશ્રુતિ પણ એવી જ છે કે ગુજરાતમાં ભાજપને અઢારથી વીસ બેઠકો મળે તેમ છે. રાજ્યનું ગુપ્તચર ખાતું પણ ગુજરાતમાં ભાજપ છ બેઠકો ગુમાવે તેઓ અંદાજ આંકે છે. કેન્દ્રીય ગુપ્તચર વિભાગ પણ ભાજપ એકવીસ બેઠકોમાં સમેટાઇ જાય તેવું ભવિષ્ય ભાખે છે. જો આવા પરિણામો આવે તો તે ભાજપની શિર્ષસ્થ નેતાગીરીને સહેજેય પસંદ ન આવે કારણ કે ગુજરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનું હોમ સ્ટેટ છે.

વિધાનસભાની ચૂંટણીમાં અણગમાનો પડઘો પડ્યો છે. જો કે આ વખતે ચૂંટણીમાં મૂળ મુદ્દા તરીકે વડાપ્રધાન મોદીએ પાકિસ્તાન સામે લીધેલાં કડક પગલાંને કારણે મતદાતાઓ ભાજપ તરફી વલણ અપનાવે તે વાત પણ સરકારી એજન્સીના સર્વેમાં ઉલ્લેખાઇ છે. ભાજપની નેતાગીરીની અપેક્ષાથી વિપરીત પરિણામો આવે તો રાજ્ય સરકારમાં અને ભાજપના માળખામાં પણ પરિવર્તનની સંભાવના શક્ય છે.

બીજી તરફ વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી પણ અમરેલીથી ઝુકાવી રહ્યા હોઇ તેમની પ્રતિષ્ઠા પહેલેથી જ દાવ પર છે. જો કોંગ્રેસ આ લોકસભાની ચૂંટણીમાં ખાસ કાંઇ ન ઉકાળે તો ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને પરેશ ધાનાણીની ખુરશીના પાયા હચમચી જશે તે ચોક્કસ છે.

ભાજપને ધારણા કરતા ઓછી બેઠક મળે તો...

1. બેથી ચાર બેઠકો ગુમાવે તો જે તે વિસ્તારના પ્રભારી નેતાને મુશ્કેલી આવી શકે, સંગઠનમાં મોટા પાયે બદલાવ આવે. 
2. બેઠકના પ્રભારી નેતા કોરાણે મૂકાઇ જાય. ચારથી છ બેઠકો ગુમાવે તો મંત્રીમંડળમાં મોટા ફેરફાર આવે. 
3. નિષ્ફળ નિવડેલાં પ્રભારીમંત્રી પર તવાઈ આવે 
4. ભાજપ વધુ બેઠકો ગુમાવે તો- સરકારથી માંડીને પ્રદેશમાળખામાં પરિવર્તન
5. કેન્દ્રીય કેબિનેટમાં ગુજરાતના સાંસદોના પ્રતિનિધિત્વમાં ઘટાડો આવે.