પરમવીરે જવાબ નોંધાવ્યો:દેશમુખ વિરુદ્ધ હવે વધુ પુરાવા નથી

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પરમવીર તપાસ પંચ સામે ઊલટતપાસ માટે પણ તૈયાર નથી

રાજ્યના ભૂતપૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ સામે ભ્રષ્ટાચારના આરોપોની તપાસ કરતા તપાસ પંચ સમક્ષ મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમવીર સિંહે દાખલ કરેલા એફિડેવિટમાં એમ જણાવ્યું છે કે હવે પછી આ મામલામાં તેમની પાસે આપવા જેવા કોઈ વધુ પુરાવા નથી. વકીલે બુધવારે સમર્થન આપતાં જણાવ્યું કે પરમવીરે પંચની ગત સુનાવણીમાં એફિડેવિટમાં આ જવાબ નોંધાવ્યો હતો. આ વર્ષે માર્ચમાં પરમવીરે દેશમુખ પર કરેલા આરોપોની તપાસ કરવા માટે મહારાષ્ટ્ર સરકારે નિવૃત્ત જસ્ટિસ કૈલાશ ઉત્તમચંદ ચાંદીવાલનું એક સભ્યનું પંચ નીમ્યું હતું.

પંચે અનેક સમન્સ જારી કર્યા છે અને જામીનપાત્ર વોરન્ટ પણ જારી કર્યા છે છતાં પરમવીર હમણાં સુધી રૂબરૂ હાજર થયા નથી. સતત ગેરહાજર રહેવા માટે પંચે જૂનમાં રૂ. 15,000 અને પછી અન્ય બે અવસરે પ્રત્યેકી રૂ. 25,000નો દંડ પણ કર્યો છે. હવે નવી પ્રગતિમાં કેસમાં તપાસ પંચ માટે હાજર રહેતા વિશેષ સરકારી વકીલ શિશિર હિરેએ જણાવ્યું છે કે પરમવીરે આરંભમાં મુખ્ય મંત્રી અને ગૃહમંત્રીને લખેલા પત્ર સિવાય આ મામલામાં તેમની પાસે કોઈ વધુ પુરાવા નથી એમ કહ્યું છે. ઉપરાંત તેઓ ઊલટતપાસ માટે તૈયાર નથી.

પરમવીર સામે મુંબઈ અને થાણેમાં અલગ અલગ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલા અલગ અલગ ખંડણી અને ભ્રષ્ટાચારના કેસ સંબંધમાં બે બિન- જામીનપાત્ર વોરન્ટ જારી કરાયા છે. પરમવીરને મુંબઈ પોલીસ કમિશનર પદેથી હટાવીને હોમ ગાર્ડસના પ્રમુખ તરીકે ટ્રાન્સફર કરવામાં આવ્યા પછી પરમવીરે મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેને પત્ર લખીને જણાવ્યું હતું કે દેશમુખ અમુક ચુનંદા પોલીસ અધિકારીઓને રેસ્ટોરાં અને બારમાલિકો પાસેથી હપ્તા વસૂલી કરવા માટે કહેતા હતા.

સીબીઆઈ - ઈડીની તપાસ
દેશમુખે આ એપ્રિલમાં રાજ્યના ગૃહમંત્રી પદેથી રાજીનામું આપી દેવું પડ્યું હતું. તેમણે પોતાની સામેના આરોપો વારંવાર નકારી કાઢ્યા છે. સીબીઆઈ અને ઈડી પરમવીર દ્વારા દેશમુખ સામે કરાયેલા આરોપોની તપાસ કરી રહી છે. ખંડણીના રેકેટ સાથે કડી ધરાવતા મની લોન્ડરિંગ કેસમાં સોમવારે ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. તેમને 6 નવેમ્બર સુધી ઈડી કસ્ટડી આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...