આપઘાત:લોકડાઉનને લીધે આર્થિકતાણને લઈ ત્રણ ગુજરાતીની આત્મહત્યા

મુંબઈએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કાંદિવલી પશ્ચિમમાં છેલ્લા 48 કલાકમાં બે અલગ અલગ ઘટનામાં ત્રણ ગુજરાતીઓએ આત્મહત્યા કરી હતી. લોકડાઉનના કારણે આર્થિક પરિસ્થિતિ અને માનસિક તણાવને લીધે જીવન ટૂંકાવ્યું હોવાનું બહાર આવ્યું છે.કાંદિવલી- વેસ્ટના દહાણુકરવાડીમાં સુનિતા એપાર્ટમેન્ટમાં રહેતા એક જૈન દંપતીએ બુધવારે સવારે તેના ફલેટમાં આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાસ્થળેથી પોલીસને એક સુસાઈડ નોટ મળી હતી, જે અંગ્રેજીમાં લખેલી હતી અને આત્મહત્યા માટે કોઈને જવાબદાર નહીં ઠરાવવાની નોંધ કરવામાં આવી છે.

જૈન સમાજનો જિજ્ઞેશ શેરદલાલી કરતો હતો, જ્યારે કાશ્મીરા ગૃહિણી હતી
કાંદિવલીના સિનિયર પીઆઈ વિજય કાંદળગાવકરે દિવ્ય ભાસ્કરને કહ્યું હતું કે, સુનિતા એપાર્ટમેન્ટના 9મા માળે ફલેટ 903માં રહેતા 45 વર્ષીય જિજ્ઞેશ જિતેન્દ્ર દોશી અને 43 વર્ષીય પત્ની કાશ્મીરાએ તેમના ઘરમાં સુસાઇડ કરી લીધું હતું. તેમની સાથે રહેતો તેના 17 વર્ષનો દીકરો બુધવારે સવારે 10.30 વાગ્યે જાગ્યો ત્યારે ઘરમાં કોઇને નહીં જોતાં તેણે કિચન અને બેડરૂમમાં તપાસ કરતાં તેની મમ્મીનો મૃતદેહ બેડરૂમના બેડ પર અને પપ્પાનો મૃતદેહ બાથરૂમમાં શાવરના નળ સાથે કાપડના બેલ્ટથી ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. ઘટનાસ્થળેથી એક સુસાઇડ નોટ મળી આવી હતી.પોલીસ અનુસાર જૈન સમાજનો જિજ્ઞેશ શેરદલાલી કરતો હતો, જ્યારે કાશ્મીરા ગૃહિણી હતી. તેમના પુત્ર પાર્થે હમણાં જ એસએસીની પરીક્ષા પાસ કરી હતી. જિજ્ઞેશની માતા ફેબ્રુઆરીમાં અવાસન પામી હતી. દોશી પરિવાર આ ખરીદી કરેલા ટુ બેડરૂમ ફ્લેટમાં છેલ્લાં 4 વર્ષથી રહેતા હતા. ફ્લેટના અડધો પૈસા ભર્યા છે, એમ પોલીસે જણાવ્યું હતું.

સુસાઇડ નોટમાં કોઈ જવાબદાર ઠરાવ્યા નથી
બીજી ઘટનામાં કાંદિવલી- વેસ્ટમાં મહાવીરનગર જૈન સોસાયટીમાં રહેતા 70 વર્ષના મહેન્દ્રભાઈ શાહે ઇમારતની અગાશી પરથી છલાંગ લગાવીને સુસાઇડ કરી લીધું હતું. તેઓ ગારમેન્ટના વ્યવસાય સાથે સંકળયેલા હતા. તેમના પરિવારમાં પત્ની, તેમનો દીકરો-વહુ અને તેમના બે સંતાનો સાથે રહેતાં હતાં. સોમવારે સાંજે અચાનક ટેરેસ પર જઇને ઉપર પરથી કૂદકો માર્યો હતો. સુસાઇડ નોટમાં કોઈ જવાબદાર ઠરાવ્યા નથી. આર્થિકભીંસને લઈ માનસિક તણાવમાં અંતિમ પગલું ભર્યું હોવાનું પોલીસે જણાવ્યું હતું. મહેન્દ્રભાઇના મૃતદેહ કોવિડ-19 ટેસ્ટ કરાવ્યા બાદ બોરીવલીની ભગવતી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કર્યાં પછી બુધવારે તેમના પરિવારજનોને મૃતદેહ સોંપવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...