તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રવાસીઓની અવરજવર વધી:કોરોનાકાળ વચ્ચે મુંબઈ એરપોર્ટ પર જૂનમાં 60% પ્રવાસી ટ્રાફિક વધ્યો

મુંબઈ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છ મહિનામાં 72,61,158 પ્રવાસીઓએ ઉડાણ કર્યું, દુબઈમાં સૌથી વધુ પ્રવાસી ગયા, જે પછી ન્યૂ યોર્ક અને હીથ્રો

કોરોનાકાળ વચ્ચે પણ છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ (સીએસએમઆઈએ- મુંબઈ એરપોર્ટ) પરથી પ્રવાસીઓની અવરજવર વધી રહી છે. ખાસ કરીને મે 2021ની તુલનામાં જૂન 2021માં પ્રવાસી ટ્રાફિકમાં 60 ટકાનો વધારો નોંધાયો છે. જાન્યુઆરી 2021થી જૂન 2021નાછ મહિનાના સમયગાળામાં ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ 77,797 ફ્લાઈટ થકી 72,61,158 પ્રવાસીઓએ ઉડાણ કર્યું હતું. આમાં 63,992 ફ્લાઈટ સાથે 64,87,066 ડોમેસ્ટિક પ્રવાસીઓ અને 13,805 ફ્લાઈટ સાથે 7,74,092 ઈન્ટરનેશનલ પ્રવાસીઓનોસમાવેશ થાય છે.

દુબઈ સૌથી વધુ લોકપ્રિય આંતરરાષ્ટ્રીય સ્થળ રહ્યું છે, જ્યાં આ સમયગાળામાં 2,13,770 પ્રવાસીઓ ગયા હતા. આ પછી ન્યૂ યોર્કમાં 88,010 અને હીથ્રોમાં 75,470 પ્રવાસી ગયા હતા. ડોમેસ્ટિકની વાત કરીએ તો દિલ્હીમાં સૌથી વધુ 9,46,890 પ્રવાસી ગયા હતા, જ્યારે ગોવામાં 5,42,350 અને બેન્ગલુરુમાં 4,32,180 પ્રવાસીઓએ ઉડાણ ભર્યું હતું.વર્ષ 2020થી મહામારી પછી વાઈરસનો નવો પ્રકાર, તે પછી બીજી લહેરે દુનિયાભરને હચમચાવી દીધા છે. આવા સમયે પણ વિમાનસેવા પ્રવાસીઓ માટે આશીર્વાદરૂપ નીવડી છે.

મુંબઈથી જતા પ્રવાસીઓ માટે મુંબઈ એરપોર્ટ 54 ડોમેસ્ટિક અને 21 ઈન્ટરનેશનલ સ્થળ સાથે પ્રવેશદ્વારનું કામ કરી રહ્યું છે. આથી જ બીજી લહેરમાં પણ મે 2021ની તુલનામાં જૂન 2021માં પ્રવાસી ટ્રાફિક 60 ટકા વધ્યો હતો. આ સમયગાળામાં મુંબઈ એરપોર્ટ દ્વારા ડોમેસ્ટિકમાં દરભંગા, આદમપુર અને કલબુર્ગી અને ઈન્ટરનેશનલમાં બાતમ, આર્મેનિયા, મિયામી, હ્યુસ્ટન જેવાં સ્થળ ઉમેરવામાં આવ્યાં હતાં.અનેક એસઓપીનો અમલ : આરંભથી જ મુંબઈ એરપોર્ટ પર અનેક એસઓપીનો અમલ કરવામાં આવી રહ્યો છે.

આરોગ્ય અને સરકારી સંસ્થાઓનાં પ્રતિબંધાત્મક પગલાંનું પાલન, જેમાં પ્રવાસીઓ અને એરપોર્ટના કર્મચારીઓને પણ આવરી લેવામાં આવે છે. હવે વિવિધ રાજ્યોએ નિયંત્રણો હળવાં કરવાનું શરૂ કર્યું છે ત્યારે પ્રવાસીઓનો એરપોર્ટનાં સુરક્ષાનાં પગલાં વિશે વિશ્વાસ વધી રહ્યો છે, જેને લઈ આગામી દિવસોમાં પ્રવાસી ટ્રાફિકમાં વધુ વધારો જોવા મળશે, એમ એરપોર્ટના પ્રવક્તાએ જણાવ્યું હતું.

આરટી- પીસીઆર સર્ટિફિકેટ જરૂરી
મોટા ભાગના ભારતીય રાજ્યો અને આંતરરાષ્ટ્રીય દેશોમાં પ્રવાસ કરવા માટે નેગેટિવ આરટી- પીસીઆર સર્ટિફિકેટ જરૂરી છે. પ્રવાસીઓનો પ્રવાસ ઝંઝટમુક્ત બનાવવા ઈન્ટરનેશનલ અને ડોમેસ્ટિક આવતાજતા બંને તરફના પ્રવાસીઓ માટે ટર્મિનલ 2 ખાતે પરીક્ષા સુવિધાઓના 30 કાઉન્ટર બનાવવામાં આવ્યા છે. પરીક્ષણનાં પરિણામ 13 મિનિટમાં મળી જાય એવી જોગવાઈ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...