છેતરપિંડી:જાદૂટોણા-કાળો જાદૂ કરતા ઠગ બાબા હાઈટેક બન્યા

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વેબસાઈટ પર લોભામણી જાહેરાતો થકી છેતરપિંડી

બીમારી, જાતીય સમસ્યા, લગ્નમાં સમસ્યા અથવા અન્ય કોઈ સમસ્યાના ઉકેલ માટે જાદૂટોણા, કાળો જાદૂ કરનાર ઠગ બાબા હવે ઓનલાઈન થયા છે. વેબસાઈટ શરૂ કરીને એના દ્વારા જુદી જુદી લાલચ દેખાડીને લોકોની છેતરપિંડી કરવાની ઘટનાઓ પ્રકાશમાં આવી છે. આવી વેબસાઈટ ચલાવતા બે જણ વિરુદ્ધ બાન્દ્રા પોલીસે ગુનો દાખલ કરીને તેમને શોધી રહી છે. આ બંનેએ મળીને અનેક લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરી હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે.

ઠેકઠેકાણે પોસ્ટરબાજી કરીને પૂજા, હોમહવન અને બીજી રીતે કૌટુંબિક સમસ્યા દૂર કરવાનું આશ્વાસન આપીને લોકોની છેતરપિંડી કરવાની ઘટનાઓ મુંબઈમાં વારંવાર થતી રહે છે. આવી છેતરપિંડી થવાની ફરિયાદ વસઈના એક સામાજિક કાર્યકર્તાએ બાન્દ્રા પોલીસ સ્ટેશનમાં કરી છે. એક સંસ્થાના માધ્યમથી જુદી જુદી વેબસાઈટ તૈયાર કરીને જાદૂટોણા, કાળો જાદૂ કરીને સમસ્યા દૂર કરવામાં આવશે એવી જાહેરાતો આપવામાં આવે છે. એમાં તમને કોઈ હેરાન કરતું હોય તો એને ન જણાવતા કાળો જાદૂ કરીને બદલો લેવામાં આવશે. મહિલા પસંદગી મુજબ ગર્ભધારણ કરી શકશે.

આવા આશ્વાસન આપીને અત્યાર સુધી અનેક જણની સમસ્યાઓ દૂર કરી હોવાનો દાવો આ વેબસાઈટ પર કરાતો હોવાનો આરોપ છે. આ ફરિયાદ પરથી બાન્દ્રા પોલીસે વેબસાઈટ ચલાવતા આરોપી સૌલન અને સાહિલ વિરુદ્ધ મહારાષ્ટ્ર જાદૂટોણા વિરોધી કાયદા અંતર્ગત ગુનો દાખલ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...