તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રશ્ન:રેમડેસિવિરના જથ્થા અંગે સાવધાની કેન્દ્રએ કેમ ન રાખી: હાઈ કોર્ટ

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જાહેર હિત અરજી પર રેમડેસિવિરની અછત અંગે ચિંતા વ્યક્ત કરી

રેમડેસિવિર ઈન્જેકશન દર્દીઓ માટે મહત્ત્વનું નીવડી રહ્યું છે ત્યારે કેન્દ્ર સરકારે તેનો પૂરતો પુરવઠો રાખવાની સાવધાની કેમ રાખી નહીં એવો પ્રશ્ન મુંબઈ હાઈ કોર્ટે કેન્દ્ર સરકારના વકીલોને પૂછ્યો છે. કોરોના સંબંધી વિવિધ જનહિત અરજીઓ પર મુંબઈ હાઈ કોર્ટે સુનાવણીમાં જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ ગિરીશ કુલકર્ણીની ખંડપીઠે રાજ્યમાં રેમડેસિવિર ઈન્જેકશનની અછત પર ચિંતા વ્યક્ત કરી છે. આ જ રીતે રેમડેસિવિરનાં ઈન્જેકશનની અછત બાબતે કેન્દ્ર અને રાજ્ય સરકાર સામે અમુક પ્રશ્નો ઉપસ્થિત કર્યા છે.

રેમડેસિવિર ઈન્જેકશન કોરોનાના દર્દીઓની ઈન્વેસ્ટિગેશનલ થેરપીમાં મહત્ત્વનાં છે, એમ કેન્દ્ર સરકારે 3 જુલાઈ, 2020ના પ્રોટોકોલમાં જાહેર કર્યું હતું. આ પછી કેન્દ્ર સરકારે તેનો પૂરતો પુરવઠો રાખવાની સાવધાની કેમ રાખી નહીં. આ ઈન્જેકશન કાંઈ અચાનક સામે આવ્યાં નથી. તો પછી અછત નહીં સર્જાય તેનું ધ્યાન કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કેમ રાખ્યું નહીં, એવો પ્રશ્ન હાઈ કોર્ટે કેન્દ્રના વકીલોને પૂછ્યો હતો.

પુણે અને અન્ય જિલ્લામાં અછત
કેન્દ્ર અને રાજ્ય સરકાર રેમડેસિવિરનો પુરવઠો થઈ રહ્યો છે એવો દાવો કરી રહી છે તે છતાં પુણે અને અન્ય જિલ્લાઓમાં રેમડેસિવિરની આજે પણ ભારે અછત છે, એવો દાવો અરજદારના વકીલ રાજેશ ઈનામદારે ખંડપીઠ સામે કર્યો હતો. ટોસિલિઝુમેબનો 4 મેથી પુરવઠો થયો નથી અને તે છતાં ડોક્ટર ટોસિલિઝુમેબ માટે ચિઠ્ઠી લખીને આપે છે અને તેને લીધે દર્દીઓના સંબંધીઓની દોડધામ થાય છે.

સેલિબ્રિટીઓને પુરવઠો કઈ રીતે મળે છે
બીજી બાજુ અમુક રાજકારણીઓ અને સેલિબ્રિટીઓ તેનો પુરવઠો કરતા હોવાનું દેખાય છે. તેમની પાસે આ ઈન્જેકશનો કઈ રીતે આવે છે. કોઈ તેમને ટ્વિટર પર વિનંતી કરે એટલે સંબંધિતોને અમુક કલાકમાં મળી જાય છે અને હોસ્પિટલમાં ઉપચાર લેતા દર્દીઓને ત્યાં આ મહત્ત્વની દવા મળતી નથી એવું ભયાવહ ચિત્ર મહારાષ્ટ્રનું છે. ઉપરાંત મુંબઈમાં અમુક હોસ્પિટલોએ દર્દીના કુટુંબીઓ માટે ગેટની બહાર ફલક લગાવ્યા છે કે અમારી પાસે રેમડેસિવિર ઉપલબ્ધ નથી. તમારી વ્યવસ્થા તમે જ કરો એમ પણ ઈનામદારે ધ્યાન દોરતાં જણાવ્યું હતું.

સમન્વયનો સ્પષ્ટ અભાવ
મહારાષ્ટ્રના મુખ્ય સચિવે 22 એપ્રિલના રોજ કેન્દ્ર સરકારના સંબંધિત સચિવને પત્ર લખીને રેમડેસિવિરની આયાત કરવા વિશે પરવાનગી માગી હતી. આ પછી 7 મેના રોજ ફરીથી મહારાષ્ટ્રએ પત્ર મોકલ્યો. આમ છતાં વિનંતી હજુ પ્રલંબિત હોવાનું દેખાય છે.

બીજી બાજુ આયાત માટે અરજી આવી તો તેની પર નિર્ણય લઈશું, એમ કેન્દ્ર સરકારે એફિડેવિટમાં જણાવ્યું છે. એટલે કે, સમન્વયનો સ્પષ્ટ અભાવ દેખાય છે, એમ ખંડપીઠે નોંધ કરી હતી. કેન્દ્ર અને રાજ્ય સરકારની આંકડાવારીમાં તફાવત હોય તો બંને સરકારોના પ્રતિનિધિઓએ સુનાવણી પૂર્વે એકત્ર બેસીને ચોક્કસ ચિત્ર રજૂ કરવું. અન્યથા કોર્ટનો પણ અમૂલ્ય સમય વેડફાય છે, એમ હાઈ કોર્ટે ઠપકો આપતાં જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...