તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:MPSCના ઉમેદવારની આત્મહત્યા પ્રકરણના વિધાનસભામાં ઉગ્ર પડઘા

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવા મુદ્દે અને વિપક્ષના વિરોધ બાદ સરકારે 31 જુલાઈ સુધી પદ ભરવાની ખાતરી આપી

રાજ્ય વિધાનમંડળનું બે દિવસનું ચોમાસુ સત્ર સોમવારે શરૂ થયું તેના પહેલા જ દિવસે એમપીએસસીના ઉમેદવારે કરેલી આત્મહત્યા અને સત્રની ટૂંકી મુદતના મામલે વિરોધી પક્ષ દ્વારા રાજ્ય સરકારને લક્ષ્ય બનાવવામાં આવી હતી. આખરે 31 જુલાઈ સુધી એમપીએસસીનાં ખાલી પદ ભરવાની ખાતરી સરકારે આપી હતી.

વિધાનસભામાં ગૃહનું કામકાજ શરૂ થતાં જ વિરોધી પક્ષ નેતા દેવેન્દ્ર ફડણવીસે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે સર્વ ધારાનાં આયુધોનો ઉપયોગ કરવા સભ્યોને પરવાનગી મળે અને બધા પ્રશ્નોનો ઉત્તરો મળે એવી માગણી કરી હતી. ચોમાસુ સત્ર ટૂંકાવવાને લીધે સભ્યો દ્વારા સુપરત કરાયેલા પ્રશ્નો પડતા મુકાય અને ધારાનાં આયુધો થીજી જાય એવું ક્યારેય બન્યું નથી.

ભાજપના નેતા સુધીર મુનગંટીવાર બોલવા માટે ઊભા થયા ત્યારે શિવસેનાના સભ્ય ભાસ્કર જાધવે વાંધો ઉઠાવીને પોતે બોલવા માગે છે એમ જણાવ્યું હતું. આથી ક્રોધિત મુનગંટીવારે અમુક ટિપ્પણી કરી હતી, જેની સામે કોંગ્રેસના નાના પટોલે અને રાષ્ટ્રવાદીના નવાબ મલિકે વાંધો ઉઠાવ્યો હતો.

આ પછી શાસક પક્ષના સભ્યોએ મુનગંટીવારની ટિપ્પણી કામકાજમાંથી હટાવવાની માગણી કરી હતી. ડેપ્યુટી સ્પીકર નરહરી ઝિરવાલે ટિપ્પણીઓ કાઢી નાખી હતી.આ પછી જાધવે જણાવ્યું કે ફડણવીસે પોઈન્ટ ઓફ પ્રોસીજર થકી માહિતી આપી તે ખોટી છે, કારણ કે અધ્યક્ષે ગૃહનું કામકાજ શરૂ થયા પછી હજુ કોઈ કામકાજ શરૂ કર્યું નથી. આ પછી ફડણવીસે પુણે સ્થિત એમપીએસસીના ઉમેદવાર સ્વપ્નિલ લોણકરે કરેલી આત્મહત્યાને લઈ એમપીએસસીની કામગીરી પર ચર્ચા કરવા માટે સભામોકૂફીની સૂચના રજૂ કરી હતી.

24 વર્ષીય લોણકરે 30 જૂને પુણેના હડપસરમાં ઘરમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. સિવિલ એન્જિનિયર ડિપ્લોમા ધારક લોણકરે 2019માં એમપીએસસીની પ્રાથમિક અને મુખ્ય પરીક્ષા પાસ કરી હતી અને આખરી ઈન્ટરવ્યુની વાચ જોતો હતો. 2020ની પ્રાથમિક પરીક્ષા પણ પાસ કરી હતી. સુસાઈડ નોટમાંતેણે એમપીએસસીની પરીક્ષાને માયાજાળ ગણાવીને તેમાં નહીં પડવાની સલાહ આપી હતી.

સુપ્રીમના ચુકાદાને લઈ ઈન્ટરવ્યુ રોકાયા
ગૃહમાં મુનગંટીવારે દાવો કર્યો કે 430 એમપીએસસીના ઉમેદવારોએ આત્મવિલોપન કરવાની ધમકી આપી છે. આ પછી ઉપ મુખ્ય મંત્રી અજિત પવારે જણાવ્યું કે એમપીએસસીનાં પદ 31 જુલાઈ સુધી ભરી કાઢવામાં આવશે. એમપીએસસીની પરીક્ષા 2019માં યોજાઈ હતી, સ્વપ્નિલે જુલાઈ 2020ની પરીક્ષા પાસ કરી હતી. તે 1200 પદ માટે 3671 પાત્ર ઉમેદવારમાંથી એક હતો. 9 સપ્ટેમ્બર, 2020ના સુપ્રીમ કોર્ટે એસઈબીસી (સામાજિક અને આર્થિક પછાત વર્ગ) ક્વોટામાં સ્ટે આપ્યો હતો, જે પછી સ્વાયત્ત સંસ્થા એમપીએસસી દ્વારા ઈન્ટરવ્યુ પ્રક્રિયા રોકવામાં આવી હતી, એવું કારણ પણ તેમણે આપ્યું હતું.

પરીક્ષાઓ રદ કરી
5 મે, 2021ના સુપ્રીમ કોર્ટે એસઈબીસી ક્વોટા પર આખરી ચુકાદો આપ્યો હતો. જોકે એમપીએસસીએ પરીક્ષા રદ કરી હતી, જે અંગે કારણ પુછાતાં કોવિડને લીધે પરીક્ષા રદ કરવા હોવાની માહિતી આપવામાં આવી છે. અમે લોણકર કુટુંબની પડખે છીએ અને નાણાકીય સહાય આપવા પગલાં લઈશું.

અન્ય સમાચારો પણ છે...