મુંબઈ પોલીસે સોનાની ચેન આંચકી જનારા ચોરો પર નિયંત્રણ મેળવ્યું છે ત્યારે બીજી તરફ મોબાઈલ ચોરોનું પ્રમાણ ઘણું વધ્યું છે. મોબાઈલ પર વાત કરતા, હાથમાં કે ખીસ્સામાં મોબાઈલ મૂકીને ચાલતા જનારા લોકો પાસેથી ચોરો ટુવ્હીલર પર આવીને મોબાઈલ આંચકી જાય છે. માટુંગામાં એક કલાકમાં ટુવ્હીલર પર આવેલા બે ચોરોએ 15 મોબાઈલ આંચકી લીધા હતા. તેથી પોલીસ સતર્ક બની હતી અને માટુંગા, શિવાજીનગર તેમ જ કાંદિવલીથી મોબાઈલ ચોરોની ધરપકડ કરતા અનેક ગુનાઓનો ઉકેલ આવ્યો હતો.
મુંબઈ જેવા શહેરમાં મોબાઈલનો ઉપયોગ અને એની ચોરી થવાનું પ્રમાણ વધારે છે. મોટા ભાગના પ્રકરણોમાં પોલીસ ચોરીના બદલે મોબાઈલ ખોવાયાની ફરિયાદ નોંધે છે. ટેકનિકલ અડચણ, પોલીસની મર્યાદાના કારણે ચોરાયેલા મોબાઈલ પાછા મળવાની ખાતરી હોતી નથી. ચોરીના મોબાઈલ બીજા રાજ્યોમાં, વિદેશમાં લઈ જઈને વેચવામાં આવે છે અથવા એના આઈએમઆઈ નંબર અથવા છૂટા ભાગ ફરીથી વાપરવામાં આવે છે. તેથી મોબાઈલ ચોરો પર પોલીસે પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
માટુંગામાં 2 ફેબ્રુઆરીના ફાઈવગાર્ડન પરિસરમાં મોર્નિંગ વોક માટે આવેલા લોકોમાંથી 15 જણના મોબાઈલ ટુવ્હીલર પર આવેલા ત્રણ ચોરોએ આંચકી લીધા હતા. આગળ જઈને ચોરોએ રફી અહમદ કીડવાઈ રોડ, નહેરુનગર પરિસરમાં પણ મોબાઈલ આંચકી લીધા હતા. એક જ સમયે આટલા બધા મોબાઈલ ચોરી થવાથી પોલીસની ટીમ કામે લાગી. સીસી ટીવી ફૂટેજ પરથી પોલીસે ટુવ્હીલર પર આવેલા ચોરોનો પીછો કર્યો.
કાંદિવલીમાંથી પણ ધરપકડ
કાંદિવલી, ચારકોપ, બાંગુરનગર પરિસરમાં પણ મોબાઈલ આંચકી જવાની ઘટનાઓ વધી હોવાથી ગુના શાખાની ટીમે મોબાઈલ ચોરો પર નજર રાખી હતી. ગુના શાખાના યુનિટ-11ની ટીમે પિતાને મળવા આવેલા સોહેલ શકીલ કુરેશી નામના અઠંગ મોબાઈલ ચોરની ધરપકડ કરી હતી. તેની પાસેથી ચોરીના બે મોબાઈલ અને ત્રણ ટુવ્હીલર હસ્તગત કરવામાં આવ્યા. સોહેલ રીઢો ચોર છે અને 2019માં પણ એની ધરપકડ કરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.