કાર્યવાહી:ટ્રેનમાં ત્રણ દારૂડિયા ઘૂસી જતાં કચ્છી દંપતી સહિતના પ્રવાસીઓ પરેશાન

મુંબઈ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કચ્છ જનજાગૃતિ અભિયાને ફોન કરતાં પોલીસ ફરિયાદ બાદ સુરત ઉતારાયા

મુંબઇથી ટ્રેનમાં કચ્છ જઇ રહેલા એક સિનિયર સિટીઝન કચ્છી દંપતી ટ્રેનમાં ત્રણ દારૂડિયા પેસેન્જરોને કારણે મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. નશામાં ચૂર તે ત્રણ પેસેન્જરોએ બોલાચાલી અને ઝઘડો શરૂ કરતાં કચ્છી દંપતીને પોતાની રિઝર્વ્ડ સીટ પરથી અન્ય સીટ પર મુસાફરી કરવા મજબૂર થયા હતા.

છેવટે આ સમગ્ર મામલે મુંબઇમાં કચ્છ જન જાગૃતિ અભિયાનના કાર્યકરોને ટેલિફોનથી જાણ કરતાં તેમણે સંબંધિત પોલીસનો સંપર્ક કરીને ફરિયાદ કરી હતી. આ પછી પોલીસે ત્રણેય દારૂડિયાને સુરત રેલવે સ્ટેશન પર કોચમાંથી ઉતારી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મુંબઇમાં કાંજુરમાર્ગમાં રહેતા અને કચ્છના નલિયાના વતની કચ્છી દશા ઓશવાળ (કેડીઓ) સમાજના 62 વર્ષના શરદ ગુલાબચંદ નાગડા અને પત્ની કુસુમ નાગડા ગુરુવારે બાંદરા રેલવે સ્ટેશનથી બાંદરા ગાંધીધામ સ્પેશિયલ હોલી-ડે ટ્રેનમાં કોચ નંબર એસ-9માં કચ્છ જવા માટે મુસાફરી કરવા કોચમાં ચઢ્યાં હતાં.

શરદ નાગડાએ “દિવ્ય ભાસ્કર’ને જણાવ્યું હતું કે, તેમના કોચમાં થોડી વારમાં ત્રણ અન્ય મુસાફરો આવ્યા હતા. ત્રણેય નશામાં હતા. તેઓ અમારી સાથે જીભાજોડી કરવા લાગ્યા હતા. એ સમયે મુસાફરો ઓછા હતા, પરંતુ બોરીવલીથી પણ અન્ય મુસાફરો આ કોચમાં આસપાસની સીટ પર આવ્યા ત્યારે પણ દારૂડિયાઓએ પ્રવાસીઓની પરેશાની વધારી દીધી હતી. આથી અમે નાછૂટકે અમારી સીટ પરથી બાજુના કમ્પાર્ટમેન્ટમાં જતા રહ્યા હતા.

આ અંગે અમે કચ્છ જન જાગૃતિ અભિયાનના પ્રતિનિધિ કિશોર મણિલાલ ગાલાને જાણ કરી હતી.તેમણે તુંરત રેલવે પ્રોટેકશન ફોર્સ (આરપીએફ)નો સંપર્ક સાધી ફરિયાદ નોંધાવી હતી. અમે ટ્રેનમાં ટિકિટચેકરને પણ ફરિયાદ કરી હતી. એ પછી આરપીએફ દ્વારા સુરત સ્ટેશન પર એ ત્રણેય મુસાફરોને ઉતારી જરૂરી કાર્યવાહી કરી હતી. અમે હાલમાં કચ્છના માંડવીમાં છીએ અને થોડાક દિવસ કચ્છમાં રોકાઇને પાછા મુંબઇ ફરીશું, અમને મદદ કરવા માટે કિશોરભાઇ ગાલાનો વિશેષ આભાર માનીએ છીએ.

અન્ય સમાચારો પણ છે...