ધરપકડ:શિવસેનાના વિધાનસભ્ય પાસે ખંડણી માગનાર ઝબ્બે

મુંબઈ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • હત્યા કેસમાં ભીનું સંકેલવા 5 લાખ માગ્યા હતા

ગુજરાતનો પોલીસ ઈન્સ્પેક્ટર છું એમ કહીને પોલીસ પાસેથી શિવસેનાના વિધાનસભ્યનો ફોન નંબર લઈને કોલ કરીને રૂ. 5 લાખની ખંડણી માગનારા મૂળ બીડના નિશાંત ઉર્ફે સની પરમાર (36)ની કુરાર પોલીસે ધરપકડ કરી છે. આરોપીની ઊલટતપાસમાં વેપારીઓ અને રાજકારણીઓ પાસેથી બ્લેકમેઈલ અથવા ખંડણીની માગણી માટે તેની સામે વિવિધ પોલીસ સ્ટેશનમાં 35 ગુના નોંધાયેલા છે એવું બહાર આવ્યું છે. 28 ઓક્ટોબરે પરમારે કુરાર પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો હતો. પીઆઈ મનોજ ચાળકેએ ફોન ઉપાડ્યો હતો. પરમારે પોતે સંજાણ પોલીસ સ્ટેશનનો પીઆઈ રમેશ સિંહ ચૌહાણ છે અને એક કેસની તપાસ માટે માહિતી જોઈએ છે એમ જણાવ્યું હતું.

એક આરોપીને શસ્ત્રો સાથે પકડ્યો છે, જેણે હત્યા કરી હોવાની કબૂલાત કરી છે. આરોપીએ શિવસેનાના વિધાનસભ્ય સુનિલ પ્રભુના કહેવાથી હત્યા કરી છે એવું કબૂલ કર્યું છે. આથી પ્રભુ જોડે વાત કરવી હોવાથી તેનો સંપર્ક નંબર અને ઠેકાણું આપવા પરમારે ચાળકેને વિનંતી કરી હતી. ચાળકેએ પ્રભુનો નંબર આપી દીધો હતો. આ પછી પરમારે પ્રભુને કોલ કરીને હત્યા કેસમાં બિનજરૂરી ત્રાસ ટાળવા માટે રૂ. 5 લાખ આપશે તો ભીનું સંકેલશે એમ જણાવ્યું હતું. પ્રભુએ પૈસા આપવાનો ઈનકાર કરતાં પરમારે જણાવ્યું કે અમે પગલાં લઈશું તો તમને આગામી મહાપાલિકાની ચૂંટણીમાં ભોગવવું પડશે.

આ પછી પ્રભુએ રૂ. 2 લાખ આપવાની તૈયારી બતાવી હતી અને નાણાં લેવા કોણ ક્યાં આવશે એવું પૂછ્યું હતું. પરમારે ગૂગલપે થકી પેમેન્ટ કરવા માટે કહ્યું હતું.દરમિયાન પ્રભુ કુરાર પોલીસમાં પહોંચ્યા હતા, જે દરમિયાન ચાળકેએ પણ શંકા જતાં તપાસ શરૂ કરી દીધી હતી. ચાળકેએ તે પછી સંજાણ પોલીસમાં ફોન કરીને રમેશ સિંહ ચૌહાણ નામે કોઈ પીઆઈ છે કે એવું પૂછ્યું હતું. જોકે આવી કોઈ જ વ્યક્તિ નહીં હોવાનું જણાતાં પરમાર વિરુદ્ધ ગુનો દાખલ કરી બીડમાં તેના ઘરેથી ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...