સંતાનના મૃત્યુ માટે સદોષ મનુષ્યવધનો આરોપ મૂકવામાં આવેલી 29 વર્ષીય મહિલાને થાણે કોર્ટે સજા સંભળાવી છે. જોકે મહિલા ઓગસ્ટ 2018થી જેલમાં જ હતી તેટલી જ મુદતની તેની સજા આપી છે.ભિવંડી તાલુકાના ધાપસીપાડાની રહેવાસી મહિલાને 9 એપ્રિલે કોર્ટે કસૂરવાર ઠરાવી હતી, જે ચુકાદાની નકલ શુક્રવારે પ્રાપ્ત થઈ હતી. થાણેના એડિશનલ સેશન્સ જજ આર વી તામ્હણેકરે આદેશમાં આરોપી કલ્પના નિલેશ ગાયકરને સદોષ મનુષ્યવધના ગુનામાં કસૂરવાર ઠરાવી હતી.
તેને 10 ઓગસ્ટ, 2018થી 30 મે, 2020 વચ્ચે જેટલી મુદત જેલમાં વિતાવી તેટલી જ સજા સંભળાવી હતી. ઉપરાંત તેને રૂ. 5000નો દંડ પણ કર્યો હતો. વધારાના સરકારી વકીલ એસ એચ મ્હાત્રે નુસાર આ ઘટના 8 ઓગસ્ટ, 2018ના રોજ બની હતી. મહિલાએ 6 મહિનાના બાળકને નાળામાં ડુબાડીને જીવ લીધો હતો. મહિલા હંમેશાં બીમાર રહેતી હતી અને બાળક સતત રડતું રહેતું હોવાથી ત્રાસીને માતાએ આ ઘોર કૃત્ય કર્યું હતું.
મહિલાના વકીલ સુનીલ લાસનેએ દયા માટે અરજી કરીને કહ્યું કે હજુ પણ મહિલાની પાછળ એક અને સાત વર્ષના બે સંતાનની દેખભાળ કરવાની જવાબદારી તેની પર જ છે. બીજી બાજુ ફરિયાદ પક્ષે મહિલાને ગુના માટે કાયદામાં કરર મહત્તમ સજા (10 વર્ષ) આપવાની માગણી કરી હતી.જજે આદેશમાં નિરીક્ષણ કર્યું કે ફરિયાદ પક્ષે મહિલા વિરુદ્ધ સદોષ મનુષ્યવધના ગુનાનો આરોપ સિદ્ધ કર્યો છે. જોકે આરોપી રીઢી ગુનેગાર છે અથવા અગાઉ પણ સજા થઈ છે એવા કોઈ પુરાવા નથી. આ સાથે તેનો પુરવાર થયેલો ગુનો પણ ગંભીર છે.
પોલીસની નોંધ અનુસાર તેની 10.08.2018ના રોજ ધરપકડ કરવામાં આવી હતી અને તેને વચગાળાના જામીન મળ્યા ત્યાં સુધી કસ્ટડીમાં હતી.જજ તામ્હાણેકરે નિરીક્ષણ કર્યું કે મહિલાએ સંતાનને ગુમાવ્યો છે. ભારતીય ફોજદારી સંહિતાની કલમ 304 ભાગ 2 અનુસાર જો આરોપ મૃત્યુ થશે એવી જાણ હોવા સાથે આવું કૃત્ય કરે, પરંતુ મૃત્યુ પેદા કરવાનો હેતુ નહીં હોય અથવા એવી શારીરિક ઈજા પહોંચાડે જેનાથી મૃત્યુ ઉદભવી શકે તેવા કિસ્સામાં 10 વર્ષ સુધી કેદ સાથે દંડ અથવા બંને થાય એવી જોગવાઈ છે.
જોકે આ કેસમાં આરોપી મૃત્યુ પામેલા બાળકની માતા છે. કારણ એક યા બીજું હોઈ શકે, પરંતુ એ વાસ્તવિકતા ભૂલી નહીં શકાય કે આરોપીએ તેનું સંતાન ગુમાવ્યું છે. આથી બંને તરફની દલીલો સાંભળ્યા પછી મને એવું લાગે છે કે આરોપીને વધુ કસ્ટડીની જરૂર નથી અને તેથી તેણે જે પણ સમય કસ્ટડીમાં વિતાવ્યો છે તેટલી જ સજા આપના ન્યાયના હેતુને પહોંચી વળી શકશે, એવું નિરીક્ષણ જજે કર્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.