ભાસ્કર વિશેષ:પશ્ચિમ-પૂર્વ ઉપનગરોના 105 બસસ્ટોપની કાયાપલટ

મુંબઈ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દક્ષિણ મુંબઈની જેમ ખુલ્લા અને બેસવાની વ્યવસ્થાવાળા બનાવાશે

પશ્ચિમ અને પૂર્વ ઉપનગરોના 105 બસસ્ટોપની કાયાપલટ ટૂંક સમયમાં કરવામાં આવશે. એના લીધે ખુલ્લા દેખાતા અને બેસવાની વ્યવસ્થાવાળા બસસ્ટોપ દક્ષિણ મુંબઈ પછી હવે ઉપનગરોમાં પણ દેખાશે. અત્યાર સુધીના બસસ્ટોપનું સ્વરૂપ બદલવામાં આવશે અને ઓછી જગ્યા રોકતા આ બસસ્ટોપ જિલ્લા નિયોજન સમિતિના ભંડોળમાંથી ઊભા કરવામાં આવશે. દક્ષિણ મુંબઈમાં શ્યામાપ્રસાદ મુખરજી ચોક ખાતે ફૂટપાથનું સુશોભીકરણ તાજેતરમાં મહાપાલિકાએ કર્યું છે. હવે આકર્ષક દેખાતી ફૂટપાથ આગામી સમયમાં પશ્ચિમ અને પૂર્વના ઉપનગરોમાં પણ દેખાશે.

મહાપાલિકાના નિયોજન વિભાગના માધ્યમથી બસસ્ટોપનો વિકાસ કરવામાં આવશે અને એના માટે ટેંડર મગાવવામાં આવ્યાની માહિતી નિયોજન વિભાગના સહાયક આયુક્ત કિરણ દિઘાવકરે આપી હતી. બસની રાહ જોતા ઊભા પ્રવાસીઓની સગવડ અને સૌંદર્યનો વિચાર કરીને અત્યારના બસસ્ટોપ આકર્ષક સ્વરૂપમાં બદલવાનો પ્રયત્ન મહાપાલિકા કરશે. લાલ રંગના અને બેસવાની સગવડ વિનાના અત્યારના બસસ્ટોપ બદલીને એની જગ્યાએ પૂર્ણ ખુલ્લા અને બેસવાની વ્યવસ્થાવાળા નવા બસસ્ટોપ તૈયાર કરવામાં આવશે.

ઓછામાં ઓછી જગ્યા રોકતા આ નવા બસસ્ટોપ પર લગભગ 9 કરોડ રૂપિયાનો ખર્ચ અપેક્ષિત છે. ટેંડર પ્રક્રિયા પૂરી થયા પછી સ્થાયી સમિતિની મંજૂરી બાદ આ કામ શરૂ થશે અને છ મહિનામાં પૂરું કરવાનું લક્ષ્ય નિયોજન વિભાગે રાખ્યું છે.

ક્યાં કેટલા બસસ્ટોપ?
ઓશિવરા ખાતે 15, ગોવંડી 13, દેવનાર 11, ગોરેગાવમાં 10 એમ સૌથી વધુ બસસ્ટોપ બદલવામાં આવશે. બીજા ઠેકાણાઓમાં કુર્લા, વિદ્યાવિહાર, ઘાટકોપર, વિક્રોલી, મુલુંડ, સાંતાક્રુઝ, માગાઠાણે, બાન્દરા, ગોરાઈ, પોયસર, મલાડ, માલવણીના બસસ્ટોપ પણ બદલામાં આવશે.

બસસ્ટોપ પરનું અતિક્રમણ બંધ થશે કે?
અત્યારના બસસ્ટોપ પર ગર્દુલ્લાઓ, ભીખારીઓ બેઠા રહે છે. અનેક વખત એના પર આસપાસના બેઘર લોકોએ અતિક્રમણ કર્યું હોય છે. ક્યારે કપડા સૂકવે છે તો ક્યારેક ઝોળી લટકાવીને એમાં નાના બાળકોને સુવડાવે છે. દારૂડિયાઓએ તો બસસ્ટોપની જગ્યામાં અડ્ડો જમાવ્યો જ હોય છે. હવે નવા બસસ્ટોપ બનતા આ ત્રાસ દૂર થાય છે કે નહીં એ જોવું રહ્યું.

અન્ય સમાચારો પણ છે...