તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:રાજ્યમાં રસી ખૂટી પડતાં 18-44 વયજૂથનું રસીકરણ સ્થગિત

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યમાં રસી ખૂટી પડતાં 18-44 વયજૂથનું રસીકરણ સ્થગિત

રસીઓ ખૂટી પડતાં મહારાષ્ટ્ર કેબિનેટ દ્વારા 18-44 વયજૂથના નાગરિકોનું રસીકરણ હાલતુરંત સ્થગિત કરવાનો મોટો નિર્ણય બુધવારે લેવામાં આવ્યો હતો. રાજ્યના આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ કેબિનેટ મિટિંગ પછી આ નિર્ણયની ઘોષણા કરી હતી.

કેબિનેટની બેઠકમાં અમુક મહત્ત્વના નિર્ણય લેવાયા હતા, જેમાં 18થી વધુ વર્ષના નાગરિકોનું રસીકરણ સ્થગિત કરવાના નિર્ણયનો પણ સમાવેશ થતો હતો. રસીની અછતને લીધે આ નિર્ણય લેવામાં આવ્યો છે. હાલમાં 45થી વધુ ઉંમરના નાગરિકોનું રસીકરણ કરવાનું જરૂરી હોવાથી ખરીદી કરવામાં આવેલી રસી આ નાગરિકોના બીજા ડોઝ માટે વાપરવામાં આવશે.

જો બીજો ડોઝ સમયસર આપવામાં નહીં આવે તો પ્રથમ ડોઝનો કોઈ અર્થ રહેશે નહીં. આથી હવે સૌથી પહેલાં 45 વર્ષથી વધુ ઉંમરના નાગરિકોનું રસીકરણ પૂરું કરવામાં આવશે. આથી 18 વર્ષથી વધુ ઉંમરના નાગરિકોએ હાલમાં ડોઝની અપેક્ષા નહીં રાખવી. ડોઝની ઉપલબ્ધતા અનુસાર નિર્ણય લેવામાં આવશે, એમ તેમણે જણાવ્યું હતું. 20 મે પછી સિરમ દ્વારા રસીના વધુ ડોઝ મળવાના છે. આથી તે પછી આગામી નિર્ણય લેવામાં આવશે.

60 વર્ષથી વધુ ઉંમરના નાગરિકો માટે
દરમિયાન અમુક વર્ગ માટે મહાપાલિકા દ્વારા રસી આપવા અંગેના નિયમોમાં ફેરફાર કર્યો છે. હવે 60 વર્ષથી વધુ ઉંમરના નાગરિકોને કોવિશિલ્ડનો બીજો ડોઝ, કોવેક્સિન રસીનો બીજો ડોઝ, દિવ્યાંગોને સોમવાર, મંગળવાર અને બુધવારે રસીકરણ કેન્દ્ર પર વોક-ઈન રસી લેવાની સુવિધા રહેશે, જ્યારે ગુરુવાર, શુક્રવાર અને શનિવારે કોવિન એપ પર નોંધણી અને રસીકરણ કેન્દ્ર અને સમય નિશ્ચિત થયા પછી જ રસી અપાશે, જ્યારે રવિવારે રસીકરણ બંધ રહેશે, એમ મહાપાલિકા દ્વારા બુધવારે સ્પષ્ટ કરવામાં આવ્યું હતું.

લોકડાઉન 31 મે સુધી વધારાશે
દરમિયાન ટોપેએ જણાવ્યું હતું કે કેબિનેટની બેઠકમાં હાલના લોકડાઉનની મુદત 31 મે સુધી વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે અંતિમ નિર્ણય મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરે દ્વારા લેવામાં આવશે. બે દિવસમાં આ વિશેની નિયમાવલી જાહેર કરવામાં આવશે, એમ પણ તેમણે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...