ભાસ્કર વિશેષ:મહાપાલિકાની સિદ્ધાર્થ હોસ્પિટલની કાયાપલટ

મુંબઈ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 11 માળાની નવી ઈમારતમાં 306 બેડ સહિત અત્યાધુનિક સુવિધાઓ

મુંબઈ મહાપાલિકાની ગોરેગાવ ખાતેની સિદ્ધાર્થ હોસ્પિટલનો પુનર્વિકાસ કરવામાં આવશે. ત્યાં 11 માળાની નવી ઈમારત બાંધવામાં આવશે. આ નવી ઈમારતમાં 306 બેડ સહિત અત્યાધુનિક મેડિકલ સુવિધા ઉપલબ્ધ કરી આપવામાં આવશે. એના માટે લગભગ 300 કરોડ રૂપિયાનો ખર્ચ થશે અને આ કામ માટે ટેંડર મગાવવામાં આવ્યા છે. દરમિયાન એના કારણે પશ્ચિમ ઉપનગરોના દર્દીઓને ઘણી રાહત મળશે.

મુંબઈની કેઈએમ, સાયન, નાયર, કૂપર જેવી મુખ્ય હોસ્પિટલ સહિત પૂર્વ-પશ્ચિમ ઉપનગરોમાં મુંબઈ મહાપાલિકાની 16 જનરલ હોસ્પિટલ છે. મુંબઈ મહાનગર પ્રદેશથી લઈને દેશના ખૂણેખાંચરેતી આ હોસ્પિટલોમાં દર્દીઓ આવે છે. મુખ્ય હોસ્પિટલ પર પડતો તાણ ઓછો કરવા માટે મહાપાલિકા પ્રશાસને ઉપનગરોની હોસ્પિટલોનો પુનર્વિકાસ તેમ જ એને અદ્યતન બનાવવાનો નિર્ણય લીધો છે. એમાં ગોરેગાવ પશ્ચિમ સ્થિત સિદ્ધાર્થ હોસ્પિટલનો સમાવેશ છે.

20 થી 25 વર્ષ પહેલાં જોગેશ્વરીથી મલાડ પટ્ટામાં મહાપાલિકાની હોસ્પિટલ નહોતી. 1998માં ગોરેગાવમાં સિદ્ધાર્થ હોસ્પિટલ બાંધવામાં આવી. આ 6 માળાની હોસ્પિટલની ઈમારત હવે જર્જરિત થઈ હોવાથી જોખમકારક બની હતી. 2019માં આ હોસ્પિટલ બંધ કરવામાં આવી અને 2020માં ઈમારત તોડી પાડવામાં આવી.

છેલ્લા બે વર્ષથી મહાપાલિકા પ્રશાસન કોરોના મહામારીનો સામનો કરી રહ્યું છે ત્યારે હોસ્પિટલ ઊભી કરવામાં થોડું મોડુ થયું છે. જો કે આ હોસ્પિટલ બંધ કર્યાને ત્રણ વર્ષ થયા બાદ હવે નવી હોસ્પિટલ બાંધવાનું મૂરત પ્રશાસનને મળ્યું છે. ટેંડર પ્રક્રિયા પૂરી કરીને કામ શરૂ થયા બાદ ત્રણ વર્ષમાં નવી હોસ્પિટલ બંધાઈ જશે.

આ હોસ્પિટલમાં પહેલાંની જેમ જ અત્યાધુનિક મેડિકલ સેવા આપવામાં આવશે અને એમાં બેડની સંખ્યા હવે 306 જેટલી હશે. તેથી પશ્ચિમ ઉપનગરોના દર્દીઓને ઘણી રાહત મળશે. દરમિયાન આ નવી હોસ્પિટલના કારણે જોગેશ્વરી ખાતેનું બાળાસાહેબ ઠાકરે ટ્રોમા સેંટર અને કાંદિવલીની ડો. બાબાસાહેબ આંબેડકર શતાબ્દી હોસ્પિટલ પરનો તાણ ઓછો થશે.

નવી હોસ્પિટલમાં શું સેવા મળશે?
આઈસીયુ, ઓપીડી, અકસ્માત વિભાગ, મેડિકલ, પેડિયાટ્રીક, ગાયનેક ઓપીડી, એક્સરે, ઈસીજી વિભાગ, ઈએનટી, ઓપ્થેલમોલોજી, ડેન્ટલ ટ્રીટમેન્ટ, સ્કીન ઓપીડી, સીટી સ્કેન, ડાયાલિસિસ, પેથોલોજી

અન્ય સમાચારો પણ છે...