ધરપકડ:વીમા કંપનીને નામે અનેક નાગરિકોને ઠગનારી ઉત્તર પ્રદેશની ગેન્ગ પકડાઈ

મુંબઈ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • આઈઆરડીએઆઈના અધિકારીને નામે નકલી સિમ કાર્ડ આપનારો પણ પોલીસના હાથે ઝડપાયો

જાણીતી વીમા કંપનીઓના પ્રતિનિધિ, વીમા પ્રાધિકરણ કર્મચારી હોવાનું બતાવીને વધુ વળતરો આપવાને નામે અને વ્યાજ વિનાની લોન આપવાને નામે સેંકડો નાગરિકો સાથે ઠગાઈ કરનારી મહાઠગ ટોળકીને મુંબઈ સાઈબર સેલ પોલીસે ઉત્તર પ્રદેશના ગાઢિયાબાદ અને ગૌતમ બુદ્ધ નગર, હરિયાણાના સોનીપત, અને વેસ્ટ ઘોડા દિલ્હીના મળીને છ જણની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી મોબાઈલ ફોન, સિમ જપ્ત કરાયા છે. બે બેન્ક ખાતાં ફ્રીઝ કરાયાં છે.મુંબઈના રહેવાસીને ભારતી એક્સા વીમા કંપની, પીએનબી મેટલાઈફ વીમા કંપનીના પ્રતિનિધિ હોવાનું કહીને ફોન કોલ કરવામાં આવ્યો હતો.

વધુ વળતર સાથેની પોલિસી લેવા માટે ફરિયાદીને મનાવી લીધો હતો. આ પછી બોગસ દસ્તાવેજો જારી કરતાં ફરિયાદીનો વિશ્વાસ સંપાદન કર્યો હતો. આ પછી કંપનીને ફાયદો થયો હોવાથી ફરિયાદીના ખાતામાં રૂ. 71.84 લાખ, રૂ. 12 લાખની વ્યાજ વિનાની લોન જમા કરાશે એમ કહ્યું હતું.આ સામે ફરિયાદીને રૂ. 18,97,906 આરોપીઓના બેન્ક ખાતામાં જમા કરવા માટે જણાવ્યું હતું.

જોકે તે પૈસા જમા કર્યા પછી પોતાની સાથે ઠગાઈ થઈ હોવાનું જણાતાં સાઈબર સેલમાં ફરિયાદ નોંધાવી હતી. સાઈબર સેલે ભારે જહેમતને અંતે આરોપીઓને ઝડપી લીધા છે. આઈઆરડીએઆઈના હૈદરાબાદના અધિકારીને નામે બોગસ કેવાયસી દ્વારા સિમકાર્ડ આપનારો પણ ઝડપાયો છે. આરોપીઓએ આ રીતે સેંકડો નાગરિકો સાથે છેતરપિંડી કરી છે, જેની તપાસ ચાલી રહી છે, એમ પોલીસે જણાવ્યું હતું.

વેક્સિન માટે કાચામાલને નામે ઠગાઈ
દરમિયાન કોવિડ રસી બનાવવા માટે કાચો માલ વેચવાને નામે દવા કંપનીના વરિષ્ઠ નાગરિક સાથે રૂ. 12.84 લાખની છેતરપિંડી કરવા સંબંધે સાઈબર સેલે નવી મુંબઈથી એક નાઈજીરિયન સહિત બે જણની ધરપકડ કરી છે. જાણીતી કંપનીના પ્રતિનિધિ હોવાનું કહીને આરોપીઓએ વરિષ્ઠ નાગરિક સાથે છેતરપિંડી કરી હતી

અન્ય સમાચારો પણ છે...