વ્યવસ્થા:મુંબઈ ખાતે ઓમિક્રોન સહિત તમામ કોરોનાગ્રસ્તોને એક જ સ્થળે સારવાર

મુંબઈ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઓમિક્રોનગ્રસ્ત મોટા ભાગના દર્દીઓ હોવાથી સ્વતંત્ર વ્યવસ્થા કરવી શક્ય નથી

મુંબઈમાં ઓમિક્રોનના દર્દીઓની સંખ્યા વધી રહી હોવાથી હવે ઓમિક્રોનગ્રસ્ત અને કોરોનાના બીજા પ્રકારના સંક્રમણ થયેલા દર્દીઓ માટે સ્વતંત્ર વ્યવસ્થા ન કરતા એક જ ઠેકાણે સારવાર અને ક્વોરન્ટાઈન કરવામાં આવશે. મુંબઈમાં નવેમ્બરના છેલ્લા અઠવાડિયાથી વિવિધ દેશમાંથી આવતા પ્રવાસીઓની ટેસ્ટ મહાપાલિકાએ શરૂ કરી હતી. એમાં કોરોનાગ્રસ્ત જણાયેલા દર્દીઓ મારફત ઓમિક્રોનનો ફેલાવો ન થાય એ માટે તેમની વ્યવસ્થા સેવન હિલ્સ હોસ્પિટલના સ્વતંત્ર વિભાગમાં કરવામાં આવી. પ્રવાસીઓના ક્વોરન્ટાઈન માટે પણ સ્વતંત્ર વ્યવસ્થા ઊભી કરવામાં આવી.

મુંબઈમાં વિવિધ દેશમાંથી લગભગ 7 હજાર નાગરિકો દરરોજ હવાઈમાર્ગે દાખલ થાય છે. એમાં જોખમવાળા દેશમાંથી આવતા નાગરિકોની સંખ્યા પણ મોટા પ્રમાણમાં હોવાથી ક્વોરન્ટાઈન સુવિધા વધારવી જરૂરી થયું છે. એ અનુસાર હવે મહાપાલિકાએ બીકેસીના કોરોના કેન્દ્રમાં 500 બેડનું ક્વોરન્ટાઈન સેંટર આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે શરૂ કર્યું છે. મુંબઈમાં 300થી વધારે ઓમિક્રોનગ્રસ્ત દર્દીઓ છે. એમાં અડધાથી વધુ દર્દીઓ મુંબઈના રહેવાસી છે. મુંબઈમાં ઝડપથી વધતા દર્દીઓમાં લગભગ 80 ટકા દર્દીઓ ઓમિક્રોનગ્રસ્ત છે. આગામી થોડા દિવસમાં આ સંખ્યા 100 ટકા પર પહોંચે એવી શક્યતા છે.

તેથી કોરોનાગ્રસ્ત મળતા દર્દીઓમાં ઓમિક્રોનગ્રસ્ત અને બીજા સંક્રમણગ્રસ્ત એમ ફરક ન કરવાનો નિર્ણય મહાપાલિકાએ લીધો છે. મુંબઈમાં હવે મોટા ભાગના દર્દીઓ ઓમિક્રોનગ્રસ્ત હોવાથી તેમના માટે સ્વતંત્ર વ્યવસ્થા કરવી શક્ય નથી. દર્દીઓ ઓમિક્રોનગ્રસ્ત હોય છતાં લક્ષણો અને બીમારીના સ્વરૂપમાં ઝાઝો ફરક નથી. ઉલટાનું એનું સ્વરૂપ ડેલ્ટાની સરખામણીએ સૌમ્ય છે. તેથી હવે દર્દીઓમાં ફરક ન કરતા દર્દી જેમ દાખલ થાય તેમ એક જ ઠેકાણે દાખલ કરવામાં આવશે એમ મહાપાલિકાના અતિરિક્ત આયુક્ત સુરેશ કાકાણીએ જણાવ્યું હતું.

વિદેશી પ્રવાસીઓ માટે ક્વોરન્ટાઈનની સગવડ : વિદેશી પ્રવાસીઓમાં જેમને હોટેલમાં રહેવું પરવડે એમ નથી તેમના માટે બીકેસી અને કાંજુરમાર્ગમાં ક્વોરન્ટાઈન અને સારવારની સુવિધા શરૂ કરી છે. બીકેસીમાં 500 અને કાંજુરમાર્ગમાં 600 બેડ ઉપલબ્ધ છે. ઉપરાંત હવે દરેક વિભાગમાં સીસીસી2 એટલે કે કોરોના આઈસીયુ સેંટરમાં 500 બેડ શરૂ કર્યા છે. ઝૂપડપટ્ટી ભાગમાં સંક્રમણ ધીમે ધીમે થતું હોવાથી તેમને ઘરમાં ક્વોરન્ટાઈન કરવા શક્ય ન હોવાથી આ સુવિધા કરવામાં આવી છે.

બીજી આરોગ્ય સેવા ચાલુ છે
કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા વધી રહી હોવાથી 31 માર્ચ સુધી જમ્બો કોરોના સેંટર ચાલુ રાખવાનો નિર્ણય મહાપાલિકાએ લીધો છે. કોરોના સિવાયની બીજી આરોગ્ય સેવાઓ પણ ચાલુ રહેશે. દર્દીઓની સંખ્યા વધશે છતાં 10 ટકા દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થતા હોવાથી આરોગ્ય વ્યવસ્થા પર તાણ ઝાઝો વધ્યો નથી. તેથી હાલ તો કોરોના સિવાયની બીજી આરોગ્ય સેવા બંધ કરવાનો વિચાર નથી એમ મહાપાલિકાએ સ્પષ્ટ કર્યું છે.

એનઆઈવીમાં ટેસ્ટ
કોરોનાગ્રસ્તોના નમૂનાઓની ટેસ્ટ કસ્તુરબા સેંટ્રલ લેબોરેટરીમાં થાય છે છતાં પુણેની એનઆઈવી (નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી)માં કેટલાક નમૂના મોકલવા પડે છે. તેનો રિપોર્ટ આવે ત્યાં સુધી અહીંનો રિપોર્ટ આવી ગયો હોય છે. તેથી બે વખત એક જ નમૂનાની ટેસ્ટ કરીને સગવડનો નાહક ઉપયોગ કરવો યોગ્ય નથી. તેથી હવે નમૂના પુણેની એનઆઈવીમાં જ ટેસ્ટ માટે મોકલવામાં આવશે. જરૂર પડશે તો કસ્તુરબામાં ટેસ્ટ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...