માતૃભાષા વિશે જનજાગૃતિ:કલ્યાણની ગુજરાતી શાળામાં ભૂતપૂર્વ વિદ્યાર્થિનીઓનો અનોખો ઉપક્રમ

મુંબઈ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

કલ્યાણના ગુજરાતી વિદ્યાર્થીઓને માતૃભાષા ગુજરાતી શિક્ષણનો લાભ આપતી શ્રી બૃહદ ગુજરાતી એજ્યુકેશન સોસાયટી દ્વારા સંચાલિત માતૃશ્રી જમનાબાઈ ભગવાનદાસ કન્યા વિદ્યાલયના પ્રચાર-પ્રસાર માટે અનોખો ઉપક્રમ શરૂ કર્યો છે.માતૃભાષાના શિક્ષણના ફાયદા વિશે જનજાગૃતિ લાવવા માટે શાળાએ તેની ભૂતપૂર્વ વિદ્યાર્થિનીઓ સાથે મળી કાર્ય કરવાની શરૂઆત કરી છે. શાળાની અનેક ભૂતપૂર્વ વિદ્યાર્થિનીઓએ આજે સફળતાનાં નવાં શિખરો સર કર્યાં છે. હવે આ જ વિદ્યાર્થિનીઓ પોતાની આ સફળતાની વાર્તા વિડિયોના માધ્યમે લોકોને કહી પોતાની સફળતા પાછળ શાળાના રહેલા અમૂલ્ય ફાળા વિશે વાત કરે છે.

ગત વર્ષે શાળાએ ૨૪ ઑગસ્ટ એટલે કે ગુજરાતી દિવસના ઉપલક્ષ્યમાં એક મોટો ઑનલાઇન કાર્યક્રમ કર્યો હતો. એમાં શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થિનીઓ પણ જોડાઈ હતી અને પોતાની આ શાળાના પ્રચાર-પ્રસાર માટે સહયોગ કરવાનું બીડું ઉપાડ્યું હતું.

ત્યાર બાદ આ ઉપક્રમની રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી. હવે ગત બે મહિનાથી દર બે દિવસે શાળા એક વિડિયો સોશિયલ મિડિયા પર ફરતો કરે છે, જેમાં વિદ્યાર્થિની પોતાની યશગાથા કહી એમાં છુપાયેલા માતૃભાષાના શિક્ષણના મહત્ત્વની વાત કરે છે.શાળાનાં આચાર્યા શું કહે છે : શાળાનાં આચાર્યા પૂર્વાબહેને જણાવ્યું કે “અમે શાળાના પ્રચાર-પ્રસાર માટે સતત મહેનત કરીશું. મને વિશ્વાસ છે કે સમાજમાં ચોક્કસપણે પરિવર્તન આવશે અને ફરી બધી જ ગુજરાતી શાળાઓ ધમધમતી થશે.” આ કાર્યમાં શિક્ષકો અને સંચાલક મંડળ તરફથી પણ જરૂરી સહયોગ મળતો હોવાની વાત તેમણે ઉમેરી હતી.

અન્ય સમાચારો પણ છે...