સુનાવણી:મલિકે જાહેર કરેલા વાનખેડેના સર્ટિમાં ચેડાં છે: હાઈ કોર્ટનો ઠપકો

મુંબઇ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તમારે વધુ કાળજી લેવી જોઈએ એમ પણ મુંબઈ હાઈકોર્ટે જણાવ્યું

એનસીબીના અધિકારી સમીર વાનખેડેનું બર્થ સર્ટિફિકેટ અપલોડ કરતી વખતે તમારે યોગ્ય કાળજી લેવી જોઈતી હતી એમ મુંબઈ હાઈ કોર્ટે શુક્રવારે અલ્પસંખ્યાક મંત્રી નવાબ મલિકને જણાવ્યું હતું. હું પ્રથમ દિવસથી જ કહી રહ્યો છું. સર્ટિફિકેટમાં ફક્ત સમીર નામ અપ્પર કેસમાં લખયું છે. શું મહાપાલિકાના અધિકારી સર્ટિફિકેટમાં નામ આ રીતે લખે છે એવો પ્રશ્ન વાનખેડેના પિતા જ્ઞાનદેવ દ્વારા દાખલ કરાયેલા બદનક્ષીના દાવામાં જસ્ટિસ માધવ જામદારે કર્યો હતો. મલિક વિધાનસભ્ય અને રાષ્ટ્રીય પક્ષના પ્રવક્તા છે. આથી તમારે વધુ ધ્યાન રાખવું જોઈએ, એમ કોર્ટે મલિક વતી હાજર વકીલને જણાવ્યું હતું.

જજે આ સાથે આ કેસનો ચુકાદો અનામત રાખ્યો છે. જ્ઞાનદેવ વાનખેડેએ મલિકને તેમની અને તેમના પરિવાર સામે સોશિયલ મિડિયા પર બદનક્ષીભર્યાં નિવેદનો કરવાથી રોકવા માટે અરજી કરી છે. મલિકના વધારાના જવાબમાં જણાવવામાં આવ્યું હતું કે તેમણે સમીર વાનખેડેનું સર્ટિફિકેટ અને તેના પ્રથમ નિકાહનામાના દસ્તાવેજો બરોબર તપાસ્યા હતા. વાનખેડેએ જવાબમાં 28 દસ્તાવેજો જોડ્યા હતા, જે બધામાં તેમનું નામ જ્ઞાનદેવ જ છે અને દાઉદ નહીં. દસ્તાવેજોમાં સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટ, જાતિનું સર્ટિફિકેટ, પાસપોર્ટ, આધાર કાર્ડ, પેન અને ઈલેક્શન કાર્ડ અને તેમના પુત્ર અને પુત્રીના દસ્તાવેજો પણ જોડ્યા છે. જ્ઞાનદેવે કહ્યું કે તેમની પત્ની મુસ્લિમ હતી અને હિંદુને પરણ્યા પછી ધર્મપરિવર્તન કર્યું હતું, જે દસ્તાવેજો પણ જોડવામાં આવ્યા હતા.

વાનખેડેના વકીલ અર્શદ શેખે જણાવ્યું કે સમીરનું મૂળ બર્થ સર્ટિફિકેટ સ્કૂલમાં સુપરત કરાયું છે અને મલિકે રજૂ કરેલા સર્ટિફિકેટમાં દાઉદ નામ જ્ઞાન તરીકે સુધારવામાં આવ્યું છે. મલિકના જમાઈની ધરપકડને લીધે તેમણે પુરાવા વિના સમીર અને તેમના પરિવાર પર આરોપ કર્યા છે. કેસ દાખલ કરવા છતાં મલિકે ટ્વીટ કરવાનું અને દબાણ બનાવી રાખવાનું ચાલુ રાખ્યું છે.

મલિકે ભૂતકાળમાં અણ્ણા હજારેને પણ આ રીતે જ લક્ષ્ય બનાવ્યા હતા અને હાલમાં ભૂતપૂર્વ મુખ્ય મંત્રી અને તેમની પત્નીને પણ લક્ષ્ય બનાવ્યા રહ્યા છે, એમ પણ શેખે કોર્ટને જણાવ્યું હતું. મલિક વતી વરિષ્ઠ વકીલ અતુલ દામલેએ જણાવ્યું કે વાનખેડેએ મૂળ બર્થ સર્ટિફિકેટની ઝેરોક્સ કોપી રજૂ કરી નથી.

જજે શું કહ્યું
જજે કહ્યું કે મલિકે રજૂ કરેલા સર્ટિફિકેટમાં ચેડાં હોય તેમ જણાય છે. આથી તેનું વેરિફિકેશન અત્યંત મહત્ત્વપૂ ર્ણ છે. સુપ્રીમ કોર્ટે નોંધ કરી છે કે ગોપનીયતાનો અધિકાર આર્ટિકલ 21 (જીવનનો અધિકાર)નો હિસ્સો છે અને તે સૈદ્ધાંતિક અધિકાર છે. જજે પૂછ્યું કે શું સર્ટિફિકેટમાં ચેડાં હોવાની વાતે તમે કબૂલ કરો છો. દામલેએ જવાબ આપ્યો કે ફક્ત સમીર નામ કેપિટલ લેટરમાં છે. જજે કહ્યું, ઉપરાંત સર્ટિફિકેટ પર હેન્ડરાઈટિંગ પણ અલગ છે.

આમ આદમી અને મંત્રી
મંત્રી કરતાં આમ આદમી દ્વારા વેરિફિકેશન અલગ છે. મંત્રીને દસ્તાવેજો આસાનીથી મળી શકે છે, જ્યારે આમ આદમીને આરટીઆઈ અરજી, અપીલ, બીજી અપીલ કરવી પડે છે. જો દસ્તાવેજમાં ચેડાં હોય તો તમારે યોગ્ય કાળજી લેવાની જરૂર હતી કે નહીં? દસ્તાવેજમાં ચેડાં છે ત્યારે તે માટે તમે શું કાળજી લીધી હતી, એમ જજે પૂછ્યું હતું. દામલેએ જણાવ્યું કે આ મહાપાલિકા પાસેથી મળ્યું હોવાથી મારી અસીલે પોસ્ટ કર્યું હતું અને તે અસલી હોવાનું વિચાર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...