રજૂઆત:રૂ 50 લાખ ન આપે તો ખોટા કેસમાં ફસાવવાની ધમકી

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 6 કરોડની લૂંટમાં સસ્પેન્ડ પોલીસ અધિકારીનું વધુ એક કારનામું, બિલ્ડર દ્વારા ડીજીને રજૂઆત

મુંબ્રા પોલીસની હદમાં રૂ. 6 કરોડની લૂંટ પ્રકરણે સસ્પેન્ડ પીઆઈ શેવાળેની તપાસ ચાલી રહી છે ત્યારે વધુ એક વિવાદાસ્પદ પ્રકરણ બહાર આવ્યું છે. મુંબઈના એક બિલ્ડર પાસેથી રૂ. 50 લાખની માગણી કરી હતી. અન્યથા ખોટા કેસમાં અટકાવવાની ધમકી આપી હતી. બિલ્ડર અબ્દુલ રશીદ શેખ દ્વારા રાજ્ય પોલીસ પ્રમુખ રજનીશ સેઠ, મુંબઈના પોલીક કમિશનર સંજય પાંડે, થાણે પોલીસ કમિશનર, સાકીનાકા પોલીસ, મુંબ્રા પોલીસ સ્ટેશનમાં આ અંગે લેખિત ફરિયાદ કરવામાં આવી છે.

હવે શેવાળેની મુશ્કેલીમાં વધારો થયો હોઈ આ ફરિયાદ અરજીની તપાસ થવાની શક્યતા છે.મુંબઈમાં સાકીનાકા ખાતે રહેતા બિલ્ડર અબ્દુલ રશીદ શેખને તેના ભાગીદાર સાથે આર્થિક વિખવાદ હતો. ભાગીદારે શેવાળેનો સંપર્ક કરીને મુંબ્રા પોલીસ સ્ટેશનનો કોઈ સંબંધ નહીં હોવા છતાં શેવાળે થકી શેખની સતામણી કરવામાં આવી હતી.આ રોકવા માટે શેવાળેએ રૂ. 50 લાખની માગણી કરી હતી.

જો રકમ નહીં આપે તો ખોટા ગુનામાં અટકાવવાની ધમકી આપી હતી. શેવાળેનો ખબરી અને એક કોન્સ્ટેબલ વારંવાર બિલ્ડરના ઘરે જઈને કુટુંબીઓને પણ ત્રાસ આપતા હતા, એમ પણ ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે. બિલ્ડરે 28 માર્ચ, 2022ના સાકીનાકામાં, 29 માર્ચ, 2022ના રોજ મુંબઈ પોલીસ કમિશનર પાસે, 6 એપ્રિલ, 2022ના રોજ થાણે પોલીસ કમિશનરને અને તે જ દિવસે મુંબ્રા પોલીસમાં પણ લેખિત ફરિયાદ નોંધાવી હતી.

દરોડામાં 30 કરોડની રોકડ મળી આવી હતી
નોંધનીય છે કે થોડા સમય પૂર્વે પોલીસે એક વેપારીના ઘરે દરોડા પાડ્યા હતા. તે સમયે તેમને રૂ. 30 કરોડ મળી આવ્યા હતા. આમાંથી પોલીસે રૂ. 6 કરોડ પોતાની પાસે રાખીને વેપારીને ભગાડી દીધો હતો. આ અંગે ફરિયાદ નોંધાતાં થાણેના પોલીસ કમિશનર જગજિત સિંહે દસ પોલીસ અધિકારી અને કર્મચારીને સસ્પેન્ડ કર્યા છે. આ પ્રકરણની તપાસ ચાલી રહી છે ત્યાં સસ્પેન્ડડ ગીતારામ શેવાળે સામે રૂ. 50 લાખની માગણીનો આરોપ થયો છે.

અન્ય સમાચારો પણ છે...