રાહત:પુણેમાં જમીન ગોટાળામાં ખડસેને ધરપકડથી અઠવાડિયાની રાહત

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મુંબઈ હાઈ કોર્ટે આ માજી મંત્રી અંગે ઈડીને આદેશ આપ્યો

પુણે જિલ્લાના ભોસરી એમઆઈડીસી ખાતે જમીન ગોટાળા પ્રકરણમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસના નેતા એકનાથ ખડસેની એક અઠવાડિયા સુધી ધરપકડ નહીં કરવાનો આદેશ મુંબઈ હાઈ કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ને ગુરુવારે આપ્યો હતો.હાઈ કોર્ટે રાહત આપતાં જણાવ્યું કે ખડસેએ વિશેષ પીએમએલએ કોર્ટમાં ત્યાં સુધીમાં જામીન માટે અરજી કરવાની રહેશે. અગાઉ ઈડી વતી એડિશનલ સોલિસિટર જનરલ અનિલ સિંહે કોર્ટને જણાવ્યું કે ખડસેએ ટ્રાયલ કોર્ટ સામે નિયમિત જામીન અરજી કરવી જોઈએ, જેને હાઈ કોર્ટે માન્ય રાખ્યું હતું.

દરમિયાન ખડસેનાં પત્ની મંદાકિની ઈડીના સમન્સને માન આપીને મંગળવારે દક્ષિણ મુંબઈ સ્થિત ઈડીની ઓફિસમાં પહોંચ્યાં હતાં. તેઓ પોતાના વકીલ મોહન તલવાર સાથે ગયાં હતાં. કોર્ટે તેમને આગમી આદેશ સુધી મંગળવાર અને શુક્રવારે ઈડી સમક્ષ હાજર થવા આદેશ આપ્યો છે. આ મુજબ તેઓ ઈડી ઓફિસમાં પહોંચ્યાં હતાં, જ્યાં તેમનું નિવેદન નોંધવામાં આવ્યું હતું.મંદાકિની દ્વારા ગયા અઠવાડિયામાં સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરવામાં આવી હતી. 12 ઓક્ટોબરે તેમની અરજી ફગાવી દેવામાં આવી હતી.

બીજી બાજુ એકનાથ ખડસે નાદુરસ્ત તબિયતને લીધે હોસ્પિટલમાં હોવાથી તેમને 21 ઓક્ટોબર સુધી કોર્ટે દિલાસો મળ્યો હતો.ગયા મહિના આ પ્રકરણે ઈડીએ 1000થી વધુ પાનાંની ચાર્જશીટ દાખલ કરી હતી. તેમાં એકનાથ ખડસે, મંદાકિની, તેમના જમાઈ ગિરીશ ચૌધરી સહિત ત્રણ કંપનીઓનાં પણ નામ નોંધાયાં છે. આ બધા સામે મની લોન્ડરિંગનો આરોપ છે.

ભોસરી જમીન ગોટાળો શું છે : ભાજપ સરકારમાં ખડસે મહેસૂલ મત્રી હતા ત્યારે પુણેના ભોસલી ખાતે 3.1 એકર એમઆઈડીસીની જગ્યા ખરીદી કરવા માટે પોતાનો પદનો દુરુપયોગ કર્યો હોવાનો આરોપ 2016માં કરવામાં આવ્યો હતો. રૂ. 31 કરોડની આ જગ્યા ફક્ત રૂ. 3.7 કરોડમાં વેચાતી લેવામાં આવી હોવાનો દાવો કરાયો હતો. રેડી રેકનર દર કરતાં બહુ ઓછું બજારમૂલ્ય બતાવીને આ જમીન ખરીદી કરવામાં આવી હોવાનો આરોપ કરવામાં આવ્યો હતો. આ જગ્યા અબ્બાસ ઉકાનીની માલિકીની હતી. તેમની પાસેથી એમઆઈડીસીએ 1971માં તે હસ્તક લીધી હતી, પરંતુ ઉકાનીને નુકસાન ભરપાઈ આપવાનો મામલો કોર્ટમાં છે.

ઈડીને સહયોગ કરવા તૈયાર
અગાઉ ઈડી દ્વારા ખડસેની 9 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. આ પછી ખડસેના વકીલોએ જણાવ્યું કે ખડસે ઈડીને સર્વ સહાય કરવા તૈયાર છે. પૂછપરછ સમયે અમે સંપૂર્ણ સહયોગ આપ્યો છે. તપાસમાં સંપત્તિ અંગે સંપૂર્ણ તપાસ કરવામાં આવી છે. ઈડીએ નિવેદનોની વિશ્વસનીયતા તપાસી છે. ઉપરાંત ઈડીને જે દસ્તાવેજ જોઈતા હતા તે બધા આપ્યા છે. ઈડીને જ્યારે જરૂર પડશે ત્યારે ખડસે સહયોગ આપવા તૈયાર છે, એમ પણ તેમના વકીલોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...