મનસે નેતા સંદીપ દેશપાંડે અને સંતોષ ધુરીને આગોતરા જામીન મળી ગયા છે. મહિલા પોલીસ અધિકારીને ધક્કો મારવાના મામલામાં મુંબઈ સેશન્સ કોર્ટે આ ચુકાદો આપ્યો છે. આથી સંદીપ દેશપાંડે અને સંતોષ ધુરી સાથે મનસેને પણ મોટી રાહત મળી છે.
દેશપાંડે અને ધુરી પર સરકારી કામમાં અવરોધ લાવવા માટે એક્ટ 353 હેઠળ આરોપ મૂકવામાં આવ્યો છે. પોલીસે કેસ દાખલ કર્યો ત્યારથી દેશપાંડે અને ધુરી અંડરગ્રાઉન્ડ થઈ ગયા હતા અને પોલીસ તેને પણ શોધી રહી હતી. દરમિયાન બંનેએ આગોતરા જામીન માટે મુંબઈ સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. બુધવારે બંને પક્ષોની દલીલો પૂર્ણ થઈ હતી. ત્યાર બાદ સેશન્સ કોર્ટે ગુરુવારે ચુકાદો આપ્યો હતો.
આ કેસમાં બંનેને આગોતરા જામીન મળી ગયા છે અને તેમની ધરપકડ કરવાની બાકી હતી. આથી આટલા દિવસોથી ફરાર સંદીપ દેશપાંડે અને સંતોષ ધુરી હવે મિડિયા સમક્ષ હાજર થઈ શકે છે.દેશપાંડે અને ધુરી ઇનોવા વાહનમાં નાસી ગયા હતા જ્યારે પોલીસે શિવતીર્થની સામેથી અટકાયત કરી હતી. આ દરમિયાન મહિલા પોલીસ કર્મચારી રોહિણી માળી નીચે પટકાઈ હતી. તે જ સમયે પી.આઈ. કાસારના પગ પરથી દેશપાંડે અને ધુરીનું વાહન પસાર થયું હતું.
આ કેસ શું છે?
મનસેએ થોડા દિવસો પહેલાં મસ્જિદોમાં લાઉસ્પીકરના અવાજ સામે આંદોલન કર્યું હતું. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને જાળવવા માટે પોલીસ દ્વારા મનસેના નેતાઓ અને પદાધિકારીઓની ધરપકડ કરવામાં આવી હતી. 4 મેના રોજ દેશપાંડે રાજ ઠાકરેના નિવાસસ્થાન શિવતીર્થની બહાર મિડિયા સાથે વાત કરી રહ્યા હતા ત્યારે પોલીસ તેમની ધરપકડ કરવા આવી હતી. દેશપાંડે અને ધુરીએ અમે આવીએ છીએ તેમ કહી મોકો મળતાં જ ભાગી ગયા હતા. બંનેની પાછળ પોલીસ દોડી હતી, પરંતુ દેશપાંડે અને ધુરી આ ધાંધલ વચ્ચે મહિલા પોલીસને ધક્કો મારીને ભાગી ગયાનો તેમની પર આરોપ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.