મુંબઈ સેન્ટ્રલ અને બાંદરા ટર્મિનસમા પ્રવાસીઓની ભીડને વહેંચી નાખવા સાથે ભવિષ્યમાં રેલવે ટ્રેનોના નિયોજન માટે જોગેશ્વરી ખાતે નવું ટર્મિનસ ઊભું કરવામાં આવશે. પશ્ચિમ રેલવેમાં આ ત્રીજું ટર્મિનસ ઊભું કરવા માટે રેલવે મંડળ દ્વારા મંજૂરી આપવામાં આવશે.
મુંબઈ સેન્ટ્રલ અને બાંદરા ટર્મિનસ પર હાલમાં પ્રવાસીઓની જબરદસ્ત ભીડ થાય છે. આથી જોગેશ્વરીની પસંદગી કરવામાં આવી છે. જોગેશ્વરી ટર્મિનસ બનતાં પશ્ચિમી પરાંના પ્રવાસીઓ માટે તે સુવિધાજનક બની રહેશે. આને કારણે અન્ય બે ટર્મિનસ પર ભીડ આપોઆપ ઓછી થઈ જશે, જેથી તળ અને મધ્ય મુંબઈ તથા પૂર્વીય પરાંના પ્રવાસીઓ માટે પણ તે સુવિધાજનક બની રહેશે.ભારતીય રેલવે પર તેજસ જેવી ખાનગી અને વંદે ભારત જેવી એન્જિન વિનાની રેલવે ટ્રેનો ચલાવવામાં આવશે.
હાલ મુંબઈ સેન્ટ્રલ અને બાંદરા ટર્મિનસમાં વધારાની રેલવે ટ્રેનો ચલાવવાનુ અને ટ્રેન ઊભી કરવા માટે જગ્યા ઉપલબ્ધ નથી. આથી નવેમ્બર 2021માં પશ્ચિમ રેલવેએ જોગેશ્વરી ટર્મિનસ ઊભું કરવા રેલવે મંડળ પાસે પ્રસ્તાવ મોકલ્યો હતો. હવે તેને મંજૂરી આપવામાં આવી છે. લગભગ રૂ. 70 કરોડને ખર્ચે આ ટર્મિનસ ઊભું કરવામાં આવશે.
પ્રવાસીઓ માટે વધુ સુવિધા : પ્રવાસીઓની વધુ સુવિધા મળે તે માટે જોગેશ્વરી ટર્મિનસને મેટ્રો અને વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે સાથે જોડવામાં આવશે. મુંબઈ સેન્ટ્રલ અને બાંદરા ટર્મિનસ શહેરના મધ્યવર્તી ભાગોમાં હોવાથી ઉપનગરોમાંથી આવનારા પ્રવાસીઓને ટ્રાફિકજામનો પણ સામનો કરવો પડે છે, જે જોગેશ્વરી ટર્મિનસને કારણે ટળી જશે. ઉપરાંત આ ટર્મિનસ બની ગયા પછી ઉપનગરના પ્રવાસીઓને છેક મુંબઈ સેન્ટ્રલ કે બાંદરા સુધી લાંબા થવું નહીં પડશે.
જોગેશ્વરીમાં આવી વ્યવસ્થા હશે
જોગેશ્વરી ટર્મિનસમાં એક પ્લેટફોર્મ અને ત્રણ માર્ગ ઊભા કરવામાં આવશે. આમાંથી એક માર્ગ ટ્રેન ઊભી કરવા વપરાશે. મુંબઈ સેન્ટ્રલ અને બાંદરા ખાતેથી કુલ 12 ટ્રેન જોગેશ્વરીથી છોડવાનું નિયોજન છે. પ્રવાસીઓના પ્રતિસાદ અનુસાર ટ્રેનોની સંખ્યામાં વધારો કરાશે, એમ પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે જણાવ્યું હતું.
વંદે ભારત સ્લીપર ટ્રેન
વંદે ભારત સ્લીપર (ટ્રેન 20) અને બેઠા આસન (ટ્રેન 18) શ્રેણીની ટ્રેનો બનાવવાની તૈયારી ચાલી રહી છે. આ માટે ટેન્ડર પ્રક્રિયા પણ થઈ છે. હાલના ટર્મિનસમાં વધારાની ટ્રેન ચલાવવા માટે જગ્યા નહીં હોવાથી નવા ટર્મિનસમાંથી ટ્રેનો ચલાવવાનું નિયોજન છે. જોગેશ્વરી ટર્મિનસમાં એલીવેટર્સ, ફૂટઓવરબ્રિજ, પ્રતિક્ષા યાદી, ટિકિટ વેચાણ કેન્દ્ર અને અન્ય પ્રવાસી સુવિધા ઊભી કરવામાં આવશે. 2025 સુધી આ કામ પૂરું કરવાનું લક્ષ્ય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.