કોરોના રસીકરણ:મુંબઈમા જાન્યુઆરી 2022 સુધી રસીકરણ પૂરું થવાની શક્યતા

મુંબઈ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અત્યારે 18 વર્ષથી મોટા 94માંથી 80 લાખ નાગરિકોને પ્રથમ ડોઝ મળ્યો છે

મુંબઈમાં 16 જાન્યુઆરી 2021થી શરૂ થયેલ રસીકરણ ઝુંબેશ આગામી વર્ષે જાન્યુઆરીમાં પૂરી થાય એવી શક્યતા છે. અત્યારે મુંબઈમાં 18 વર્ષથી ઉપરના 94 લાખમાંથી 80 લાખ નાગરિકોને રસીનો પહેલો ડોઝ મળ્યો છે. લગભગ 39 લાખ જણને રસીનો બીજો ડોઝ પણ મળી ગયો છે.

મુંબઈમાં રસીકરણ ઝુંબેશમાં દરરોજ ઉપલબ્ધ થનારી રસીના પ્રમાણમાં ઝુંબેશ ચલાવવામાં આવે છે. અત્યાર સુધી અનેક વખત રસીની ઓછી ઉપલબ્ધતાના કારણે ઝુંબેશ થોડો સમય બંધ કરવી પડી હતી.અત્યારે કેન્દ્ર તરફથી રસીનો પૂરતા પ્રમાણમાં જથ્થો મળતો હોવાથી ઝુંબેશ અડચણ વિના ચાલુ છે.

આજની તારીખે દરરોજ 50,000થી 1 લાખ લોકોને રસી મૂકવામાં આવે છે. તેથી રસીની ઉપલબ્ધતા જોતા ઓકટોબરના અંત સુધી પહેલો ડોઝ આપવાની ઝુંબેશ પૂરી થશે એવો વિશ્વાસ અતિરિક્ત મહાપાલિકા આયુક્ત સુરેશ કાકાણીએ વ્યક્ત કર્યો હતો.

આગામી પંદર દિવસ મહત્ત્વના
મુંબઈ મહાપાલિકા તરફથી દરરોજ કોરોનાની લગભગ 35,000 ટેસ્ટ કરવામાં આવે છે. એમાં સરેરાશ 450 કોરોનાગ્રસ્ત દર્દીઓ મળે છે. આ સ્થિતિમાં મુંબઈમાં બહારગામથી આવનારાઓની સંખ્યા ધ્યાનમાં લેવામાં આવી રહી છે. તેથી સાવચેતીના પગલાં તરીકે ટેસ્ટ લેવાનું ચાલુ જ રહેશે એમ મહાપાલિકા તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...