હલ્લાબોલ:ગોસાવી અને ભાનુશાલીનો એનસીબી સાથે શું સંબંધઃ રાષ્ટ્રવાદીનો ભાજપ પર હલ્લાબોલ

મુંબઈ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાનુશાલી ભાજપના પદાધિકારી છે, જ્યારે આર્યન સાથે સેલ્ફી લેનાર ગોસાવી સામે ઠગાઈના કેસ
  • 21 સપ્ટેમ્બરે ભાનુશાલી ગુજરાતના મંત્રીઓને મળ્યો તે જ દિવસે અદાણી પોર્ટ પરથી ડ્રગ્સ કઈ રીતે મળ્યું શાહરુખ ખાન ટાર્ગેટ છે એવી વાત એક મહિના પૂર્વે જ બહાર આવી હતી

મહાવિકાસ આઘાડીના મંત્રી નવાબ મલિકે કોર્ડેલિયા ક્રુઝ પર નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી)ના દરોડા સામે ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે એનસીબીની કાર્યવાહી સમયે હાજર ભાજપને નેતાને લઈને પણ સવાલો ઉપસ્થિત કર્યા છે. એનસીબીએ ખોટી કાર્યવાહી કરીને લોકોને ગેરમાર્ગે દોર્યા છે એવો આરોપ પણ કર્યો છે.

દરોડા બાદ શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનની ધરપકડ પછી આર્યન સાથે સેલ્ફીમાં દેખાયેલો કે પી ગોસાવી અને આર્યનની ધરપકડમાં સામેલ મનીષ ભાનુશાલીને એનસીબી સાથે શું સંબંધ છે? એમ નવાબ મલિકે બુધવારે પત્રકાર પરિષદમાં ગંભીર આરોપ કરતાં જણાવ્યું હતું. શું એનડીપીએસ કાયદો ભાજપના હાથમાં છે?

આગામી ટાર્ગેટ શાહરુખ ખાન છે એવું એક મહિના પૂર્વે જ રિપોર્ટરોને જણાવવામાં આવ્યું હતું. પત્રકારોને આ ઓફર ધ રેકોર્ડ માહિતી આપવામાં આવી હતી. પત્રકારોએ જ હવે આગળ આવીને કહેવું જોઈએ, જેથી આ પ્રકરણ કઈ રીતે બોગસ છે તે બહાર આવે, એવો દાવો પણ મલિકે કર્યો હતો.

એનસીબીએ આર્યન ખાનની ધરપકડ કર્યા પછી આર્યન સાથે જે વ્યક્તિનો ફોટો વાઈરલ થયો હતો તે કે પી ગોસાવી એનસીબીનો અધિકારી નથી તેમ જ અરબાઝ મર્ચન્ટની ધરપકડ કરનાર મનીષ ભાનુશાલી ભાજપનો ઉપાધ્યક્ષ છે અને એનસીબીનો અધિકારી નથી. એનસીબીએ આનો જવાબ આપવો જોઈએ, એમ મલિકે જણાવ્યું હતું.3 ઓક્ટોબરની કાર્યવાહી બાદ એનસીબીએ જ પત્રકારોને કાર્યવાહીનો વિડિયો શેર કર્યો હતો. વિડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે પ્રાઈવેટ વ્યક્તિઓ દ્વારા આર્યન અને તેના મિત્ર અરબાઝની ધરપકડ કરવામાં આવી રહી છે.

ધરપકડ બાદ કે. પી. ગોસાવીએ આર્યન ખાન સાથે સેલ્ફી લીધી હતી. આ સેલ્ફી વાઈરલ થઈ હતી. આ પછી એનસીબીએ ટ્વિટ કરીને કહ્યું કે ત્યાં કોઈ કે. પી. ગોસાવીએ અધિકારીઓ નથી. કે.પી. ગોસાવી પર પુણેમાં છેતરપિંડીનો આરોપ છે. તે પોતાના ફેસબુક પર ખાનગી જાસૂસ હોવાની વાત મૂકે છે. એનસીબી સાથે કેપી ગોસાવીનો શું સંબંધ છે? નવાબ મલિકે એવી પણ માગણી કરી હતી કે આ હવે સામે આવવું જોઈએ.

ગુજરાતમાં પકડાયેલા ડ્રગ્સ સાથે કનેકશન : હાલમાં કે.પી. ગોસાવી અને ભાનુશાલીની ફેસબુક પ્રોફાઇલ લોક છે. પરંતુ અમે ભાનુશાલીની હિલચાલ પણ શોધી કાઢી છે, એમ નવાબ મલિકે જણાવ્યું હતું. ભાનુશાલી 21 અને 22 સપ્ટેમ્બરના રોજ ગુજરાતના કેટલાક મંત્રીઓને મળ્યો હતો. 21 સપ્ટેમ્બરે અદાણી પોર્ટ પર અફઘાનિસ્તાનથી હજારો કરોડનું ડ્રગ્સ મળી આવ્યું હતું. તે પછી, 28મી તારીખે, ભાનુશાલી ફરી એક વાર ગુજરાતના મંત્રાલયમાં ગયો અને રાણા નામના મંત્રીને મળ્યો હતો.

3 ઓક્ટોબરે મુંબઈમાં ભાનુશાલી એ જ ઓપરેશનમાં કેવી રીતે સામેલ થયો? મનીષ ભાનુશાલી ગુજરાતના અદાણી પોર્ટ પર મળી આવેલા ડ્રગ્સ સાથે શું સંબંધ છે? વળી, ભાનુશાલી કેવી રીતે ભાજપના ઉપાધ્યક્ષ છે? એનસીબી અને ભાજપે જવાબ આપવો જોઈએ, એમ નવાબ મલિકે જણાવ્યું હતું.

એનસીબી ત્વરિત પ્રસિદ્ધિ મેળવવા માગે છે : છેલ્લા 36 વર્ષમાં, આ કેન્દ્રીય વ્યવસ્થાએ સારી રીતે કામ કર્યું છે. આ સિસ્ટમ દ્વારા ઘણા મોટા રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. પરંતુ હવે એનસીબી ભાજપના ઈશારા પર કાર્યવાહી કરી રહી છે? એવો આક્ષેપ નવાબ મલિકે કર્યો હતો.

ભાનુશાલીની તસવીર મોદી, શાહ, નડ્ડા સાથે
ઉપરાંત, અરબાઝ મર્ચન્ટની ધરપકડ કરનાર મનીષ ભાનુશાલી તેના ફેસબુક એકાઉન્ટ મુજબ ભાજપના ઉપાધ્યક્ષ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, પૂર્વ મુખ્યમંત્રી અમિત શાહ અને ભાજપના અન્ય મુખ્ય નેતાઓ સાથે તેની તસવીરો છે. આ વ્યક્તિ કોણ છે તે એનસીબી દ્વારા આ અંગે સ્પષ્ટતા કરવી જોઈએ.

ક્રુઝ પરના ફોટો બાબતે પણ વિવાદ
ક્રુઝ પર મળેલી ડ્રગ્સના ફોટા એનસીબીની મુંબઈ પ્રાંત કચેરીમાં લેવામાં આવ્યા છે. એનડીપીએસ એક્ટ મુજબ જે સ્થળે ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યાં હતાં ત્યાં પંચનામા થવું જોઈએ. તો ક્રુઝ પર ડ્રગ મળી આવ્યા બાદ તેના ફોટો કે વિડિયો એક જ જગ્યાએ કેમ લેવામાં આવ્યા નહોતા? એવો સવાલ નવાબ મલિકે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...