વિવાદ:વાનખેડે જન્મથી જ મુસ્લિમ છે ,મલિકે કોર્ટમાં દસ્તાવેજ રજૂ કર્યા

મુંબઈ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાનખેડેના વકીલે કહ્યું મંત્રીએ સત્તાનો દુરુપયોગ કરીને અધુરા દસ્તાવેજો રજૂ ર્ક્યાં

મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી નવાબ મલિકે પોતાના વિરુદ્ધ એનસીબીના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેના પિતા દ્વારા દાખલ કરવામાં આવેલા માનહાનિના દાવામાં પોતે કરેલા આરોપોને સમર્થન આપવા વધારાના દસ્તાવેજો સાથે બોમ્બે હાઈકોર્ટનો સંપર્ક કર્યો છે.

મલિકે બુધવારે દાખલ કરેલ નવીનતમ એફિડેવિટમાં સમીર વાનખેડેનું શાળા પ્રવેશ ફોર્મ અને પ્રાથમિક શાળા છોડવાના પ્રમાણપત્રનો સમાવેશ થાય છે, જ્યાં તે “મુસ્લિમ’ હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મલિકે આરોપ લગાવ્યો છે કે જન્મથી મુસ્લિમ હોવા છતાં સમીર વાનખેડેએ અનુસૂચિત જાતિના હોવાનો દાવો કરીને કેન્દ્ર સરકારની નોકરી મેળવી હતી.મલિકના વકીલોએ જસ્ટિસ માધવ જામદાર સમક્ષ આ બાબતનો ઉલ્લેખ કર્યો હતો, જેઓ આ મામલાની સુનાવણી કરવા સંમત થયા છે. આ કેસ ગુરૂવારે બપોરે 2.15 વાગ્યે ઇન-ચેમ્બર સુનાવણી માટે સૂચિબદ્ધ થવાની સંભાવના છે.

બીજી તરફ સમીર વાનખેડેના એડવોકેટ દિવાકર રોયે “દિવ્ય ભાસ્કર’ને જણાવ્યું હતું કે, મલીક કોર્ટને અધુરી માહિતી આપી રહ્યા છે. શરૂઆતમાં જે ભૂલ હતી તેને 1993માં એટલે કે સમીર વાનખેડે એ સમયે પુખ્ત ઉમરનો નહોતો ત્યારે જે તે સરકારી તંત્રમાં સુધારી લેવામાં આવી હતી. એ પહેલાં સમીર વાનખેડેની સ્કૂલમાં 1989માં અટક અને જાતિની ક્ષતિ નિયમાનુસાર સુધારી લેવામાં આવી હતી. અમે આ તમામ બાબતો હાઇકોર્ટમાં દસ્તાવેજી પુરાવા સાથે જણાવી છે, આમ છતાં સરકારી મશીનરીનો દુરુપયોગ કરીને ગમે તેવા કાગળો લઇ કોર્ટમાં રજૂ કરે છે. સામાન્ય જનતાને જે દસ્તાવેજો મેળવવામાં દિવસો વીતી જાય છે, પરંતુ મંત્રી આ બધુ હોદ્દાનો દુરુપયોગ કરીને કરી રહ્યા છે. મારી જાણ મુજબ તેમણે ફાઈલ કરેલા કાગળો કોર્ટે રેકોર્ડ પર લીધા નથી. સમીર વાનખેડેના પિતા એક સરકારી નોકરીયાત રહ્યા છે, અને તેમાં તેનું નામ ધ્યાનદેવ કચુરજી વાનખેડે છે, એમ રોયે જણાવ્યું હતું.

શુક્રવારે જસ્ટિસ જામદારે વાનખેડેના પિતા ધ્યાનદેવની 1.25 કરોડ રૂપિયાના માનહાનીના દાવાના કેસમાં વચગાળાની રાહત માટેની અરજીને અનામત રાખી હતી જેથી આ કેસના નિકાલ સુધી વાનખેડે વિરુદ્ધ વધુ બદનક્ષીભર્યા નિવેદનો પોસ્ટ કરવાથી રોકી શકાય.

અન્ય સમાચારો પણ છે...