ગેરકાયદે કૃત્યની શંકા:આર્યન ખાન ડ્રગ્સ કેસની તપાસ કરનારા બે અધિકારી સસ્પેન્ડ

મુંબઈ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગેરકાયદે કાર્યવાહીઓમાં સામેલ હોવાની શંકા

અભિનેતા શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાન સાથે સંબંધિત ડ્રગ્સ કેસમાં તપાસ કરનારા નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી)ની ટીમના બે અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એનસીબીની ટીમના તપાસ અધિકારી વી વી સિંહ અને ગુપ્તચર અધિકારી આશિષ રંજન પ્રસાદને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.બંને ગેરકાયદેસર કાર્યવાહીમાં સામેલ હોવાની શંકા પરથી તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જોકે આર્યન ખાન ડ્રગ્સ કેસ તેમણે કોઈ ગેરકાયદે કૃત્ય કર્યું હતું કે કેમ અથવા તે કેસ સાથે કોઈ લેવાદેવા છે કે કેમ તે જાણી શકાયું નથી.

એનસીબીએ આ અંગે કોઈ પણ વિધિસર નિવેદન જારી કર્યું નથી.આર્યન ખાન ડ્રગ્સ પ્રકરણ બહાર આવ્યા પછી રાજ્યના અલ્પસંખ્યાક મંત્રી નવાબ મલિકે એનસીબીના તત્કાલીન મુંબઈ ઝોનલ હેડ સમીર વાનખેડે અને ટીમ સામે અનેક પ્રશ્નો ઉઠાવ્યા હતા. શાહરુખ પાસેથી ખંડણી વસૂલવા આ બોગસ કેસ કરવામાં આવ્યો હોવાનો તેમણે આરોપ કરતાં ખળભળાટ મચી ગયો હતો.

આ કેસના થોડા દિવસ પૂર્વે જ મલિકના જમાઈની એનસીબીએ ડ્રગ્સ કેસમાં ધરપકડ કરી હતી. આથી વેરવૃત્તિથી મલિક આરોપ કરી રહ્યા છે એમ વાનખેડેનું કહેવું હતું. જોકે બાદમાં વાનખેડેને એનસીબીમાંથી હટાવવામાં આવ્યા હતા.એનસીબીની વિશેષ ટીમ (એસઆઈટી) હવે તપાસકરી રહી છે. ટીમે મુંબઈ સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવા 90 દિવસનો સમય માગ્યો છે.

2 એપ્રિલે ચાર્જશીટ દાખલ કરવાની 180 દિવસની મુદત પૂરી થયા પછી ટીમે મુદત વધારો માગતાં વધુ 90 દિવસ મળ્યા હતા. આ કેસમાં આર્યન સહિત 20 જણની ધરપકડ કરવામાં આવી હતી, જેમાંથી 18 આરોપી જામીન પર છે, જ્યારે બે હાલમાં વિદેશની જેલમાં છે.

2 ઓક્ટોબર, 2021ના રોજ મુંબઈથી ગોવા જતી ક્રુઝ પર દરોડા પાડીને ડ્રગ્સ પાર્ટીનો પર્દાફાશ કર્યો હોવાનો દાવો એનસીબીએ કર્યો હતો. તે સમયે આર્યન ખાન, અરબાઝ મર્ચન્ટ, મુનમુન ધામેચાસહિત આઠ જણની ધરપકડ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...