આક્ષેપ:વાનખેડેએ પૂર્વ પત્નીના સંબંધીને ડ્રગ્સ કેસમાં ફસાવી દીધોઃ મલિક

મુંબઈ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અનિલ દેશમુખને કેન્દ્રીય એજન્સીએ જ ફસાવ્યા છે

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી)ના મુંબઈના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે પર અલ્પસંખ્યાક મંત્રી નવાબ મલિકે નવો આરોપ કર્યો છે. વાનખેડેએ ભૂતપૂર્વ પત્નીનો પરિવાર તેમની વિરુદ્ધ બોલે નહીં તે માટે દબાણ લાવવા ભૂતપૂર્વ પત્નીના સંબંધીને ડ્રગ્સ કેસમાં ફસાવ્યો હતો, એવો આરોપ ગુરુવારે મલિકે કર્યો હતો.

ઉપરાંત વાનખેડેએ એક આઈપીએસ અધિકારીના પરિવાર સાથે વિખવાદને લઈને તે પરિવારના પુત્રને પણ ડ્રગ્સ કેસમાં ફસાવ્યો હતો અને ત્યાર બાદ તેની ધરપકડ કરી હતી. ઉપરાંત મલિકે પોતાના પક્ષના સાથી અને રાજ્યના ભૂતપૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખને પણ કેન્દ્રીય એજન્સીઓ દ્વારા સત્તાનો દુરુપયોગ કરીને ફસાવ્યા હોવાનો આરોપ કર્યો હતો.

બુધવારે રાષ્ટ્રવાદીના પ્રમુખ શરદ પવારે જણાવ્યું હતું કે હાલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં રહેલા દેશમુખ પર કેન્દ્રીય એજન્સીએ અન્યાય કર્યો છે. દરમિયાન મલિકે ગુરુવારે જણાવ્યું કે વાનખેડેને લાગ્યું કે તેમની પહેલી પત્ની તેમની વિરુદ્ધ બોલશે. આથી એક ડ્રગ્સ તસ્કર થકી વાનખેડેએ ભૂતપૂર્વ પત્નીના સંબંધીને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની એન્ટી નાર્કોટિક્સ સેલ થકી ખોટા ડ્રગ્સ કેસમાં ધરપકડ કરાવી છે.

આઈઆરએસ અધિકારી વાનખેડેએ 2016માં પહેલી પત્ની શબાના કુરેશી સાથે છૂટાછેડા લીધા હતા, જે પછી 2017માં તેઓ અભિનેત્રી ક્રાંતિ રેડકર સાથે પરણ્યા હતા. મલિકે આરોપ કર્યો કે વાનખેડેએ ભૂતપૂર્વ પત્નીના પરિવારને ધમકાવ્યો હતો કે જો તેઓ વાનખેડે વિરુદ્ધ બોલશે તો આખા પરિવારને ડ્રગ્સના તસ્કરો તરીકે ગણાવીને ધરપકડ કરવામાં આવશે.

નોંધનીય છે કે 2 ઓક્ટોબરે વાનખેડેની આગેવાનીમાં એનસીબીની ટીમે કોર્ડેલિયા ક્રુઝ પર દરોડા પાડીને અભિનેતા શાહરુખ ખાનના પુત્ર આર્યન અને અન્ય 19 જણની ધરપકડ કરી ત્યારથી મલિક વાનખેડે પર સતત આરોપ કરી રહ્યા છે. કેસમાં આર્યન સહિત અમુક આરોપીઓ જામીન પર છૂટી ગયા છે.રાષ્ટ્રવાદીના પ્રવક્તા મલિકે એવો પણ આરોપ કર્યો છે કે વાનખેડે ડ્રગ્સ કેસમાં લોકોને ખોટી રીતે ફસાવે છે અને બોગસ દસ્તાવેજોને આધારે સરકારી નોકરી મેળવી છે.

અન્ય સમાચારો પણ છે...