નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી)એ વિભાગીય તપાસ બાદ તેના બે અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા છે. આ અધિકારીઓ બહુચર્ચિત ક્રૂઝ નાર્કોટિક્સ કેસની તપાસનો ભાગ હતા, પરંતુ અન્ય કેસમાં તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એનસીબીના એક અધિકારીએ ગુરુવારે આ જાણકારી આપી હતી.
બુધવારે, એનસીબીએ ફરજમાં બેદરકારીના કારણે આર્યન ખાન કેસની તપાસનો ભાગ બે અધિકારીઓને સસ્પેન્ડ કર્યા હતા. તેમાં વિશ્વ વિજય સિંહ અને આશિષ રંજન પ્રસાદનો સમાવેશ થાય છે. જોકે સસ્પેન્શનને ક્રુઝ ડ્રગ્સ કેસ સાથે કોઈ લેવાદેવા નથી, એમ એનસીબીના ડાયરેક્ટર- જનરલ એસ એન પ્રધાને જણાવ્યું હતું.
તેમણે કહ્યું કે સુપરિન્ટેન્ડેન્ટ વિશ્વ વિજય સિંહ અને ગુપ્તચર અધિકારી આશિષ રંજન પ્રસાદ પર આરોપ છે કે તેઓ ડ્રગના અન્ય કેસમાં આરોપીઓને જામીન અપાવવામાં મદદ કરતા હતા. બંને અધિકારીઓ સામે ખાતાકીય તપાસ હાથ ધરવામાં આવી હતી અને તપાસ પૂર્ણ થયા બાદ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
આ કાર્યવાહીને ક્રુઝ નાર્કોટિક્સ કેસ સાથે કોઈ લેવાદેવા નથી, એમ તેમણે જણાવ્યું હતું.ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે ઓક્ટોબરમાં એનસીબીની મુંબઈ ઝોનની એક ટીમે ગોવા જતી ક્રુઝ પર દરોડો પાડ્યો હતો અને તેની પરથી અમુક લોકો પાસેથી ડ્રગ્સ જપ્ત કરવાનો દાવો કર્યો હતો. આ કેસમાં અભિનેતા શાહરુખ ખાનના પુત્ર આર્યન અને અન્ય કેટલાકને આરોપી બનાવવામાં આવ્યા હતા.
એનસીબી મુંબઈ છેલ્લાં બે વર્ષથી મોટા ભાગના સમય માટે સમાચારમાં રહ્યું છે, કારણ કે બોલીવૂડ સેલિબ્રિટીઓ સાથે સંકળાયેલા કેટલાક હાઈ- પ્રોફાઈલ ડ્રગ્સ કેસો હાથ ધરાયા હતા. અભિનેતા સુશાંતસિંહ રાજપૂત મૃત્યુ કેસથી શરૂ કરીને છેલ્લાં બે વર્ષમાં ડ્રગ્સના ઘણા કેસોના સંદર્ભમાં રાજકારણીઓ, તેમના સંબંધીઓ અને બોલિવૂડ સેલિબ્રિટીઓને બોલાવવામાં આવ્યા છે અને પૂછપરછ કરવામાં આવી છે.
એનસીબી મુંબઈનો તાજેતરનો હાઈ-પ્રોફાઈલ કેસ શાહરુખ ખાનના પુત્ર આર્યનને સંડોવતા ક્રૂઝ ડ્રગ કેસનો હતો. એનસીબીના ઝોનલ હેડ સમીર વાનખેડેનો કાર્યકાળ 31 ડિસેમ્બર, 2021ના રોજ સમાપ્ત થયા પછી, આઇઆરએસ અધિકારી વિજેન્દ્ર સિંહે વધારાના ચાર્જ તરીકે એનસીબી મુંબઈ ઝોનલ ડિરેક્ટરનો ચાર્જ સંભાળ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.