ટેસ્ટ વધારવા સૂચના:મહારાષ્ટ્રમાં નવા કેસ ઘટી જવા સાથે ટેસ્ટિંગ દર પણ ઓછો થયો

મુંબઈ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કેન્દ્રીય આરોગ્ય સચિવે મહારાષ્ટ્રને પત્ર લખીને ટેસ્ટ તુરંત વધારવા સૂચના આપી

કોરોનાની બીજી લહેર અંકુશમાં આવી છે, પરંતુ ત્રીજી લહેરની સંભાવના હજુ પણ નકારવામાં આવી નથી. આવા સંજોગોમાં રોજના નવા કેસ ઓછા થતાં મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં કોવિડના ટેસ્ટ પણ ઓછા કરવામાં આવ્યા છે. આનાથી જોખમ ઊભું થઈ શકે છે એવો ઈશારો કેન્દ્રીય આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મત્રાલયના સચિવ રાજેશ ભૂષણે મહારાષ્ટ્ર સરકારને આપ્યો છે.

મહારાષ્ટ્રના આરોગ્ય વિભાગના વધારાના મુખ્ય સચિવ ડો. પ્રદીપ વ્યાસને તેમણે તુરંત તપાસ વધારવા માટે સૂચના આપી છે. પરીક્ષણ ઓછું થવાથી ચેપના ફેલાવાની અસલ સપાટી નક્કી કરવાનું અત્યંત મુશ્કેલ બની ગયું છે. ખાસ કરીને અમુક વિકસિત દેશોમાં કોવિડ રસીકરણની ઉચ્ચ સપાટી છતાં ચોથી અને પાંચમી લહેર આવી હોવાનું તાજેતરના સમયમાં જોવા મળી રહ્યું છે. આથી આ રોગનો અણધાર્યો અને ચેપી પ્રકાર જોતાં સતર્ક રહેવાનું ચાલુ રાખવું અત્યંત જરૂરી છે. આ ધ્યાનમાં લેતાં હમણાં સુધી લેવાયેલાં પગલાંમાંથી તે સારાં પરિણામ જોવા મળી રહ્યાં છે તે ફરીથી કથળી નહીં જવા જોઈએ, એમ મંગળવારે ભૂષણે લખેલા પત્રમાં જણાવ્યું છે.

મહારાષ્ટ્રમાં 22મી નવેમ્બરના પૂરા થયેલા સપ્તાહના રોજ રોજ સરેરાશ 97,502 પરીક્ષણ કરાતાં છે, જે 17-23 મે દરમિયાન 2,68,501 સરેરાશ રોજનાં પરીક્ષણોથી સાવ વિપરીત છે. તેમાંય અકોલા, અમરાવતી, બુલઢાણા, ધુળે, ગોંદિયા, હિંગોલી, નંદુરબાર અને વાશિમ, યવતમાળમાં તોડબ્લ્યુએચઓ દ્વારા સૂચિત કરતાં પણ દિવસનાં સરેરાશ પરીક્ષણો ચિંતાજનક રીતે ઓછાં છે.

ખાસ કરીને તાજેતરમાં લગ્નો, તહેવારની ઉજવણી, વેકેશન જેવા વિવિધ અવસરોને લીધે પ્રવાસમાં વધારો થયો છે, જે જોતાં ઉચ્ચ પરીક્ષણો જાળવી રાખવાનું મહત્ત્વપૂર્ણ છે. પરીક્ષણોમાં ઘટાડાથી સમુદાયમાં વાસ્તવમાં કેટલો ચેપ ફેલાયો છે તેનો અંદાજ કાઢવાનું મુશ્કેલ છે. ઉપરાંત શિયાળું બેસતાં અને અમુક રાજ્યોમાં પ્રદૂષણ વધતાં આઈએસઆઈ/ સારી (ઈન્ફ્લુએન્ઝા જેવો તાવ / તીવ્ર હઠીલો શ્વાસનો ચેપ) અને શ્વાસની સમસ્યાનાં લક્ષણો પર બારીકાઈથી ધ્યાન રાખવાનું, સમયસર દેખરેખ રાખીને નિયમિત પરીક્ષણો હાથ ધરવાનું અને હોટસ્પોટ વહેલા ઓળખીને કેસોનું ક્લસ્ટરિંગ કરવાનું મહત્ત્વપૂર્ણ છે, એમ પણ પત્રમાં જણાવ્યું છે.

મહારાષ્ટ્રમાં ક્યાં કેટલું પરીક્ષણ
મહારાષ્ટ્રમાં રિયલ ટાઈમ- પોલીમેરેઝ ચેઈન રિએકશન (આરટી- પીસીઆર) અને ટેસ્ટ પર મિલિયન (ટીપીએમ)માં ચિંતાજનક ઘટાડો થયો છે. 15- 21 નવેમ્બર વચ્ચે અહમદનગરમાં 57.71 ટકા, અકોલામાં 78.47 ટકા, અમરાવતીમાં 81.04, ઔરંગાબાદ 59.68, બીડ 40.59, ભંડારા 38.96, બુલઢાણા 52.12, ચંદ્રપુર 32.62, ધુળે 38.77, ગઢચિરોલી 28.85 ટકા પરીક્ષણ ઓછાં થયાં છે. ગોંદિયા 70.46, હિંદોલી 57.54, જલગામ 42.36, જાલના 95.07, કોલ્હાપુર 73.52, લાતુર 29.00, નાગપુર 82.70, નાંદેડ 88.15, નંદુરબાર 98.32, નાશિક 32.69, ઉસ્માનાબાદ 32.37, પરભણી 65.03 ટકા, રત્નાગિરિ 45.82 ટકા, સાંગલી 47.01, સાતારા 53.28, સિંધુદુર્ગ 73.81, સોલાપુર 25.07, વર્ધા 50.42 ટકા, વાશિમ 75.16 ટકા, યવતમાળ 82.74 ટકા પરીક્ષણ ઓછાં થયાં છે.

મુંબઈ અને આસપાસમાં પરીક્ષણ
મુંબઈમાં 59.07 ટકા, મુંબઈ ઉપનગર 63.56 ટકા, પાલઘર 80.38, પુણે 58.85, રાયગડ 56.45 ટકા , થાણે 48.78 ટકા પરીક્ષણો ઓછાં થયાં છે. ખાસ કરીને આમાંથી કેટલાક જિલ્લામાં બીજી લહેરમાં પરિસ્થિતિ વિકટ હતી. છતાં તે પરથી બોધ લેવાયો નથી તેવું આ પરથી સ્પષ્ટ થાય છે.

અન્ય સમાચારો પણ છે...