આશ્વાસન:નાયરમાં બેદરકારીથી 4 માસના શિશુના મોત અંગે બે ડૉક્ટર, એક નર્સ સસ્પેન્ડ

મુંબઈ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એક 3 સભ્યોની કમિટી બનાવીને દોષિતો સામે પગલાં લેવાનું આશ્વાસન
  • મહાપાલિકાના એડિશનલ મ્યુનિસિપલ કમિશનરે સ્વીકાર્યું, ભાજપે સરપ્રાઈઝ ચેકિંગ કરતાં સવારના સમયે 34માંથી ફકત બે જણનો સ્ટાફ હતો

વરલીમાં બીડીડી ચાલમાં સિલિન્ડર વિસ્ફોટમાં ઘાયલ ચાર મહિનાના બાળકની સારવારમાં અક્ષમ્ય બેદરકારીના કારણે મૃત્યુના સંબંધમાં નાયર હોસ્પિટલના બે ડૉક્ટરો અને એક નર્સને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. મુંબઈ મહાપાલિકાના પશ્ચિમી ઉપનગરના એડિશનલ મ્યુનિસિપલ કમિશનર સુરેશ કાકાણીએ ગુરુવારે કહ્યું હતું કે આ એક અક્ષમ્ય ભૂલ છે અને આ મામલાની તપાસ થર્ડ પાર્ટી કમિટી દ્વારા કરવામાં આવશે.

મહાપાલિકાની સ્થાયી સમિતિમાં ભાજપના નેતા પ્રભાકર શિંદેએ આ મામલો શુક્રવારે ઉઠાવ્યો હતો, જેનું કોન્ગ્રેસના નેતા રવિ રાજાએ પણ સમર્થન ર્ક્યું હતું. સ્થાયી સમિતિમાં ભાજપે માગણી કરી હતી કે આ ઘટનામાં દોષી લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવે અને પીડિત પરિવારને 25 લાખનું વળતર ચૂકવવામાં આવે. કાલા ચોકી પોલીસ સ્ટેશનમાં ભાજપની નગરસેવિકા સુરેખા લોખંડેએ નાયર હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં સારવારમાં બેદરકારી દાખવનાર સામે એફઆઇઆર દાખલ કરવા એક અરજી આપી હતી.

વરલીની બીડીબી ચાલમાં 30 નવેમ્બરના ગેસ સિલિંડર બ્લાસ્ટની ઘટનામાં એક જ પરિવારના 4 જણ ગંભીર રીતે દાઝી ગયા હતા. એ પછી તેઓને નાયર હોસ્પિટલમાં ખસેડાયા બાદ એક કલાક સુધી ઇમરજન્સી મેડિકલ સર્વિસીસ ખાતે કોઇ પણ જાતની ટ્રીટમેન્ટ વગર રાખવામાં આવ્યા હતા.

આને કારણે ગોલ્ડન અવર્સમાં જરૂરી સારવાર નહીં મળતાં દાઝેલા આંનદ પુરી સહિતના પરિવારની તબિયત વણસી હતી. આ મામલામાં 4 મહિનાના નવજાત મંગેશનું મૃત્યુ થયું હતું. આ ઘટના બહાર આવતાં મહાપાલિકાની જાહેર આરોગ્ય સમિતિમાં ભાજપના 11 સભ્યોએ રાજીનામાં રાજીનામા આપી દીધાં હતાં.

ભાજપનું ચેકિંગ
મહાપાલિકાના ભાજપ પક્ષના નેતા અને મલાડના નગરસેવક વિનોદ મિશ્રાએ દિવ્ય ભાસ્કરને કહ્યું હતું કે, હું નગરસેવકો મકરંદ નાર્વેકર, રાજેશ્રી શિરવાડકર અને રોહિદાસ લોખંડે સાથે શુક્રવારે સવારે 8.15 વાગ્યે નાયર હોસ્પિટલ પરિસરની ઓચિંતી મુલાકાત કરી હતી, અમને આઘાતજનક જોવા મળ્યું હતું કે, અમે પહોંચ્યા એ સમયે સવાર સુધી ત્યાં હૌસપીટલ પર ફરજ પરના 34માંથી 2 હોસ્પિટલ સ્ટાફ હાજર હતા. સત્તાધારી શિવસેના અને પ્રશાસન મસ્તીમાં છે, જયારે જનતા ત્રાસમાં જીવી રહી છે. આ મામલે અમે ટવીટ્ કરીને પ્રશાસનને જગાડવાનું કામ કર્યું છે.

એડિશનલ મ્યુનિસિપલ કમિશનરે શું કહ્યું?
હોસ્પિટલમાં આવતા દર્દીઓની સારવાર સમયસર થવી જોઈએ. ચાર મહિનાના નવજાતને સમયસર સારવારની જરૂર હતી. જોકે વિલંબ અક્ષમ્ય છે અને આ મામલે પ્રાથમિક તપાસમાં ત્રણ જણને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, એમ કાકાણીએ જણાવ્યું હતું. આ મામલાની તપાસ માટે નિમાયેલી સમિતિમાં મહાપાલિકાના એક ડૉક્ટર અને ખાનગી હોસ્પિટલના બે ડૉક્ટરોનો સમાવેશ થાય છે, જે ત્રણ દિવસમાં રિપોર્ટ સુપરત કરશે. આ પછી દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

કેટલાક કિસ્સામાં તો મ્યુનિસિપલ હોસ્પિટલમાં સ્ટાફની ખામી દેખાઈ રહી છે. કાકાણીએ સ્પષ્ટ કર્યું કે દર્દીઓ અને તેમના સંબંધીઓ સાથે કેવી રીતે વાત કરવી અને માર્ગદર્શન આપવું તે અંગે સ્ટાફનું કાઉન્સેલિંગ કરવામાં આવશે.

મેયરે ઈજાગ્રસ્ત પરિવારની મુલાકાત લીધી
મેયર કિશોરી પેડનેકરે ગુરુવારે કસ્તુરબા હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને વરલી સિલિન્ડર બ્લાસ્ટમાં દાઝી ગયેલા દર્દીઓની પૂછપરછ કરી હતી. સારવારમાં બેદરકારી દાખવનાર ડોકટરો અને નર્સોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જોકે, ત્રીજી કમિટીના રિપોર્ટના આધારે મેયરે નાયર હોસ્પિટલને કડક કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો હતો. આ સાથે ડેપ્યુટી મેયર એડી. ડો. સુહાસ વાડકર, સુપ્રિટેન્ડેન્ટ નાયર હોસ્પિટલ, કસ્તુરબા હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડ ડો. રમેશ ભારમલ, ચંદ્રકાંત પવાર ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...