તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાટણ: ઠાકોર સમુદાય કરતાં પણ ઉમેદવારનો લોકસંપર્ક આ બેઠક જીતાડશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • દિલીપ ઠાકોરના મતક્ષેત્ર હારીજ-સમીમાં ઠાકોરોનો ઝોક જગદીશ ઠાકોરની તરફેણમાં
  • 42 ઠાકોર સમાજના જગદીશ સામે ખેરાલુના ધારાસભ્ય પાલવી ઠાકોર
  • 3 પાળીમાં લોકોને રોજગારી આપે તેવો એકેય ઉદ્યોગ-ધંધો જિલ્લામાં મોજુદ નહી
પ્રકાશ પરમાર, પાટણ: ઉત્તર ગુજરાતમાં ઠાકોર જ્ઞાતિનું પ્રભુત્વ ધરાવતી પાટણ લોકસભા સીટ પર ઠાકોર જ્ઞાતિના જ બંને ઉમેદવારો સામસામે છે. કોંગ્રેસમાંથી ભૂતપૂર્વ સાંસદ જગદીશ ઠાકોરને ઉતાર્યા છે. તો ભાજપે ખેરાલુના ધારાસભ્ય ભરતસિંહ ડાભી ચૂંટણી મેદાને છે, જે ધારાસભ્ય હોવા છતાં પાટણમાં ખાસ કોઈ સંપર્ક ધરાવતા ન હોવાની છાપ વ્યાપક છે. ઉપરાંત અહીં તેઓ નવા નિશાળિયા છે. અહીં રોજગારીનો સવાલ સૌથી મોટો છે. બીજા નંબરે પાણી આવે છે. તો ખેડૂતો સિંચાઈનું પાણી ન મળતાં નારાજ છે. સુજલામ-સુફલામ યોજનાના પાણીથી તળાવો ન ભરતા લોકોના ઊભા પાક સૂકાઈ ગયા છે. સરકારની નીતિઓ સામે લોકોમાં રોષ છે ત્યારે જ્ઞાતિગત સમીકરણો કરતાં ઉમેદવારનો લોકો સાથેનો સંપર્ક આ બેઠક પર હાવી છે. અહીં જીત માટે લોકસંપર્ક જ નિર્ણાયક ભૂમિકા ભજવશે.

ભાજપના વર્તમાન સાંસદ લીલાધર વાઘેલાનું પત્તુ કપાવવાનું મુખ્ય કારણ તેમની નિષ્ક્રિયતા માનવામાં આવે છે. પોતાના કાર્યકાળ દરમિયાન કોઈ જ કામગીરી કરી નથી. 5 વર્ષ દરમિયાન વાઈબ્રન્ટમાં કરોડોના એમઓયુ થવા છતાં જિલ્લામાં કોઈ મોટો ઉદ્યોગ-ધંધો અપાવ્યો ન હોવાથી રોજગારીનું પ્રમાણ ચિંતાજનક છે. લોકસભા બેઠક અંતર્ગતના વિસ્તારમાં 500 લોકોને  ત્રણેય પાળીમાં રોજગારી આપી શકે તેવો એકેય ઉદ્યોગ-ધંધો 5 વર્ષના ગાળામાં લાવી શક્યા નથી.

સુજલામ-સુફલામ યોજના અંતર્ગત આ બેઠકમાં સમાવિષ્ઠ એવા રાધનપુર, સાંતલપુર, હારીજ-સમી, ચાણસ્મા, પાટણ, સિધ્ધપુર, વડગામ, ખેરાલુ, કાંકરેજમાં નર્મદાના નીરનો તળાવ ભરવાનું બંધ કરી દેવાયું છે. જેના પગલે સત્તા વિરોધી જુવાળ જોવાઈ રહ્યો છે. રાધનપુર પટ્ટામાં આવતા અને સરહદી વિસ્તાર એવા સાંતલપુર, રાધનપુરના ગામોમાં પીવાના પાણી પહોંચાડવા ટેન્કર રાજ આવી ગયા છે. સ્થિત વિકટ કહી શકાય તેવી છે. આવા વિસ્તારના ગામોને પાણીની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.

