રાજકારણ:ફડણવીસ મનસે પ્રમુખ રાજને મળતાં ગઠબંધનની ફરી ચર્ચાએ જોર પકડ્યું

મુંબઈ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બંને પરિવારો વચ્ચે રાજના નવા ઘર ‘શિવતીર્થ’ પર આશરે બે કલાક સુધી મુલાકાત ચાલી હતી

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી અને વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસ તેમનાં પત્ની અમૃતા મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ)ના પ્રમુખ રાજ ઠાકરેના નવા ઘર શિવતીર્થ પર મળવા ગયાં હતાં. બુધવારે બંને પરિવારો વચ્ચે લગભગ બે કલાક સુધી મુલાકાત ચાલી હતી.

આ બેઠક વ્યક્તિગત લાગી રહી છે, પરંતુ આગામી મહાપાલિકાની ચૂંટણી અને અન્ય ચૂંટણીઓમાં ભાજપ અને એમએનએસના ગઠબંધનના સમાચારે ફરી એક વાર જોર પકડ્યું છે.આ પહેલાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ અને રાજ ઠાકરેની મુલાકાત બાદ મનસે-ભાજપ ગઠબંધનને લઈને ઘણી ચર્ચા થઈ હતી. જોકે ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે કેટલાક મુદ્દાઓ પર મતભેદને કારણે જોડાણની વાતચીત સ્થગિત કરવામાં આવી છે. નવેમ્બરની શરૂઆતમાં કોરોનાને હરાવીને રાજ ઠાકરે દિવાળીના દિવસે તેમના નવા ઘરમાં શિફ્ટ થયા હતા. રાજ ઠાકરેએ દાદર શિવાજી પાર્કમાં તેમના જૂના ઘર કૃષ્ણકુંજ પાસે નવું ઘર શિવતીર્થ બનાવ્યું છે.

ભાજપના ધારાસભ્ય આશિષ શેલાર પણ દિવાળી પર રાજ ઠાકરેને મળ્યા હતા. આ પહેલાં ચંદ્રકાંત પાટીલ અને રાજ ઠાકરે નાશિકમાં મળ્યા હતા. મનસે- ભાજપ ગઠબંધન છેલ્લા બે-ત્રણ મહિનાથી ચર્ચામાં છે. હવે ફડણવીસ રાજ ઠાકરેના ઘરે પહોંચી ગયા છે ત્યારે ચર્ચા વધુ તેજ બને તે સ્વાભાવિક છે.

2019માં શિવસેના અને ભાજપનું 30 વર્ષ જૂનું ગઠબંધન તૂટી ગયું હતું. શિવસેના છોડ્યા બાદ ભાજપ નવા સહયોગીઓ સાથે ગઠબંધનનો વિકલ્પ શોધી રહ્યો છે. આવી સ્થિતિમાં ફડણવીસ અને રાજ ઠાકરેની બેઠક ફરીથી ગઠબંધનની હવાને મજબૂત બનાવી શકે છે. આ જોડાણનો પહેલો અખતરો મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં થઈ શકે છે.

ભાજપ એક એવી પાર્ટી છે જે હિન્દુત્વની વિચારધારામાં વિશ્વાસ રાખે છે. આ મનસેનો મૂળ મંત્ર પણ છે. રાજકારણમાં કશું જ અશક્ય નથી તેથી ભવિષ્યમાં બંને પક્ષો વચ્ચે ગઠબંધન થવાની શક્યતા નકારી શકાય તેમ નથી.

અન્ય સમાચારો પણ છે...