સારવાર:બોમ્બ નિષ્ક્રિય કરતા વિસ્ફોટમાં ઘાયલ પોલીસને નવજીવન મળ્યું

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જોકે સંપૂર્ણ સાજો થવામાં આ પોલીસ કર્મચારીને એક વર્ષ લાગશે

રાયગડ જિલ્લા પોલીસની બોમ્બ ડિટેકશન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડનો કર્મચારી આશીર્વાદ લાડગે (42) મહાડ ખાતે પોલીસ પરિસરમાં એક જિલેટિન બોમ્બ નિષ્ક્રિય બનાવવા સમયે તે અચાનક ફાટતાં ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેને બેભાનાવસ્થામાં એપોલો હોસ્પિટલ્સ, નવી મુંબઈમાં દાખલ કરાયો હતો. માર્ચના છેલ્લા સપ્તાહમાં આ દુર્ઘટના બની હતી.

વિસ્ફોટની તીવ્રતા એટલી ભયાનક હતી તે લાડગેને અનેક જખમ થયાં હતાં. ચહેરો, આંખ અને પેટમાં નાના- મોટા કણ ઘૂસી ગયા હતા. ડાબી આંખમાં એક મોટો પતરાનો ટુકડો ઘૂસવાથી મોતિયા અને આંખનો પડદો ફાટી ગયો હતો. જમણી પાંસળી તૂટી ગઈ હતી. આંતરડું અને યકૃતમાં જખમો થયાં હતાં. જમણા કાનમાં ત્રાસ થતો હતો અને પેટની બાજુમાં અનેક જખમ હતાં.

લાડગે પર અનેક શસ્ત્રક્રિયા કરવાનું જરૂરી હોવાથી નિષ્ણાત ડોક્ટરોએ એકત્ર આવીને તાકીદની યોજના ઘડી કાઢી હતી. આ પછી દર્દીને સર્વસામાન્ય જીવન ફરીથી જીવી શકે તે માટે ઉપચાર યોજના બનાવવામાં આવી. દર્દી ખાઈ શકે, ખાવાનું પચી શકે, દ્રષ્ટિ, શ્રવણ ક્ષમતા સુધરે અને જમણા હાથનું અપંગત્વ ઓછામાં ઓછું થાય તેવી બાબતોનો આમાં સમાવેશ થતો હતો.

દર્દીની 90 ટકા દ્રષ્ટિ પાછી લાવવામાં સફળતા મળી છે, પરંતુ ગંભીર આઘાત અને જખમોમાંથી સંપૂર્ણ સાજા થવા માટે શસ્ત્રક્રિયા પછી નિશ્ચિત ઉપચાર યોજના અમલમાં લાવવાનું આવશ્યક છે. તબીબી દ્રષ્ટિથી સંપૂર્ણ તંદુરસ્ત થઈને નોકરીમાં ફરીથી હાજર થવા માટે તેને લગભગ એક વર્ષ લાગશે.

જનરલ સર્જન ડો. શાલીન દુબે, ડો. ચરિતા પ્રધાન, એચપીબી એન્ડ લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ડો. વિક્રમ રાઉત, પ્લાસ્ટિક એન્ડ રિકન્સ્ટ્રક્ટિવ સર્જન ડો. ચારૂદત્ત ચૌધરી, નેત્ર નિષ્ણાત ડો. અભિષેક હોશિંગ અને ડો. મહેશ ઉપકરની ટીમ અહોરાત્ર ધ્યાન રાખી રહી છે, એમ રિજનલ સીઈઓ ડો. સંતોષ મરાઠેએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...