મધ્ય અને પશ્ચિમ રેલવેમાં સસ્તામાં શુદ્ધ પાણીની સેવા ઉપલલબ્ધ કરતા વોટર વેન્ડિંગ મશીન હજી પણ બંધ છે. બંને રૂટ પરના તમામ સ્ટેશનમાં આ મશીન ધુળ ખાતા પડ્યા છે. તેથી પ્રવાસીઓએ સ્ટેશનના ખાદ્યપદાર્થોના સ્ટોલમાંથી રૂપિયા ચુકવીને પાણીની બોટલ ખરીદવી પડે છે. મધ્ય રેલવેમાં મુંબઈ વિભાગના 34 અને પશ્ચિમ રેલવે ઉપનગરીય 30 સ્ટેશનમાં આ સુવિધા ત્રણ મહિનામાં ઉપલબ્ધ થશે એવી માહિતી આપવામાં આવી હતી. મુંબઈ ઉપનગરીય રેલવે સ્ટેશનમાં પ્રવાસીઓને સસ્તામાં શુદ્ધ અને ઠંડુ પાણી મળે એ માટે મધ્ય અને પશ્ચિમ રેલવેએ આઈઆરસીટીસી મારફત તમામ સ્ટેશનમાં વોટર વેન્ડિંગ મશીન લગાડ્યા.
પશ્ચિમ રેલવેમાં ચર્ચગેટથી વિરાર, દહાણુ સુધીના 30 સ્ટેશનમાં તથા મધ્ય રેલવેના સીએસએમટીથી ખપોલી, કસારા, પનવેલ, લોનાવલા સુધીના વિભાગના સ્ટેશનમાં મશીન લગાડ્યા. 300 મિલીલીટર પાણી પ્રવાસીઓને બાટલીમાં જોઈએ તો 1 રૂપિયો અને રેલવેની બાટલી કે ગ્લાસમાં જોઈએ તો 2 રૂપિયા ચુકવવા પડે છે.
500 મિલીલીટર માટે અનુક્રમે 3 અને 5 રૂપિયા, 1 લીટર માટે અનુક્રમે 5 અને 8 રૂપિયા, 2 લીટર માટે 8 અને 12 રૂપિયા દર નિશ્ચિત કરવામાં આવ્યા છે. કોરોનાના સમયમાં બંધ કરવામાં આવેલ આ મશીન હજી શરૂ કરવામાં આવ્યા નથી. એનો કોન્ટ્રેક્ટ પણ પૂરો થયો હોવાથી આ મશીન ધુળ ખાતા પડ્યા છે. કેટલાક મશીનને કાટ લાગ્યો છે. વધતી ગરમીમાં તરસ છીપાવવા પ્રવાસીઓએ ખાદ્યપદાર્થોના સ્ટોલ પર મળતી પાણીની બાટલી ખરીદવી પડે છે.
કયા સ્ટેશનમાં મશીન હશે?
થાણે, લોનાવલા, માથેરાન, પેણ, નાગોઠણે, જિતે, આપ્ટા, ખંડાલા, સાયન, મુંબ્રા, માનખુર્દ, ભાંડુપ, મુલુંડ, અંબરનાથ, ઉલ્હાસનગર, શહાડ, કોટનગ્રીન, શિવરી, વડાલા રોડ, પરેલ, નેરલ, કસારા, ખડવલી, ખર્ડી, વાશિંદ, આટગાવ, કામણ રોડ, ખારબાવ, રે રોડ, તળોજા, કળંબોલી, નિળજે, શેલુ, ભિવપુરી રોડ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.