નિર્ણય:બે અઠવાડિયા વીતી જવા છતાં એસટી કર્મીઓની હડતાળનું કોકડું ગૂંચવાયેલું

મુંબઈ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 238 રોજી પરના કામગારોની સેવા સમાપ્ત કરવાનો નિર્ણયઃ કુલ 2776 સસ્પેન્ડ

છેલ્લા બે અઠવાડિયા લાલપરી તરીકે ઓળખાતી એસટીને બ્રેક લાગી છે. કોરોનાની લહેર ઓછી થયા પછી લોકોના કામધંધા માંડ શરૂ થયા ત્યાં એસટીની હડતાળને લીધે આ સેવા પર નભતા લાખ્ખો પ્રવાસીઓ હેરાનપરેશાન છે. મેરેથોન ચર્ચા પછી પણ કોકડું ઉકેલાતું નહીં હોવાથી આખરે એસટી મહામંડળ દ્વારા આકરાં પગલાં લેવાનું શરૂ કરવામાં આવ્યું છે. આના ભાગરૂપે 238 રોજી પરના કામગારોની સેવા સમાપ્ત કરવાનો નિર્ણય લેવાયો છે, જ્યારે શુક્રવારે હડતાળમાં ભાગ લેનારા 297 કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવી હતી. આ સાથે હમણાં સુધી સસ્પેન્ડ કરાયેલા કર્મચારીઓની સંખ્યા 2776 પર પહોંચી છે.

હડતાળનો ઉકેલ આવવાનું કોઈ ચિહન દેખાતું નથી. દિવાળીથી રાજ્યની આ જીવનવાહિની ઠપ છે. બીજી બાજુ એસટીના કર્મચારીઓ હડતાળ ચાલુ રાખવા માટે મક્કમ છે. આઝાદ મેદાનમાં કર્મચારીઓએ અડિંગો જમાવ્યો છે. સરકારની વિનંતી ઠુકરાવી દેવામાં આવી છે. આંદોલનકારીઓના નેતા વિધાનસભ્ય સદાભાઉ ખોતે બધાને આઝાદ મેદાનમાં હાજર રહેવા માટે અનુરોધ કર્યો છે, જેને કારણે મોટી સંખ્યામાં કર્મચારીઓ અહીં આવી રહ્યા છે. અમુક લોકોને શનિવારે પોલીસે રોકવાનો પણ પ્રયાસ કર્યો હતો.અન્ય રાજ્યના પરિવહન મંડળનો અભ્યાસ તૈયાર કરવાનું કામ ચાલુ કરાયું છે, એમ પરિવહન મંત્રી અનિલ પરબે જણાવ્યું છે જોકે બંને બાજુથી ચર્ચાનો ઉકેલ આવે એવાં કોઈ ચિહનો દેખાતાં નથી.

ખાનગીકરણનો હાલમાં વિચાર નથીઃ પરબ
હડતાળ પાછી નહીં ખેંચાય તો એસટી મહામંડળનું ખાનગીકરણ કરવામાં આવશે એવી માહિતી બહાર આવી હતી. આ અંગે પરબે ખુલાસોકર્યો કે ખાનગીકરણ પર કોઈ ચર્ચા થઈ નથી. હાલમાં ખાનગીકરણ પણ એક વિકલ્પ છે. જોકે તેની પર ચર્ચા થઈ નથી. અન્ય રાજ્યોનાં મંડળનો અભ્યાસ કરીને યોગ્ય નિર્ણય લેવાશે, એમ તેમણે જણાવ્યું હતું.

નુકસાનથી બચવા યુપી પેટર્ન
દરમિયાન એસટીનું નુકસાન ઓછું કરવા અને કર્મચારીઓને સાતમા વેતનપંચ અનુસાર વેતન આપવા માટે એસટી મહામંડળ ઉત્તર પ્રદેશ પેટર્નનો અમલ કરવા વિચારી રહી છે. ઉત્તર પ્રદેશમાં પરિવહન સંસ્થાઓની મોટા ભાગની બસ ખાનગી માલિકીની છે. મહામંડળ દ્વારા આવકના સ્રોત વધારવા ભાર આપવામાં આવ્યો છે. મહામંડળની ત્રણ સલાહકાર સંસ્થાઓએ ખાનગીકરણ કરવાની સલાહ આપી છે.

વધુ એક કર્મચારીની આત્મહત્યા
દરમિયાન માગણીઓ નહીં સંતોષાતાં વધુ એક એસટી કર્મચારીએ શનિવારે આત્મહત્યા કરી છે. બીડના આષ્ટીના મૂળ મામાવલી ખાતેનો ગહનીનાથ ગાયકવાડ (33) પાંચ વર્ષથી પેઠ ડેપોમાં ફરજ બજાવતો હતો. શનિવારે તેણે પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. હડતાળનું કોકડું ઉકેલાતું નથી. તેમાં વળી પરિવારનું આર્થિક ગણિત બગડતાં પરેશાનીમાં ગાયકવાડે અંતિમ પગલું ભર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...