ભાસ્કર વિશેષ:પ્રવાસી દિવસ નિમિત્તે મુંબઈ એરપોર્ટ પર વિવિધ પ્રવૃત્તિઓ

મુંબઈ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જાદુગર, કેરિકેચર આર્ટિસ્ટ, બલૂન સ્કલ્પચર, બીડ આર્ટ સહિતની ગતિવિધિઓ

મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર 16મો પ્રવાસી દિવસ બહુ જ ધામધૂમથી મનાવવામાં આવ્યો હતો. મુંબઈમાં બંને ટર્મિનલો ખાતે આબાલવૃદ્ધિ માટે વિવિધ મોજમસ્તીભરી પ્રવૃત્તિઓનું આયોજન કરાયું હતું, જેમાં પ્રવાસીઓએ હોશભેર ભાગ લઈને તેમનો પ્રવાસ યાદગાર બનાવ્યો હતો.

પ્રવાસીઓનું મુંબઈ એરપોર્ટ પર આગમન થતાં જ તેમને અનેક પ્રવૃત્તિઓની પસંદગી મળી હતી. જાદુગર દ્વારા મંત્રમુગ્ધ કરનારી જાદુની તરકીબો બતાવવામાં આવી હતી. લાઈવ કેરિકેચર આર્ટિસ્ટ દ્વારા અસલ સમયમાં અદભુત પોર્ટ્રેઈટ્સ બનાવવામાં આવ્યાં હતાં. બલૂન સ્કલ્પચર, બીડ આર્ટ જેવાં આકર્ષણો પણ હતાં, જ્યાં તેઓ પોતાની કળાકૃતિ સુવેનિયર તરીકે લઈ જઈ શક્યા હતા.

વળી, હંગામી સ્ટાઈલિશ બોડી આર્ટમાં રચ્યાપચ્યા રહેવા માગે તેમને માટે ટેટ્ટૂ આર્ટિસ્ટ પણ હાજર હતો. ઉપરાંત આ ખુશીનો અવસર યાદગાર બની રહે તે માટે સેલ્ફી બૂથ સ્ટેશન પણ બનાવવામાં આવ્યાં હતાં. એરપોર્ટ પર મુખ્ય સ્થળો ખાતે આ પ્રવૃત્તિઓ યોજાઈ હતી. પ્રવાસીઓ તેમની ફ્લાઈટમાં જાય તે પૂર્વે અવિસ્મરણીય યાદો લઈને જાય તે રીતે આ ગતિવિધિઓનું આયોજન કરાયું હતું.

પ્રવાસીલક્ષી પ્રવૃત્તિઓ : મુંબઈ એરપોર્ટ દ્વારા તેના મહેમાનોનો પ્રવાસ યાદગાર બનાવવા છાશવારે આવી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે. ટેકનોલોજીમાં નવીનતા સાથે અને બેજોડ અનુભવ કરાવવા માટે વિવિધ પ્રવાસીલક્ષી પ્રવૃત્તિઓનું પણ સમયાંતરે આયોજન કરવામાં આવે છે, જેમાં મુંબઈ સ્ટ્રીટ ફૂડ ફેસ્ટિવલમાં મુંબઈની ચટાકેદાર વાનગીઓ પ્રવાસીઓને ખાવાનો મોકો મળે છે.

ઉપરાંત વિવિધ તહેવારો દરમિયાન તેને અનુરૂપ ડેકોરેશન, ગાયન, નૃત્ય જેવી પ્રવૃત્તિઓ રખાય છે. ટોચના કક્ષાના રિટેઈલ અને એફએનબી આઉટલેટ્સ, પ્રણામ સર્વિસીસ, કક્ષામાં અવ્વલ લાઉન્જ અને ઘણું બધું રખાય છે. આગામી દિવસમાં પણ આવી વધુ પ્રવૃત્તિઓ આયોજન કરવા માટે વિચાર ચાલી રહ્યો છે. હવે મહામારીના લોકડાઉન પછી નિયંત્રણો ઉઠાવી લેવાતાં પ્રવાસીઓમાં પણ અનેરો આનંદ જોવા મળી રહ્યો છે, એમ એરપોર્ટના પ્રવક્તાએ જણાવ્યું હતું.

એનએસપીએના પરફોર્મન્સ
ઉપરાંત બંને ટર્મિનલ ખાતે નેશનલ સ્કૂલ ઓફ પરફોર્મિંગ આર્ટસ (એનએસપીએ)ના તાલીમબદ્ધ કલાકારો દ્વારા વિશેષ સંગીત પરફોર્મન્સ પણ હતાં. આ મનોરંજન પ્રવૃત્તિઓ પ્રવાસીઓને માણવા માટે નિઃશુલ્ક રખાઈ હતી. આ સમયે ભેટસોગાદો પણ આપવામાં આવી હતી. ઉપરાંત વિવિધ વસ્તુઓ પર છૂટછાટો પણ આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...