ભરતસિંહ સામે જગદીશ ઠાકોરની જીતની શક્યતા આઈબીએ વ્યક્ત કરી છે. રિપોર્ટ મુજબ 1 લાખથી વધારે મતથી જગદીશ ઠાકોર જીતશે એવો રિપોર્ટ છે. અલ્પેશના રાજીનામા બાદ તેમાં મામુલી ફર્ક પડે તેમ બની શકે. 

જમીની નેતા એવા જગદીશ ઠાકોરનું પલ્લું ભારે છે. જનસમર્થન માટે તેમનું સમાજ અને અન્ય જ્ઞાતિના લોકો સાથે સતત સાયુજ્ય જવાબદાર છે. તેમની જીતનું પ્રમાણ અલ્પેશના વિદ્રોહ બાદ 60-40 છે. જોકે, આ ચિત્ર મતદાન સુધીમાં કોંગ્રેસના પક્ષે વધુ સારું થઈ શકે છે. 

10મી એપ્રિલે ઠાકોર સેનાના અધ્યક્ષ અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાંથી રાજીનામું ધરી દીધું છે. તે લોકસભા બેઠકમાં સમાવિષ્ઠ રાધનપુર સીટથી ધારાસભ્ય છે. છતાં અલ્પેશ ઠાકોર જીતનાર ઉમેદવારની લીડમાં બહુ ફરક પાડી શકે તેમ નથી. અહીંના કોંગી ઉમેદવારની દરેક બેલ્ટમાં સારી એવી પકડ છે. તો ભાજપના સમર્પિત મતદારો ઉમેદવાર નહીં પણ મોદીને જીતાડવા રાતદિવસ એક કરી રહ્યા છે. અલ્પેશ ફેક્ટર અહીં ખાસ અસર પાડી શકે તેમ લાગતું નથી. 

કોંગ્રસના જગદીશ ઠાકોર 42 ઠાકોર સમાજના છે. પાટણ લોકસભા વિસ્તારમાં 42 ઠાકોર સમાજની વસ્તી વધારે છે. સમગ્ર સમાજ પર જગદીશ ઠાકોરના એક અવાજ પર બધા સમીકરણો ઠાકોર સમાજમાં સાઈડમાં રહી જાય છે. ચાણસ્મા વિધાનસભા વિસ્તારમાં સમાવિષ્ઠ હારીજ સમીના સમાજના દિલીપ ઠાકોર ચૂંટણીમાં ન હોવાથી સીધો ફાયદો જગદીશ ઠાકોરને મળતો દેખાય છે. જ્યારે ભરતસિંહ ડાભી પાલવી ઠાકોર છે. તેમને પક્ષના કાર્યકરો પણ બરાબર રીતે ઓળખતા નથી ઉપરાંત તેમને પેરાશૂટ કહેવામાં આવી રહ્યા છે. ભાજપે દિલીપ ઠાકોરને ઉતાર્યા હોત તો કાંટે કી ટક્કર જોવા મળત. જોકે, ભરતસિંહ ડાભીની ખેરાલુ વિસ્તારમાં સારી એવી પકડી છે.

દલિત મતદારોમાં બે ભાગ જોવા મળી રહ્યા છે મોટાભાગના કોંગ્રેસના સમર્થનમાં છે. 30 ટકા ભાજપના સમર્થનમાં છે. જ્યારે મુસ્લિમ સમાજના મતદારો કોંગ્રેસને સમર્પિત છે. પછી આવતો રબારી અને ભરવાડ જ્ઞાતિ કોંગ્રેસના સમર્થનમાં રહે છે.

લોકસભા બેઠકના પાટીદારો ગઈ વિધાનસભામાં ભાજપને હરાવવામાં નિર્ણાયક રહી હતી. આ વખતે ભાજપને હાર્દિક ફેક્ટર કેટલું નુકસાન પહોંચાડે છે તે પાટણ, સિધ્ધપુર,રાધનપુર, ખેરાલુ, વડગામ, કાંકરેજના પાટીદારો પર નિર્ભર કરે છે. જોકે હાર્દિકના દાવા મુજબ કોંગ્રેસને સમર્થન કરશે. જોકે હકીકત એવી છે કે પાટીદારો 50-50ના રેશિયા પર વિભાજિત થશે. અડધા ભાજપના સમર્થનમાં અને અડધા કોંગ્રેસના સમર્થનમાં છે. તો બ્રાહ્મણ શરૂઆત જ ભાજપનો સમર્પિત વોટબેંક છે.

અન્ય સમાચારો પણ છે...