તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભ્રષ્ટાચાર:બે ચપરાસીએ પત્નીને નામે કોવિડ સેન્ટરમાં કરોડોના ઠેકા મેળવ્યા

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સ્ક્રુડ્રાઈવરથી કોમ્પ્યુટરના પાર્ટસ, દર્દીઓને લગતી બધી વસ્તુઓનો પૂરવઠો પૂરો પાડ્યો હતો

મહાપાલિકામાં અનેક કામોના ઠેકા ભ્રષ્ટાચારી માર્ગે આપવામાં આવે છે એવો આરોપ છાશવારે વિરોધીઓ દ્વારા કરવામાં આવે છે, પરંતુ હવે એક આંચકાજનક કિસ્સામાં મહાપાલિકામાં ચપરાસીના પદ પર કામ કરતા ક્લાસ-4ના બે કર્મચારીઓએ કોવિડ સેન્ટરમાં કરોડો રૂપિયાનાઠેકા મેળવ્યા હોવાનું બહાર આવ્યું છે. આથી આ બંનેની અને ઠેકાની પ્રક્રિયાની તપાસ કરવામાં આવશે.કોરોનાકાળમાં અનેક ઠેકા આપવામાં આવ્યા હતા. તેમાં ભ્રષ્ટાચાર થાય છે, પરિચિતોને ઠેકા અપાય છે એવા આરોપ વિરોધી પક્ષ દ્વારા વારંવાર કરવામાં આવ્યા હતા.

આને ધ્યાનમાં લઈને માહિતી અધિકાર કાર્યકર્તા સંતોષ દૌંડકરે આ સંબંધી માહિતી માગી હતી, જેમાં ચોંકાવનારી માહિતી બહાર આવી છે. મહાપાલિકાનાડી વોર્ડમાં બે કર્મચારીઓએ પોતાની પત્નીને નામે કંપની સ્થાપીને મહાપાલિકા પાસેથી કોરોનાકાળમાં કરોડો રૂપિયાનાં કામો મેળવ્યાં.મુંબઈ મહાપાલિકાના ઘનકચરા વિભાગના ક્લાસ-4 ચપરાસી અર્જુન નરાળે અને મેઈનટેનન્સ વિભાગના ચપરાસી રત્નેશ ભોસલેએ પોતાની પત્નીને નામે કંપની શરૂ કરી હતી.

નરાળેએ પત્ની અપર્ણાને નામે શ્રી એન્ટરપ્રાઈઝીસ કંપની ખોલી, જેના થકી છેલ્લા દોઢ વર્ષમાં રૂ. 1.11 કરોડનાં કામો મેળવ્યાં, જ્યારે ભોસલેએ પત્નીરિયાને નામે આર આર એન્ટરપ્રાઈઝીસ કંપની ખોલીને રૂ. 65 લાખનાં કામો મેળવ્યા છે.મહાપાલિકાના નિયમન અનુસાર તેની નોકરીમાં હોય તેવા કોઈ પણ કર્મચારી અથવા તેમના નિકટવર્તી સંબંધીઓ તેના ઠેકા લઈ નહીં શકે. જોકે આ પ્રકરણમાં બંનેએ નિયમોની ઐસીતૈસી કરીને પોતાની પત્નીને નામે કંપની ખોલીને કરોડોનાં કામો મેળવ્યાં છે. મહાપાલિકાના ડી વોર્ડમાં કોરોનાકાળમાં કોઈ પણ વસ્તુ જોઈતી હોય તેનો પુરવઠો કરવાનું કામ આ બંને કંપનીઓએ કર્યું.

માગો તે વસ્તુનો પુરવઠો
સ્ક્રુડ્રાઈવરથી લઈને કોમ્પ્યુટરના નાના- મોટા પાર્ટસ, ટેબલથી લઈને ભાડાં પર વાહનો આપવા સુધી તેમ જ દર્દીઓ માટે જરૂરી ઓક્સિમીટર, ઈલેક્ટ્રિક કેટલ, સ્ટીમર જેવી વસ્તુઓનો પુરવઠો પણ કર્યો હતો. દરમિયાન ક્લાસ-4 કર્મચારીઓ આટલું મોટું સાહસ નહીં કરી શકે. તેમને જરૂર ઉપરીઓનો સાથ હશે. આથી આ વ્યવહારની ઊંડાણથી તપાસ થવી જોઈએ, એવી માગણી ઊઠી છે.

અન્ય સમાચારો પણ છે...